વૈશ્વિક બજારમાં હાલ અસ્થિરતા જોવા મળી રહી છે. ક્રૂડ ઓઇલના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે, જ્યારે બીજી તરફ રોકાણકારો સલામત રોકાણ તરીકે સોનાની તરફ વળતા સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. 11 માર્ચની સવારે ઓઇલપ્રાઇસના આંકડા અનુસાર બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ $6.51 અથવા 6.6% ઘટીને $92.45 પ્રતિ બેરલ થયા, જ્યારે WTI ક્રૂડ ઓઇલ 6.12 ડોલરઅથવા 6.5% ઘટીને 88.65 ડોલર પ્રતિ બેરલ પર પહોંચ્યો. ટ્રેડિંગ સમાપ્ત થતી વખતે વધુ ઘટાડો નોંધાયો અને બ્રેન્ટ ક્રૂડ 11.16 ડોલર અથવા 11%થી વધુ ઘટીને 87.80 ડોલર પ્રતિ બેરલ રહ્યો. વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (WTI) પણ 11.32 ડોલર અથવા 11.9% ઘટીને 83.45 ડોલર પ્રતિ બેરલ પર બંધ થયો. નોંધનીય છે કે એક દિવસ પહેલાં બંનેના ભાવ થોડા સમય માટે 120 ડોલર પ્રતિ બેરલની નજીક પહોંચી ગયા હતા. યુએસ એનર્જી ઇન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેશનના અંદાજ મુજબ આગામી બે મહિના સુધી બ્રેન્ટ ક્રૂડ લગભગ 95 ડોલર પ્રતિ બેરલની આસપાસ ટ્રેડ થઈ શકે છે, ત્યારબાદ વર્ષના અંત સુધીમાં તે 70 ડોલર પ્રતિ બેરલ સુધી ઘટી શકે છે. એક અહેવાલ અનુસાર હોર્મુઝ જળમાર્ગમાં ટ્રાફિક લગભગ ઠપ્પ થવાથી વૈશ્વિક ઊર્જા બજારમાં ભારે અસ્થિરતા સર્જાઈ છે, કારણ કે વિશ્વના લગભગ પાંચમા ભાગનું તેલ આ જ માર્ગથી પસાર થાય છે.
મિડલ ઇસ્ટમાં ઊર્જા સુવિધાઓ પર થતા હુમલાઓના કારણે પુરવઠા પર પણ અસર પડી છે. તેલના વધતા ભંડાર અને સંગ્રહ ક્ષમતાની અછતને કારણે સાઉદી અરેબિયા, યુએઈ, કુવૈત અને ઇરાક જેવા દેશોને ઉત્પાદન ઘટાડવાનું પડી રહ્યું છે. વુડ મેકેન્ઝીના પ્રમુખ સિમોન ફ્લાવર્સના જણાવ્યા પ્રમાણે, મધ્ય પૂર્વમાં સંઘર્ષ સમાપ્ત થઈ જાય તો પણ તેલનો પુરવઠો તરત સામાન્ય સ્થિતિમાં નહીં આવે. લાંબા સમય સુધી બંધ રહેલા તેલ કુવાઓને ફરી પૂર્ણ ક્ષમતાથી શરૂ કરવામાં અઠવાડિયાઓ લાગી શકે છે. આ વચ્ચે 10 માર્ચે ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે જાહેરાત કરી કે ચાલી રહેલા સંઘર્ષ દરમિયાન આ પ્રદેશમાંથી અમેરિકા અને તેના સાથી દેશોને તેલ નિકાસ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
વૈશ્વિક આર્થિક અસ્થિરતાની અસર શેરબજારો પર પણ પડી છે. અમેરિકામાં S&P 500 14.51 પોઇન્ટ (0.2%) ઘટીને 6,781.48 પર બંધ થયો, જ્યારે ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 34.29 પોઇન્ટ (0.1%) ઘટીને 47,706.51 પર પહોંચી ગયો. જોકે યુરોપ, યુકે અને એશિયાના કેટલાક બજારોમાં વધારો જોવા મળ્યો. દક્ષિણ કોરિયાનો KOSPI ઇન્ડેક્સ 5.35% વધ્યો, જ્યારે ચીનનો શાંઘાઈ ઇન્ડેક્સ 0.65% અને CSI 1000 1.178% વધ્યો. આ વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં તેજી યથાવત છે. કિટકોના આંકડા મુજબ 11 માર્ચે સવારે સોનાનો સ્પોટ ભાવ આશરે 5,229.9 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચ્યો છે, જે અગાઉના સત્રની તુલનામાં લગભગ 93.9 ડોલર અથવા 1.8% નો વધારો દર્શાવે છે. ભૂરાજકીય તણાવ અને આર્થિક અનિશ્ચિતતા વચ્ચે રોકાણકારો સુરક્ષિત વિકલ્પ તરીકે સોનામાં રોકાણ કરી રહ્યા છે. જો આ પરિસ્થિતિ ચાલુ રહેશે તો આગામી દિવસોમાં સોનાના ભાવમાં વધુ વધારો અથવા ભારે ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે.