ગાંધીનગર: રાજકોટના સોના ચાંદીના જાણીતા વેપારીના કર્મચારીઓ પાસેથી બિહારના દાનાપુરમાં કસ્ટમ અધિકારીના સ્વાંગમાં લૂંટારૂઓએ 25 કરોડના 17 કિલો સોનાની લૂંટ કરી હોવવાની ઘટના બહાર આવી છે.
મળતી માહિતી મુજબ, રાજકોટના કેવી એન્ડ સન્સ નામની પેઢીના બે કર્મચારીઓ મહેશ માનતોરા અને પ્રિન્સ રામપરિયા સોનાની ડિલીવરી આપવા માટે અમદાવાદથી સહરસા એક્સપ્રેસ ટ્રેનમાં બિહારની દાનાપુર રેલવે સ્ટેશનએ પહોંચ્યા હતા. જ્યાંથી રિક્ષામાં બેસી બકરગંજ તરફ જઈ રહ્યા હતા, તે દરમિયાન કાર અને બાઈક પર આવેલા આઠ અજાણ્યા શખ્સોએ તેમની રિક્ષાને આંતરી હતી. અજાણ્યા શખ્સોએ કસ્ટમ અધિકારી હોવાની ઓળખ આપી તપાસના બહાને સોનું ભરેલી ત્રણે બેગ કે જેમાં 25 કરોડનું સોનું હતું તે જપ્ત કરી લીધી હતી. ત્યારબાદ બંને કર્મચારી પૈકી મહેશ માનતોરાને કારમાં બળજબરીપૂર્વક બેસાડી આંખે પાટા બાંધી સુમસામ સ્થળ ઉપર છોડી દઈ સોનું લઈને ભાગી ગયા હતા. આ ઘટનાની જાણ બિહાર પોલીસને થતા તાત્કાલિક એસટીએફ ટીમએ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ગુનામાં વપરાયેલી કાર બિનવારસી હાલતમાં મળી આવી હતી આ કારના આધારે પોલીસે માલિકની તેમજ લૂંટારોની શોધખોળ શરૂ કરી છે.