Education

સોશિયલ મીડિયા પર અફવાથી વિદ્યાર્થીઓ ચિંતિત, CBSE 12માંનુ રિઝલ્ટ મે મહિનાના બીજા અથવા ત્રીજા અઠવાડિયામાં જાહેર થવાની સંભાવના

CBSE બોર્ડના ધોરણ 12ના પરિણામને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. દરરોજ લાખો વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ ચેક કરી રહ્યા છે કે પરિણામ જાહેર થયું છે કે નહીં. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ, CBSE ટૂંક સમયમાં 12મું પરિણામ જાહેર કરવા જઈ રહ્યું છે. મીડિયા અહેવાલો અને બોર્ડના સૂત્રો અનુસાર, CBSE ધોરણ 12નું પરિણામ મે મહિનાના બીજા અથવા ત્રીજા અઠવાડિયામાં જાહેર થવાની સંભાવના છે. બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે મૂલ્યાંકન પ્રક્રિયા સમયસર ચાલી રહી છે અને તેમાં કોઈ વિલંબ નથી. આથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે પરિણામ હવે અંતિમ તબક્કામાં છે અને ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે. ઘણા વિદ્યાર્થીઓમાં સોશિયલ મીડિયા પર ફરતી અફવાઓને લઈને ચિંતા જોવા મળે છે. કેટલીક પોસ્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે પેપર ચેકિંગમાં ગડબડ થઈ છે. પરંતુ CBSEએ આ તમામ દાવાઓને નકારી કાઢ્યા છે. બોર્ડના જણાવ્યા મુજબ, ઓન-સ્ક્રીન માર્કિંગ (OSM) સિસ્ટમ દ્વારા મૂલ્યાંકન પ્રક્રિયા પારદર્શક અને સુચારુ રીતે થઈ રહી છે.

વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ ફક્ત સત્તાવાર વેબસાઇટ્સ પર જ વિશ્વાસ રાખે. પરિણામ જાહેર થયા બાદ cbse.gov.in અને results.cbse.nic.in પર જઈને તેઓ પોતાનું પરિણામ ચેક કરી શકશે. આ સિવાય DigiLocker અને UMANG એપ દ્વારા પણ માર્કશીટ ડાઉનલોડ કરી શકાશે. DigiLocker દ્વારા માર્કશીટ મેળવવાની પ્રક્રિયા ખૂબ સરળ છે. સૌથી પહેલા DigiLocker એપ અથવા વેબસાઇટ ખોલવી. ત્યારબાદ આધાર-લિંક્ડ મોબાઇલ નંબરથી રજીસ્ટ્રેશન કરવું. OTP દ્વારા એકાઉન્ટ વેરિફાઈ કર્યા બાદ લોગિન કરવું. ત્યારબાદ સર્ચ વિકલ્પમાં CBSE XII Marksheet પસંદ કરી, જરૂરી વિગતો જેમ કે રોલ નંબર અને નામ દાખલ કરવું. આ પછી માર્કશીટ સ્ક્રીન પર દેખાશે, જેને તમે ડાઉનલોડ અથવા પ્રિન્ટ કરી શકો છો.

CBSE બોર્ડ પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓને ડિજિટલ માર્કશીટ સાથે સાથે મૂળ માર્કશીટ પણ આપવામાં આવશે. આ હાર્ડ કોપી સામાન્ય રીતે પરિણામ જાહેર થયાના 20થી 30 દિવસમાં સંબંધિત શાળામાં ઉપલબ્ધ થશે. વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ મહત્વનો છે, તેથી ધીરજ રાખવી અને ખોટી માહિતીથી દૂર રહેવું જરૂરી છે. પરિણામની સચોટ માહિતી માટે માત્ર CBSEની સત્તાવાર જાહેરાત પર જ વિશ્વાસ રાખવો જોઈએ.

Most Popular

To Top