Gujarat

ભાવનગર કોંગ્રેસ પ્રમુખને પોલીસ વિના કારણે ઉઠાવી ગઈ: કોંગ્રેસ

અમદાવાદ: રાજ્યમાં સ્થાનિક સ્વારાજની ચૂંટણી પ્રક્રિયામાં ઉમેદવારી ફોર્મ ભરવા, ચકાસણી અને પરત ખેંચવાની સમય મર્યાદા પૂર્ણ થતાં રાજકીય ગરમાવો વધ્યો છે. આ વચ્ચે કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં ચૂંટણીની પારદર્શિતા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા છે. બીજી બાજુ ભાવનગર શહેર કોંગ્રેસના પ્રમુખને પોલીસે વિના કારણ પોલીસ સ્ટેશન લઈ જતાં ભારે વિવાદ, સાથે વિરોધ થયો હતો. પોલીસની આ કામગીરી સામે કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે ભાજપના નેતાઓ તંત્રનો દુરુપયોગ કરી રહ્યા છે.

પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતુ કે છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યભરમાં કોંગ્રેસના ઉમેદવારોને ધાક-ધમકી, દબાણ અને ગુંડાગીરી દ્વારા ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા મજબૂર કરવામાં આવી રહ્યા છે. આ માટે પોલીસ તંત્ર, વહીવટી તંત્ર તેમજ અસામાજિક તત્વોનો ઉપયોગ થઈ રહ્યો છે. ખાસ કરીને હોમગાર્ડ વિભાગના અમદાવાદ પૂર્વ જિલ્લાના હોમગાર્ડ કમાન્ડર રાહુલ પી. કોરીને જિલ્લા કંટ્રોલ રૂમની જવાબદારી સોંપવામાં આવી હોવા છતાં તેઓ ભાજપ સાથે સંકળાયેલા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કોંગ્રેસે આ બાબતને ચૂંટણીની નિષ્પક્ષતા માટે જોખમી ગણાવી છે.

ડૉ. મનીષ દોશીએ વધુમાં કહ્યું હતુ કે ભાવનગર શહેર કોંગ્રેસના પ્રમુખને પોલીસે વિના કારણ પોલીસ સ્ટેશન લઈ જવાના બનાવે વિવાદ ઊભો કર્યો છે. સાથે જ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે ભાજપના નેતાઓ તંત્રનો દુરુપયોગ કરી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવારોના જણાવ્યા મુજબ ભાવનગરમાં તેમને ધાક-ધમકી, પૈસાની લાલચ અને સતામણીનો સામનો કરવો પડી રહ્યો છે. અમરેલીમાં કેટલાક ઉમેદવારોએ પોતાના નિવેદનો આપી દબાણ અંગે ખુલાસો કર્યો હતો. તેમ છતાં તેમના પરિવારજનોને ડરાવી અપહરણની ખોટી ફરિયાદો નોંધાવવામાં આવી રહી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
રાજ્યમાં યોજાનારી લગભગ 9,985 બેઠકોની ચૂંટણીમાં અનેક ઉમેદવારો પર દબાણ કરી ઉમેદવારી પરત ખેંચાવવામાં આવી હોવાના બનાવો સામે આવ્યા છે. આ મુદ્દે રાજ્ય ચૂંટણી આયોગ સમક્ષ રજૂઆત કરી અને સંકળાયેલા અધિકારીઓની તાત્કાલિક બદલી કરવાની માંગ કરવામાં આવી છે. કોંગ્રેસે આ સમગ્ર ઘટનાક્રમને લોકશાહીને કલંકિત કરનાર ગણાવ્યો છે અને ગુજરાતની જનતાને અપીલ કરી છે કે તેઓ મતદાન દ્વારા આવા કૃત્યોને યોગ્ય જવાબ આપે.

Most Popular

To Top