દારૂ છોડ્યો, ફિટનેસ પર ફોકસ
IPL 2026 પહેલા પંજાબ કિંગ્સના અનુભવી લેગ-સ્પિનર Yuzvendra Chahalએ એક મહત્વનો નિર્ણય લઈને સૌને ચોંકાવી દીધા છે. ચહલે ખુલાસો કર્યો કે તેણે છેલ્લા છ મહિનાથી દારૂ પીવાનું સંપૂર્ણ બંધ કરી દીધું છે, જેથી તે નવી સીઝનમાં વધુ ફિટ અને ફોકસ્ડ રહી શકે.
ચહલે આ વાત દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ક્રિકેટર AB de Villiers સાથેના પોડકાસ્ટ દરમિયાન કહી હતી. તેણે જણાવ્યું કે હવે તે પોતાના શરીર અને પ્રદર્શન પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે અને ટીમ માટે 150 ટકા આપવાનો ઈરાદો ધરાવે છે.
તે યુવા ખેલાડીઓ માટે રોલ મોડલ બનવા માંગે છે. વધુમાં ચહલે કહ્યું કે તે હવે 35 વર્ષનો છે અને સિનિયર ખેલાડી તરીકે યુવા ક્રિકેટરો માટે પ્રેરણા બનવા માંગે છે. તેણે કહ્યું કે, “હું ઇચ્છું છું કે IPLમાં રમતા યુવા ખેલાડીઓ મારી પાસેથી કંઈક શીખે.”
IPL 2025માં મિશ્ર પ્રદર્શન : IPL 2025માં ચહલે પંજાબ કિંગ્સ માટે 14 મેચમાં 16 વિકેટ ઝડપી હતી. ટીમ ફાઇનલ સુધી પહોંચી હતી, પરંતુ અંતે Royal Challengers Bangalore સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
ઈજાઓથી શીખ લીધો મોટો પાઠ : ચહલે સ્વીકાર્યું કે IPL 2025 દરમિયાન ઈજાઓએ તેની રમતને અસર કરી હતી. Kolkata Knight Riders સામેની મેચ બાદ તેને રિબ ફ્રેક્ચર થયું હતું, ત્યારબાદ નકલ (knuckle) ઈજા પણ થઈ હતી. આ કારણે સેમિફાઈનલ અને ફાઇનલમાં તે પોતાની સંપૂર્ણ ક્ષમતા સાથે બોલિંગ કરી શક્યો નહોતો.
IPL 2026 અને ટીમ ઇન્ડિયામાં વાપસી લક્ષ્ય : ચહલ માટે IPL 2026 ખૂબ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. તે માત્ર પંજાબ કિંગ્સને ખિતાબ જીતાડવા જ નહીં, પરંતુ ફરીથી ભારતીય ટીમમાં સ્થાન મેળવવા માટે પણ આતુર છે. ચહલ છેલ્લે 2023માં ભારત માટે રમ્યો હતો અને ત્યારથી ટીમ બહાર છે.