Gujarat

દક્ષિણ ગુજરાતમાં ૧૯-૨૦ માર્ચે ગાજવીજ સાથે વરસાદની આગાહી

અમદાવાદ : રાજ્યમાં તાજેતરમાં ભારે ગરમી બાદ હવે ગરમીનો પારો નીચે ઉતરવા લાગ્યો છે. જે તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું તે હવે ઘટી રહ્યું છે. તેમાં પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. ૧૮ માર્ચથી ૧૯ માર્ચની સવારે સુધી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા જિલ્લામાં તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

૧૯ માર્ચથી ૨૦ માર્ચ દરમિયાન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં તેમજ દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલી જિલ્લામાં તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના લગભગ તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજની શક્યતા છે. ૨૦ માર્ચથી ૨૧ માર્ચ દરમિયાન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહિસાગર જિલ્લામાં તેમજ કચ્છ જિલ્લામાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.હવામાન વિભાગે ૧૯ અને ૨૦ માર્ચ માટે યલ્લો એલર્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ૪૦ થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેથી ખેડૂતો અને નાગરિકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.

રાજ્યના કયા શહેરમાં પારો કેટલી ડિગ્રીએ રહ્યો!

રાજ્યના અન્ય શહેરોમાં પણ ગરમીનો પ્રભાવ જોવા મળ્યો હતો. ભૂજમાં ૩૮ ડિગ્રી, નલિયામાં ૩૬ ડિગ્રી, કંડલા પોર્ટ પર ૩૫ ડિગ્રી અને કંડલા એરપોર્ટ પર ૩૯ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ભાવનગરમાં ૩૫ ડિગ્રી, પોરબંદરમાં ૩૩ ડિગ્રી, રાજકોટમાં ૩૯.2 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં ૩૮ ડિગ્રી, મહુવામાં ૩૪ ડિગ્રી, કેશોદમાં ૩૭ ડિગ્રી, અમદાવાદમાં ૩૮ ડિગ્રી, ડીસામાં ૩૭ ડિગ્રી, ગાંધીનગરમાં ૩૮ ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં ૩૬ ડિગ્રી, વડોદરામાં ૩૭ ડિગ્રી, સુરતમાં ૩૭ ડિગ્રી અને દમણમાં ૩૪ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાનમાં ધીમે ધીમે ૨ થી ૩ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે, ત્યારબાદ તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા નથી.

Most Popular

To Top