Vadodara

સંસ્કારી નગરીમાં હોળીનો હરખ: વડોદરાના બજારોમાં કેમિકલને ‘નો’ અને ઓર્ગેનિક રંગોને ‘યસ’​

ત્વચાની સુરક્ષા અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધતા કુદરતી ગુલાલની ભારે માંગ; ₹5 થી ₹200 સુધીના આકર્ષક પેકિંગમાં રંગો ઉપલબ્ધ

વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં હોળી અને ધૂળેટીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે શહેરના મુખ્ય બજારોમાં તહેવારની જબરદસ્ત રંગત જોવા મળી રહી છે. શહેરના ન્યાયમંદિર, માંડવી, મંગળબજાર અને રાવપુરા જેવા વિસ્તારોમાં પિચકારી અને ગુલાલની હાટડીઓ સજાઈ ગઈ છે. જોકે, આ વર્ષે બજારમાં એક મોટો અને હકારાત્મક બદલાવ જોવા મળ્યો છે. ગ્રાહકો હવે પરંપરાગત કેમિકલયુક્ત રંગોને બદલે ઓર્ગેનિક અને કુદરતી ગુલાલ તરફ વધુ આકર્ષાયા છે, જેના કારણે બજારમાં ‘ઈકો-ફ્રેન્ડલી’ હોળીનો માહોલ જામ્યો છે.
​છેલ્લા કેટલાક વર્ષોમાં કેમિકલયુક્ત રંગોના કારણે ત્વચામાં એલર્જી, આંખોમાં બળતરા અને શ્વાસની તકલીફોના કિસ્સાઓ વધ્યા છે. આ અંગે વધેલી જાગૃતિને પરિણામે વડોદરાના બજારોમાં ઓર્ગેનિક કલરની બોલબાલા વધી છે. વેપારીઓના જણાવ્યા અનુસાર, કુદરતી ફૂલો, હળદર, અને વનસ્પતિજન્ય ઘટકોમાંથી બનેલા આ રંગો ત્વચાને નુકસાન પહોંચાડતા નથી અને પાણીથી ખૂબ જ સરળતાથી સાફ થઈ જાય છે. ખાસ કરીને નાના બાળકોના માતા-પિતા સુરક્ષાને પ્રાથમિકતા આપી રહ્યા છે.
બજારમાં ઓર્ગેનિક રંગો વિવિધ પેકિંગમાં ઉપલબ્ધ છે. ₹5 ના નાના પાઉચથી લઈને ₹200 સુધીના પ્રીમિયમ પેકેટ્સ વેચાઈ રહ્યા છે. વેપારીઓનું કહેવું છે કે આ વખતે ₹200 ના કોમ્બો પેકેટ્સની માંગ સૌથી વધુ છે, જેમાં 4 થી 5 પ્રકારના અલગ-અલગ કુદરતી ગુલાલનો સેટ હોય છે. બીજી તરફ, સામાન્ય રંગો ₹20 પ્રતિ કિલોથી લઈને ₹200 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે, પરંતુ ગ્રાહકો હવે ગુણવત્તા પાછળ થોડા વધુ પૈસા ખર્ચવા તૈયાર દેખાઈ રહ્યા છે.
નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે ‘ઓર્ગેનિક’ ના નામે બજારમાં કેટલાક તત્વો ટેલકમ પાવડર કે હલકી ગુણવત્તાના લોટમાં ભેળસેળ કરીને નકલી રંગો વેચી રહ્યા છે. ગ્રાહકોએ હંમેશા પ્રમાણિત અને વિશ્વસનીય બ્રાન્ડના જ રંગો ખરીદવા જોઈએ. હોળી નજીક આવતા વેપારીઓમાં પણ આ વર્ષે સારા વેપારની આશા જાગી છે.
કેમ વધી રહી છે ઓર્ગેનિક રંગોની ક્રેઝ?

​હોળીની મજા હવે સજા નહીં બને! વડોદરાના બજારમાં ઉપલબ્ધ ઓર્ગેનિક રંગો કુદરતી અર્કમાંથી તૈયાર કરવામાં આવ્યા છે. વેપારીઓનો દાવો છે કે આ રંગો જો ભૂલથી આંખમાં જાય કે રમતા-રમતા મોઢામાં પણ જાય, તો પણ તેની કોઈ આડઅસર થતી નથી. કેમિકલ મુક્ત હોવાથી તે ત્વચાને નરમ રાખે છે અને કાઢતી વખતે કલાકો સુધી ઘસવા પડતા નથી. ખાસ કરીને “સેલ્ફી જનરેશન” માં આ રંગો લોકપ્રિય છે કારણ કે તે ચહેરા પર ડાઘ છોડ્યા વગર તહેવારનો અસલી આનંદ આપે છે!

Most Popular

To Top