SURAT

હજીરાની કંપનીઓ કામદારોનું શોષણ કરતી હોવાની ફરિયાદ ઉઠી

સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના હજીરા વિસ્તારમાં વર્ષોથી અનેક ઔદ્યોગિક એકમો કાર્યરત છે. સરકાર દ્વારા આ એકમોને હજારો હેક્ટર જમીન ફાળવવામાં આવી હતી અને સરકારી પરિપત્ર અનુસાર 80%થી 85% સ્થાનિક નાગરિકોને કાયમી ધોરણે રોજગારી આપવાની જોગવાઈ કરવામાં આવી હતી. પરંતુ આજદિન સુધી સરકારના આ પરિપત્રની જોગવાઈનું પાલન થતું નથી અને સ્થાનિક નાગરિકોને કાયમી રોજગારી આપવામાં આવતી નથી.

હજીરા વિસ્તારના આ ઔદ્યોગિક એકમોમાં સ્થાનિકો તેમજ ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, ઓડિશા, ઝારખંડ વગેરે રાજ્યોમાંથી આવેલા હજારો કામદારોને કોન્ટ્રાક્ટર/કંપની દ્વારા જુદા જુદા વિભાગોમાં રાખવામાં આવે છે. કોન્ટ્રાકટરો દ્વારા આ કામદારોનું આર્થિક, માનસિક અને શારીરિક શોષણ થઈ રહ્યું છે તેમજ કોન્ટ્રાકરો દ્વારા લાઇસન્સ ની શરતોનું પાલન કરવામાં આવી રહ્યું નથી. જેના તાજા ઉદાહરણ તરીકે હજીરાની AM/NS (ArcelorMittal Nippon Steel) કંપનીમાં L&T ના કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ દ્વારા કરાયેલ આંદોલનને જોઈ શકાય છે.

કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી દર્શન નાયકે આક્ષેપ કર્યો છે કે, હજીરાની કંપનીઓમાં કોન્ટ્રાકર પર કામ કરતાં કામદારો પાસે 8 કલાકની જગ્યાએ 12 કલાક કામ લઇ પગાર 8 કલાકનો જ ચૂકવવામાં આવતો હોવાની અને વધારાના 4 કલાકનો જે ઓવર ટાઈમ અપવાનો હોય છે, તે આ કોન્ટ્રાકર પર કામ કરતાં કામદારોને આપવામાં આવતો નથી. તેમજ સરકારી નિયમ મુજબ 1 થી 7 તારીખ સુધીમાં પગાર ચૂકવી દેવાનો હોય છે તે પણ આ કામદારોને સમયસર ચૂકવામાં આવી રહ્યો ન હોવાની તેમજ સરકારના નિયમ મુજબ કંપનીમાં કામ કરતાં કામદારોને લઘુત્તમ વેતનનો લાભ ન આપતો હોવાની તેમજ PF અને ગ્રેડયુઇટીનો લાભ પણ આપવામાં આવી રહ્યો ન હોવાની તેમજ કામદારોને કંપનીના નિયમો મુજબ જે સુરક્ષા તથા આરોગ્યની જે ટ્રેનિંગ અને સવલત આપવાની હોય છે તે પણ યોગ્ય રીતે ન આપતા હોવાની તથા બહાર ના રાજ્યો માંથી જે કામદારો રોજગારી માટે આવે છે તેમની કોલોની રહેવાની યોગ્ય અને પૂરતી વ્યવસ્થા કરી આપવામાં આવતી ન હોવાની ફરિયાદ આંદોલન કરતાં કામદારો દ્વારા કરવામાં આવી રહી છે.

સ્થાનિક તંત્ર નિષ્ફળ
હજીરા વિસ્તારમાં આવેલ ઔદ્યોગિક એકમોમાં કોન્ટ્રરક્ટર દ્વારા કામદારોનું જે આર્થિક, માનસિક અને શારીરિક શોષણ કરવામાં આવે છે તે બાબતે કંપની અને સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓ જેવાકે Factory Inspector, Labour Officer, PF Inspector, ESI Inspector દ્વારા સુરક્ષા – સલામતી, લઘુત્તમ વેતન, બોનસ સહિતના કાયદાનઆ પાલન બાબતે પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું નથી. PF વિભાગના અધિકારીઓ કામદારોનું PF નિયમોનુસાર કપાય છે કે કેમ તેની પૂરતી તપાસ કરાવતા નથી જેથી મોટા ભાગના કોન્ટ્રાકટરો દ્વારા કામદારોને PFના અધિકારથી વંચિત રાખવામાં આવે છે.

કામદારોને તેમના અધિકાર આપવા માંગ
દર્શન નાયકે કામદારોના હિતમાં નિર્ણય લઈ તેઓને તેમના અધિકાર અપાવવા માંગ કરી છે. નાયકે માંગણી કરી કે, હજીરા વિસ્તારના તમામ ઔદ્યોગિક એકમોમાં સ્થાનિક નાગરિકોને 80-85% કાયમી રોજગાર આપવા અંગેના સરકારી પરિપત્ર/નોટિફિકેશનનું કડક અમલીકરણ કરાવવામાં આવે. ઓવરટાઇમ, સમયસર પગાર, લઘુત્તમ વેતન, PF/ESI/Gratuity, સુરક્ષા તાલીમ અને રહેઠાણની વ્યવસ્થા અંગેના નિયમોનું કડક પાલન કરાવવામાં આવે. હજીરા વિસ્તારના તમામ ઔદ્યોગિક એકમોમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતાં કામદારોને સમાન કામ માટે મહત્તમ સમાન વેતન આપવામાં આવે. સતત લાંબા સમયથી કોન્ટ્રાક્ટ પર કામ કરતા કામદારોને કાયમી કરવા અંગે સરકાર જવાબદાર અધિકારીઓ દ્વારા તત્કાલ જરૂરી યોગ્ય પગલાં લેવામાં આવે. હજીરા વિસ્તારના તમામ ઔદ્યોગિક એકમોમાં કોન્ટ્રાક્ટ કામદારોના શોષણ અંગે તાત્કાલિક સ્થળ પર તપાસ કરાવીને જે અધિકારીઓ ઉપરોક્ત કાયદાના પાલન કરાવવામાં બેદરકારી દાખવતાં જણાઈ આવે, તો જવાબદાર કંપની તથા કોન્ટ્રાકટર અને વહીવટી તંત્રના જવાબદાર અધિકારીઓ સામે નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવે.

Most Popular

To Top