Sports

શાબાશ, ટીમ ઇન્ડિયા! નરેન્દ્રમોદીએ ટીમ ઇન્ડિયાની જીત પર આપી શુભેચ્છા

ભારતીય ક્રિકેટ ટીમે ICC મેન્સ T20 વર્લ્ડ કપ જીત્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા છે. તેમણે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓએ દર્શાવેલી કુશળતા, દૃઢ નિશ્ચય અને ઉત્તમ ટીમવર્કની પ્રશંસા કરી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર શેર કરેલા સંદેશમાં પ્રધાનમંત્રીએ લખ્યું , ચેમ્પિયન્સ! ભારતીય ટીમને ICC મેન્સ T20 વર્લ્ડ કપ જીતવા બદલ અભિનંદન! આ નોંધપાત્ર વિજય અસાધારણ કુશળતા, નિશ્ચય અને ટીમવર્કને પ્રતિબિંબિત કરે છે. તેઓએ ટુર્નામેન્ટ દરમિયાન ઉત્કૃષ્ટ હિંમત દર્શાવી છે. આ વિજયે દરેક ભારતીયના હૃદયને ગર્વ અને આનંદથી ભરી દીધું છે. શાબાશ, ટીમ ઇન્ડિયા!

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ટી-20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવીને ઐતિહાસિક વિજય નોંધાવ્યો. આ જીત સાથે ભારતે સતત બીજી વખત વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો અને ઘરઆંગણે ટી-20 વર્લ્ડ કપ જીતનાર વિશ્વની પહેલી ટીમ બનવાનો ગૌરવ મેળવ્યો છે. ભારતીય ટીમે મેચમાં દરેક વિભાગમાં પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું. પહેલા બેટિંગ કરતાં ભારતે 20 ઓવરમાં 5 વિકેટે 255 રન બનાવ્યા અને પછી ન્યૂઝીલેન્ડને 159 રનમાં સમેટી દીધું. મેચમાં ભારતની બેટિંગ ખૂબ જ તોફાની રહી હતી. ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાને ઓપનર અભિષેક શર્મા અને સંજુ સેમસને મજબૂત શરૂઆત અપાવી હતી. 256 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની શરૂઆત થોડું આક્રમક રહી હતી. ટિમ સીફર્ટ અને ફિન એલને મળીને 31 રન ઉમેર્યા, પરંતુ પહેલી વિકેટ પડ્યા બાદ ટીમનો લય તૂટી ગયો. ટિમ સીફર્ટે 26 બોલમાં બે ચોગ્ગા અને પાંચ છગ્ગા સાથે 52 રન બનાવી થોડો સંઘર્ષ કર્યો. જોકે ટીમની અડધી સાઈડ માત્ર 72 રન પર પેવેલિયન પરત ફરી ગઈ હતી અને સાત ખેલાડીઓ ડબલ ફિગર સુધી પહોંચી શક્યા નહોતા.કેપ્ટન મિશેલ સેન્ટનરે 35 બોલમાં 43 રન અને ડેરિલ મિશેલે 11 બોલમાં 17 રન બનાવી હારનું અંતર ઘટાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ આખી ટીમ 19 ઓવરમાં 159 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી.

વિનિંગ સેરેમનીમાં ભારતીય ટીમના ખેલાડીઓને વિવિધ એવોર્ડ આપવામાં આવ્યા હતા. ફાઇનલ મેચમાં ઘાતક બોલિંગ માટે જસપ્રીત બુમરાહને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. બુમરાહે પોતાની ચાર ઓવરની સ્પેલમાં માત્ર 15 રન આપીને 4 મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી, જેના કારણે ન્યૂઝીલેન્ડની બેટિંગ લાઇનઅપ સંપૂર્ણ રીતે તૂટી પડી હતી. સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન સતત શાનદાર પ્રદર્શન બદલ સંજુ સેમસનને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. સેમસને ટૂર્નામેન્ટમાં અનેક મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમીને ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

Most Popular

To Top