Charotar

તારાપુરમાં ફરજમાં બેદરકારી બદલ હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ કરાયો

સોજિત્રાના હેડ કોન્સ્ટેબલ ચિંતનગીરી ગોસ્વામીને રામનવમીના બંદોબસ્ત માટે તારાપુર મુકાયાં હતાં

સંવેદનશીલ વિસ્તારમાં નિમણૂંક હોવા છતાં લાઠી, વ્હિસલ, હેલ્મેટ કે બોડ પ્રોટેકશન વગર હાજર હતાં

(પ્રતિનિધિ) આણંદ તા.28
આણંદના તારાપુર ખાતે શુક્રવારના રોજ રામનવી દરમિયાન બંદોબસ્તમાં રહેલા હેડ કોન્સ્ટેબલ ચિંતનગીરી ગોસ્વામીએ નાયબ પોલીસ અધિક્ષક સાથે ઉધ્ધત વર્તન કરતાં તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

આણંદના તારાપુર ખાતે શુક્રવારના રોજ રામનવમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાવવાના હોવાથી તારાપુર ઉપરાંત આસપાસના પોલીસ સ્ટેશનમાંથી પણ બંદોબસ્ત માંગવામાં આવ્યો હતો. જેમાં સોજિત્રાના હેડ કોન્સ્ટેબલ ચિંતનગીરી વસંતગીરી ગોસ્વામીને પણ ફરજ સોંપવામાં આવી હતી. તારાપુર પોલીસ દ્વારા હેડ કોન્સ્ટેબલ ચિંતગીરીને શોભાયાત્રાના રૂટ દરમિયાન સંવેદનશીલ વિસ્તારમાં બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો. જોકે, આ બંદોબસ્ત પર તે હાજર થયાં હતાં. પરંતુ નાયબ પોલીસ અધિક્ષક પાર્થ ચોવટિયાના ચેકિંગ દરમિયાન ચિંતગીરી પાસે લાઠી, વ્હિસલ, હેલમેટ કે બોડી પ્રોટેક્ટ જેવા જરૂરી સાધનો જોવા મળ્યાં નહતાં. આ અંગે તેમને ખુલાસો પુછતાં તેઓએ ઉધ્ધત જવાબ આપ્યો હતો અને વ્હિસલ ન હોય તો શું થાય ? તેમ કહી બંદોબસ્તમાં ગંભીરતા દાખવી નહતી. પરંતુ, નાયબ પોલીસ અધિક્ષકે આ મામલાને ગંભીરતાથી લઇ રિપોર્ટ કર્યો હતો. આ રિપોર્ટ આધારે જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક અસરથી હેડ કોન્સ્ટેબલ ચિંતનગીરી ગોસ્વામીને સસ્પેન્ડ કરી તેમને હેડ ક્વાટર્સ આણંદ ખાતે બદલી કરવામાં આવી છે.

Most Popular

To Top