Business

ઈરાન યુદ્ધના તણાવથી બજારમાં ભય: સેન્સેક્સ 1800 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 23,250ની નીચે

મિડલ ઈસ્ટમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલા યુદ્ધના તણાવની સીધી અસર હવે ભારતીય શેરબજારમાં જોવા મળી રહી છે. ગુરુવાર, 19 માર્ચે બજાર ખુલતાની સાથે જ ભારે વેચવાલીનો માહોલ સર્જાયો હતો. સેન્સેક્સ આશરે 1800 પોઈન્ટ એટલે કે 2.35% જેટલો તૂટી 74,900ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે, જ્યારે નિફ્ટી પણ 540 પોઈન્ટના ઘટાડા સાથે 23,250ની નીચે આવી ગયો છે.

આ ઘટાડામાં ખાસ કરીને બેન્કિંગ અને ઓટો સેક્ટરના શેરોમાં ભારે દબાણ જોવા મળ્યું છે. રોકાણકારો દ્વારા જોખમ ટાળવા માટે મોટા પાયે વેચવાલી કરવામાં આવી રહી છે. જિયોપોલિટિકલ તણાવના કારણે મોંઘવારી વધવાની ભીતિ ઉભી થઈ છે, જેના કારણે કોર્પોરેટ નફામાં ઘટાડાની શક્યતા વધી રહી છે. પરિણામે રોકાણકારો સુરક્ષિત રોકાણ વિકલ્પો તરફ વળી રહ્યા છે.

આ દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે ઉછાળો નોંધાયો છે. મિડલ ઈસ્ટમાં તેલ અને ગેસ ક્ષેત્રો પર સતત હુમલાઓને કારણે બ્રેન્ટ ક્રૂડનો ભાવ અચાનક $113 પ્રતિ બેરલ સુધી પહોંચી ગયો છે. આ પરિસ્થિતિએ વૈશ્વિક સપ્લાય ચેઇન અને અર્થવ્યવસ્થાઓ પર દબાણ વધાર્યું છે.

કોર્પોરેટ મોરચે HDFC બેંકના પાર્ટ-ટાઇમ ચેરમેન અતનુ ચક્રવર્તીના અચાનક રાજીનામા થી પણ બજારમાં નકારાત્મક સંકેતો મળ્યા છે. બેંકના શેરમાં આશરે 5%નો ઘટાડો નોંધાયો છે અને તે 804 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. તેમના સ્થાને કેકી મિસ્ત્રીને વચગાળાના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

વૈશ્વિક બજારોમાં પણ નકારાત્મક વલણ જોવા મળ્યું છે. જાપાનનો નિકેઈ ઇન્ડેક્સ, હોંગકોંગનો હેંગસેંગ અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેક્સ ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા છે. અમેરિકી બજારોમાં પણ ગઈકાલે ઘટાડો નોંધાયો હતો.ગઈકાલે બજારમાં તેજી હોવા છતાં આજનો આ મોટો કડાકો દર્શાવે છે કે વૈશ્વિક તણાવ ભારતીય બજાર માટે મોટું જોખમ બની રહ્યું છે. જો કે આગામી દિવસોમાં બજારનું વલણ મોટા ભાગે મિડલ ઈસ્ટની પરિસ્થિતિ પર આધારિત રહેશે.

Most Popular

To Top