National

ચીનના રોકાણ માટે રસ્તો સરળ: મોદી કેબિનેટે FDI નિયમો હળવા કર્યા

મંગળવાર તારીખ 10 માર્ચ 2026ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. બેઠકમાં ચીન તરફથી આવતાં સીધા વિદેશી રોકાણ (FDI) માટેના નિયમોમાં છૂટછાટ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. કેબિનેટે FDI સંબંધિત “નોટ 3”માં સુધારો કરવાની મંજૂરી આપી છે, જેના કારણે ચીન સહિત પડોશી દેશોમાંથી આવતા રોકાણ માટેની કેટલીક કડક શરતો હળવી બનશે. સરકારના આ પગલાથી ચીનના રોકાણકારો માટે ભારતમાં રોકાણ કરવું સરળ બનવાની શક્યતા છે. નોંધનીય છે કે ગાલવાન ખીણમાં થયેલી અથડામણ બાદ ભારતે ચીનમાંથી આવતા રોકાણ પર કડક નિયંત્રણો લગાવ્યા હતા. ત્યારબાદ બંને દેશો વચ્ચેના વેપાર અને આર્થિક સંબંધો પર અસર પડી હતી, જોકે હાલ ભારત અને ચીન વચ્ચે દ્વિપક્ષીય વેપાર લગભગ 130 બિલિયન ડોલર સુધી પહોંચી ગયો છે.

આ નિર્ણય બંને દેશો વચ્ચેના સંબંધોને ફરી મજબૂત બનાવવાના પ્રયાસ તરીકે પણ જોવામાં આવી રહ્યો છે. 2024માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે થયેલી બેઠક બાદ સંબંધોમાં સુધારાની પ્રક્રિયા શરૂ થઈ હતી. આ બેઠક પહેલા બંને દેશોની સેનાઓ વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પરથી પાછી ખસી ગઈ હતી. ત્યારબાદ ભારત અને ચીન વચ્ચે સીધી ફ્લાઇટ સેવાઓ ફરી શરૂ કરવા તથા કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવા અંગે પણ સહમતિ બની હતી. કેબિનેટ બેઠકમાં અન્ય વિકાસાત્મક નિર્ણય પણ લેવાયા. તેમાં જલ જીવન મિશનને 2028 સુધી આગળ વધારવાની મંજૂરી આપવામાં આવી છે. ઉપરાંત ગુજરાતના ધોલેરા એરપોર્ટ પ્રોજેક્ટને પણ મંજૂરી મળી છે. સાથે જ ઉત્તર પ્રદેશના જેવર એરપોર્ટ માટેનું સુધારેલું બજેટ વધારીને 3,630 કરોડ કરવામાં આવ્યું છે. સરકારના આ નિર્ણયોને દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને આંતરરાષ્ટ્રીય આર્થિક સંબંધોને મજબૂત બનાવવાના મહત્વપૂર્ણ પગલાં તરીકે જોવામાં આવી રહ્યા છે.

Most Popular

To Top