Gujarat

ટેક્નોલોજી અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાતની મોટી છલાંગ – રૂ. ૨,૬૩૩ કરોડની બજેટમા જોગવાઈ – વૈશ્વિક ટેક હબ તરફ આગળ વધતું ગુજરાત

ગાંધીનગર,તા.16
ગુજરાતને વૈશ્વિક ટેકનોલોજી હબ બનાવવા માટે રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે રૂ. ૨,૬૩૩.૭૨ કરોડની જોગવાઈ કરી છે. વિધાનસભામાં ચર્ચા દરમિયાન મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે સેમિકન્ડક્ટર, સ્પેસ ટેક, કૃત્રિમ બુદ્ધિમત્તા અને આધુનિક ટેકનોલોજીના ક્ષેત્રે ગુજરાત ઝડપથી આગળ વધી રહ્યું છે. રાજ્યમાં માઇક્રોન, ટાટા ઇલેક્ટ્રોનિક્સ, સી.જી. સેમિ અને કેયન્સ સેમિકોન જેવી કંપનીઓ દ્વારા આશરે રૂ. ૧.૨૪ લાખ કરોડનું રોકાણ થઈ રહ્યું છે, જેના કારણે ‘મેડ ઇન ગુજરાત’ સેમિકન્ડક્ટર ઉત્પાદન વિશ્વ સ્તરે ઓળખ મેળવે તેવી સંભાવના છે.

ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા રૂ. ૧૫૦ કરોડ તથા ધોલેરા અને સાણંદ ખાતે ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટરના વિકાસ માટે રૂ. ૫૦ કરોડ ફાળવાયા છે. રાજ્ય સરકારે ‘ગુજરાત સ્પેસ ટેક નીતિ ૨૦૨૫-૩૦’, IT/ITES નીતિ અને ગુજરાત ફ્યુચર ટેક્નોલોજીસ પહેલ દ્વારા નવી ટેકનોલોજી અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું છે. ઉપરાંત GCC પોલિસી અંતર્ગત રાજ્યમાં ૨૫૦ નવા ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ આકર્ષીને આશરે ૫૦ હજાર નવી રોજગારી સર્જવાનો લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ડિજિટલ કનેક્ટિવિટી મજબૂત કરવા GSWAN અપગ્રેડેશન, ભારતનેટ દ્વારા ૧૪ હજારથી વધુ ગ્રામ પંચાયતોને હાઈસ્પીડ ઈન્ટરનેટ સાથે જોડવાની યોજના તેમજ બાયોટેકનોલોજી, સ્પેસ ટેક અને અદ્યતન સંશોધન માટે નવી પહેલો હાથ ધરાઈ છે, જે ગુજરાતને ટેકનોલોજી અને નવીનતાના ક્ષેત્રે દેશ-વિશ્વમાં અગ્રેસર બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

સેમિકન્ડક્ટર ક્ષેત્રે ‘મેડ ઇન ગુજરાત’નો ડંકો
રાજ્યમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા રૂ. ૧,૧૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સેમિકન્ડક્ટર નીતિ ૨૦૨૨-૨૭ અંતર્ગત રૂ. ૧.૨૪ લાખ કરોડના રોકાણ સાથે માઇક્રોન, ટાટા ઇલેક્ટ્રોનિક્સ, સી.જી. સેમિ અને કેયન્સ સેમિકોન જેવી વૈશ્વિક કંપનીઓ રાજ્યમાં પ્લાન્ટ સ્થાપી રહી છે. તાજેતરમાં સાણંદ ખાતે માઇક્રોન પ્લાન્ટ શરૂ થયા બાદ વ્યાપારી ઉત્પાદન પણ શરૂ થઈ ગયું છે.

ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ નીતિ ૨૦૨૨-૨૮ હેઠળ અત્યાર સુધીમાં ૩૭ ઇલેક્ટ્રોનિક્સ એકમોને મંજૂરી આપવામાં આવી છે, જેના પરિણામે અંદાજિત રૂ. ૫૩,૬૭૧ કરોડનું રોકાણ થવાની શક્યતા છે. આ નીતિ માટે વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં રૂ. ૧૫૦ કરોડ ફાળવવામાં આવ્યા છે.સેમિકન્ડક્ટર ક્ષેત્રે કુશળ માનવબળ તૈયાર કરવા માટે સેમિકન્ડક્ટર ATMP તાલીમ કેન્દ્ર તેમજ ગાંધીનગર સ્થિત ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થામાં ‘સમર્થ’ નામે સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર સ્થાપવામાં આવ્યું છે. અમદાવાદમાં આઇટીઆઇ ચાંદખેડા ખાતે રાજ્યનું પ્રથમ એનઆઈઈએલઆઈટી કેન્દ્ર સ્થાપવા માટે પણ જગ્યા ફાળવવામાં આવી છે.

સ્પેસ ટેક અને ઇલેક્ટ્રોનિક્સ હબ તરફ ગુજરાત
રાજ્ય સરકારે ‘ગુજરાત સ્પેસ ટેક નીતિ ૨૦૨૫-૩૦’ જાહેર કરી છે, જે અંતર્ગત અવકાશ ક્ષેત્રે ડિઝાઇન, ઉત્પાદન અને સેટેલાઇટ એપ્લિકેશન માટે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવશે. આ માટે બજેટમાં રૂ. ૨૫ કરોડ ફાળવવામાં આવ્યા છે.કેન્દ્ર સરકારની ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર યોજના અંતર્ગત ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન ખાતે ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર વિકસાવવામાં આવી રહ્યું છે અને સાણંદમાં પણ આવું ક્લસ્ટર વિકસાવવાની પ્રક્રિયા આગળ વધી રહી છે. ધોલેરા અને સાણંદમાં આધુનિક માળખાકીય સુવિધાઓ વિકસાવવા રૂ. ૫૦ કરોડ ફાળવવામાં આવ્યા છે.

વૈશ્વિક રોકાણ અને ઉદ્યોગોને પ્રોત્સાહન
તાજેતરમાં ગાંધીનગર ખાતે યોજાયેલી સેમિકનેક્ટ કોન્ફરન્સમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉદ્યોગ જગતના અગ્રણીઓની હાજરીમાં અનેક વૈશ્વિક કંપનીઓ સાથે મહત્વપૂર્ણ સમજૂતી કરારો કરવામાં આવ્યા હતા.ગુજરાતને ટેકનોલોજી અને ઉદ્યોગ માટે વૈશ્વિક હબ બનાવવા IT અને ITES નીતિ ૨૦૨૨-૨૭ અમલમાં છે, જેના માટે રૂ. ૩૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. ઉપરાંત ગુજરાત ફ્યુચર ટેક્નોલોજીસ ઇનિશિયેટિવ અંતર્ગત AI અને ક્વોન્ટમ ટેક્નોલોજી વિકાસ માટે પણ રૂ. ૩૦ કરોડ ફાળવવામાં આવ્યા છે.

૨૫૦ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર અને ૫૦ હજાર રોજગારી
રાજ્ય સરકાર GCC પોલિસી હેઠળ ૨૫૦ નવા ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર આકર્ષવાનું અને આશરે ૫૦ હજાર નવી રોજગારી સર્જવાનું લક્ષ્ય ધરાવે છે.ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને એલ.ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગ ખાતે અદ્યતન 5G યુઝકેસ લેબ સ્થાપવા માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે.

ગિફ્ટ સિટીમાં નાસ્કોમ અને માઇક્રોસોફ્ટના સહયોગથી કૃત્રિમ બુદ્ધિમત્તા માટે સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપવામાં આવ્યું છે, જ્યાં હાલમાં ૧૮ સ્ટાર્ટઅપ કાર્યરત છે અને અનેક નવીનતા પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે.

ડિજિટલ કનેક્ટિવિટી અને ઈ-ગવર્નન્સને વેગ
રાજ્ય સરકારની ઓફિસોમાં વિશ્વસનીય ડિજિટલ સેવા માટે GSWAN ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ કરવા રૂ. ૧૩૫ કરોડ ફાળવવામાં આવ્યા છે. ભારતનેટ ફેઝ-૩ અંતર્ગત ૧૪ હજારથી વધુ ગ્રામ પંચાયતોને હાઈસ્પીડ ઇન્ટરનેટ સાથે જોડવા રૂ. ૧૯૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

બાયોટેકનોલોજી અને સંશોધનમાં નવી પહેલ
રાજ્યમાં બાયોટેકનોલોજી સંશોધનને પ્રોત્સાહન આપવા ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન, ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર અને ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી જેવી સંસ્થાઓ કાર્યરત છે. BioE3 સેલ અને બાયોઇકોનોમી હબ સ્થાપવા માટે રૂ. ૧૦ કરોડ ફાળવવામાં આવ્યા છે.

તટીય રાજ્ય તરીકે ગુજરાતમાં બ્લૂ બાયોઇકોનોમી ક્ષેત્રે વિશાળ સંભાવનાઓ છે, જેને ધ્યાનમાં રાખીને મરીન બાયોટેકનોલોજી રિસર્ચ અને ઇનોવેશન કોરિડોર વિકસાવવામાં આવી રહ્યો છે.

અદ્યતન સંશોધન અને વિજ્ઞાન પ્રસાર
ગાંધીનગર ખાતે રૂ. ૩૬૨ કરોડના ખર્ચે અત્યંત ચેપી વાયરસના સંશોધન માટે અદ્યતન BSL-4 લેબ સ્થાપવામાં આવશે. રમતવીરોની જનીનીક ક્ષમતા ઓળખવા ‘સ્પોર્ટ્સ જીનોમિક્સ’ કાર્યક્રમ પણ શરૂ કરવામાં આવશે.સાયન્સ સિટી ખાતે નવી ગેલેરીઓ અને સુવિધાઓ માટે રૂ. ૭૬.૩૫ કરોડ ફાળવવામાં આવ્યા છે. ઉપરાંત પોરબંદર ખાતે નવું રિજિયોનલ સાયન્સ સેન્ટર અને વાવ-થરાદમાં ડિસ્ટ્રિક્ટ સાયન્સ સેન્ટર પણ સ્થાપવામાં આવશે. મહિલાઓને ટેકનોલોજી ક્ષેત્રે સશક્ત બનાવવા વુમન ટેક્નોલોજી સેન્ટર પણ શરૂ થશે.

ભૂકંપ સંશોધનમાં ગુજરાત અગ્રેસર
ભૂકંપ સંશોધન માટે વર્ષ ૨૦૦૩થી કાર્યરત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ દેશની અનોખી સંસ્થા છે, જેના માટે રૂ. ૨૧.૦૯ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

Most Popular

To Top