ગાંધીનગર: સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં નાગરિકોના હિતને કેન્દ્રસ્થાને રાખતા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. બેઠક અંગે માહિતી આપતા રાજ્ય સરકારના કેબીનેટ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ વિધાનસભામાં ધારાસભ્યો દ્વારા કરવામાં આવતા હકારાત્મક સૂચનો અને રજૂઆતોને ગંભીરતાથી લઈને તેને વહીવટી સ્તરે અમલમાં મૂકવા પર ભાર મૂક્યો છે.
હાલમાં ચાલી રહેલા વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન વિવિધ વિભાગોની માંગણીઓ અને વિધેયકો અંગે ચર્ચા દરમિયાન શાસક પક્ષ તેમજ વિપક્ષના સભ્યો દ્વારા અનેક મહત્વપૂર્ણ સૂચનો કરવામાં આવે છે. મુખ્યમંત્રીએ આ સૂચનોને માત્ર ચર્ચા પૂરતા મર્યાદિત ન રાખતા, તેને કાર્યક્ષમ રીતે અમલમાં મૂકવા માટે રાજ્યના તમામ વિભાગોના સચિવોને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે.મુખ્યમંત્રીએ સૂચના આપી છે કે ધારાસભ્યો દ્વારા નાગરિકોના હિતમાં કરવામાં આવેલા તમામ સૂચનોની વિગતવાર નોંધ લેવામાં આવે અને જો કોઈ નીતિના કારણે નાગરિકોને મુશ્કેલી ઉભી થતી હોય તો તેમાં જરૂરી સુધારા તાત્કાલિક કરવામાં આવે. તેમજ નાગરિકોની સુખાકારીમાં વધારો થાય તેવા હકારાત્મક સૂચનોને પ્રાથમિકતા આપીને અમલમાં લેવા પર ભાર મૂકવામાં આવ્યો છે.