ભારત સરકારે બહાર પાડ્યું સત્તાવાર નોટિફિકેશન: દેશની રાજનીતિમાં મહિલાઓના પ્રતિનિધિત્વને મજબૂત બનાવતા મહત્વપૂર્ણ પગલા તરીકે ઓળખાતા મહિલા આરક્ષણ કાયદો 2023 હવે સત્તાવાર રીતે અમલમાં આવી ગયો છે. સંસદમાં આ મુદ્દે તીવ્ર ચર્ચા અને રાજકીય ગરમાવો વચ્ચે કેન્દ્ર સરકારના કાયદા મંત્રાલયે મધરાતે નોટિફિકેશન જાહેર કરીને આ કાયદાને અમલમાં મૂક્યો છે.
કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન અનુસાર સંવિધાન (106મો સુધારો) અધિનિયમ, 2023, જેને “નારી શક્તિ વંદન અધિનિયમ” તરીકે પણ ઓળખવામાં આવે છે, તે 16 એપ્રિલ 2026થી અમલમાં આવ્યો છે. આ કાયદા હેઠળ લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા બેઠકો આરક્ષિત કરવાનો પ્રાવધાન છે. સંસદમાં મહિલા આરક્ષણ અને પરિસીમન સંબંધિત મુદ્દાઓ પર લાંબી ચર્ચા ચાલી રહી હતી. સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે મુદ્દે તીવ્ર રાજકીય ટકરાવ જોવા મળ્યો હતો.આ દરમિયાન જ સરકારે અચાનક મધરાતે નોટિફિકેશન જાહેર કરતાં આ કાયદાના અમલ અંગે મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો હતો.
આ કાયદાનો સીધો લાભ તરત જ વર્તમાન લોકસભા અથવા રાજ્ય વિધાનસભાઓમાં લાગુ નહીં થાય. કાયદા મુજબ મહિલાઓ માટે આરક્ષણનો અમલ આગામી જનગણના અને તેના આધારે થનારી પરિસીમન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ વાસ્તવિક રીતે લાગુ થશે. એટલે કે મહિલાઓ માટે 33 ટકા આરક્ષણનો પ્રભાવ આગામી લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં જોવા મળી શકે છે.
આ કાયદાને દેશમાં મહિલાઓના રાજકીય સશક્તિકરણ તરફનું ઐતિહાસિક પગલું માનવામાં આવી રહ્યું છે. સરકારનું કહેવું છે કે આ નિર્ણયથી સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓની ભાગીદારી વધશે અને દેશના નીતિનિર્ણયમાં તેમની ભૂમિકા વધુ મજબૂત બનશે. બીજી તરફ વિપક્ષે કાયદાના અમલના સમય અને તેની પ્રક્રિયા અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે. ખાસ કરીને જનગણના અને પરિસીમન પહેલાં આરક્ષણના વાસ્તવિક અમલ વિશે સ્પષ્ટતા કરવાની માંગ પણ કરવામાં આવી રહી છે. તેમ છતાં સરકારે સ્પષ્ટ કર્યું છે કે મહિલાઓને રાજકીય રીતે વધુ મજબૂત બનાવવા માટે આ પગલું લાંબા ગાળે મહત્વપૂર્ણ સાબિત થશે.