ગાંધીનગર,તા.16
રાજ્યમાં છેવાડાના માનવીની અન્ન સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકાર ‘અંત્યોદય’ અને ‘ગરીબ કલ્યાણ’ના મંત્ર સાથે સંકલ્પબદ્ધ રીતે કાર્યરત છે. વર્ષ ૨૦૨૬–૨૭ના રાજ્ય બજેટમાં અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગ માટે કુલ રૂ. ૨,૮૫૬ કરોડની ઐતિહાસિક જોગવાઈ કરવામાં આવી છે. ગાંધીનગરમાં વિધાનસભા સંકુલ ખાતે મીડિયા સાથેની વાતચીતમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકીએ જણાવ્યું હતું કે ગરીબ કલ્યાણ રાજ્ય સરકારનો માત્ર એજન્ડા નહીં પરંતુ એક મંત્ર છે અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયના ‘અંત્યોદય’ના સ્વપ્નને સાકાર કરવા સરકાર સતત પ્રયાસશીલ છે.
અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકી અને વિભાગના અધિક મુખ્ય સચિવ મોના ખંધારે સંયુકત્ત રીતે જણાવ્યું હતું કે રાજ્યના અંદાજે ૭૫ લાખ NFSA પરિવારોને અન્ન સુરક્ષા પૂરી પાડવા માટે રૂ. ૭૦૦.૬૩ કરોડની ફાળવણી કરવામાં આવી છે. સાથે જ સમતોલ આહાર માટે NFSA કાર્ડધારકોને રાહત દરે તુવેર દાળ અને ચણા આપવા રૂ. ૮૪૧.૬૯ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આયોડિન અને આયર્નની ઊણપ દૂર કરવા માટે ૭૫ લાખ પરિવારોને માત્ર રૂ. ૧ પ્રતિ કિલોના દરે ડબલ ફોર્ટિફાઈડ મીઠું આપવા રૂ. ૫૯.૪૯ કરોડ ફાળવવામાં આવ્યા છે.
આધુનિક ટેક્નોલોજી દ્વારા પારદર્શિતા વધારવા ગુજરાતે દેશમાં પ્રથમવાર CBDC આધારિત ડિજિટલ ફૂડ કૂપનનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. e-KYC આધારિત આ વ્યવસ્થાથી બાયોમેટ્રિક નિષ્ફળતા જેવી સમસ્યાઓ દૂર થશે. અત્યાર સુધીમાં રાજ્યના ૪.૨૩ કરોડ રેશનકાર્ડ સભ્યોનું e-KYC પૂર્ણ કરવામાં આવ્યું છે.
સોલંકીએ કયું હતું કે ખેડૂતોના હિતમાં પણ રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. શ્રીઅન્ન (મિલેટ્સ)ના વપરાશને પ્રોત્સાહન આપવા બાજરી, જુવાર, રાગી અને મકાઈની ખરીદી પર ખેડૂતોને રૂ. ૩૦૦ પ્રતિ ક્વિન્ટલ પ્રોત્સાહક બોનસ આપવા રૂ. ૩૬.૫૧ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વર્ષ ૨૦૨૫–૨૬માં ૪૦,૩૯૬ ખેડૂતો પાસેથી વિવિધ ધાન્યની ખરીદી કરી રૂ. ૪૭,૪૯૪ લાખનું સીધું ચૂકવણું તેમના બેંક ખાતામાં કરવામાં આવ્યું હતું.જાહેર વિતરણ વ્યવસ્થાની મજબૂત કડી એવા ૧૭ હજારથી વધુ વાજબી ભાવની દુકાનદારોના કમિશનમાં પણ વધારો કરવામાં આવ્યો છે. હવે તેમને રૂ. ૧૫૦ના બદલે રૂ. ૧૮૫ પ્રતિ ક્વિન્ટલ કમિશન આપવામાં આવશે, જેના માટે રૂ. ૬૭.૨૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
રાજ્યમાં અનાજ વિતરણ વ્યવસ્થાને વધુ આધુનિક બનાવવા ‘અન્નપૂર્તિ’ ગ્રેઈન એટીએમની નવી પહેલ પણ કરવામાં આવી રહી છે. ‘મેડ ઇન ગુજરાત’ આ ગ્રેઈન એટીએમથી લાભાર્થી માત્ર ૩૫ સેકન્ડમાં ૨૫ કિલો અનાજ મેળવી શકશે. આ માટે રૂ. ૧૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં કલોલ ખાતે તેનો શુભારંભ કરવામાં આવશે.
આ ઉપરાંત SMART-PDS સિસ્ટમને મજબૂત બનાવવા માટે નવા આઈટી સેલની રચના, કાનૂની માપ વિજ્ઞાન તંત્ર માટે આધુનિક લેબોરેટરી સાધનોની ખરીદી, ૪૫ તાલુકાઓમાં ૫૧ નવા ગોડાઉનનું નિર્માણ તથા તુવેર દાળ, ચણા અને ખાંડના વિતરણ માટે ૧ કિલોગ્રામના પ્રમાણિત પેકિંગની વ્યવસ્થા કરવામાં આવશે. ગ્રાહકોના હિતોના રક્ષણ માટે રાજ્યના દરેક જિલ્લામાં ગ્રાહક તકરાર નિવારણ આયોગોમાં ‘પ્રિ-લિટિગેશન અને સમાધાન કેન્દ્રો’ પણ સ્થાપવામાં આવશે.