Halol

હાલોલ નગરપાલિકાના સિટી સિવિક સેન્ટરમાં રૂ. 2.75 લાખની ઉચાપતનો આક્ષેપ

ટેક્સ વસુલાતમાં ગેરરીતિ મામલે હાલોલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ
હાલોલ |
હાલોલ નગરપાલિકા સંચાલિત સિટી સિવિક સેન્ટર (CTC) ખાતે ટેક્સ વસુલાત દરમિયાન રૂ. 2 લાખથી વધુની ઉચાપત થઈ હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. આ મામલે નગરપાલિકાના ટેક્સ વિભાગમાં ફરજ બજાવતા હિતેશભાઈ મહેતા દ્વારા હાલોલ ટાઉન પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવવા અરજી કરવામાં આવી છે.

ઈ-નગર સેન્ટર મારફતે ટેક્સ વસુલાત
મળતી માહિતી મુજબ, હાલોલ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વેરા ઈ-નગર સેન્ટર મારફતે વસૂલવામાં આવે છે. આ ઈ-નગર સેન્ટરની કામગીરી ગુજરાત સરકારના ડેવલોપમેન્ટ મિશન દ્વારા નિયુક્ત એજન્સી સિલ્વર ટચ ટેકનોલોજી લિમિટેડ, અમદાવાદ દ્વારા સંચાલિત થાય છે.
ફરિયાદ મુજબ, ઈ-નગર સેન્ટરના કેટલાક કર્મચારીઓ દ્વારા વેરાની રકમ વસૂલ્યા બાદ નાગરિકોને કાયદેસર પાવતી આપવામાં આવતી હતી, પરંતુ દિવસના અંતે નગરપાલિકાની હિસાબી શાખામાં રકમ જમા કરાવતાં પહેલા કેટલીક પાવતીઓ કોમ્પ્યુટર સિસ્ટમમાંથી ડીલીટ કરવામાં આવતી હતી.
આ રીતે ડીલીટ કરાયેલ પાવતીઓની રકમ સરકારી ખાતામાં જમા કરાવવાને બદલે પોતે જ રાખવામાં આવતી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.
આંતરિક તપાસમાં ગેરરીતિ બહાર આવી
નગરપાલિકાની આંતરિક તપાસ દરમિયાન આ ગેરરીતિ પ્રકાશમાં આવી હોવાનું જાણવા મળે છે. પ્રાથમિક તપાસમાં રૂ. 2,75,000 જેટલી રકમની ઉચાપત થયાનું સામે આવતા મામલો ગંભીર બન્યો છે. આ બનાવ બહાર આવતા સંકળાયેલા કર્મચારીઓ તેમજ સંચાલક કંપની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની લોકમાંગ ઉઠી છે.
ચીફ ઓફિસરની મંજૂરી, પોલીસ તપાસ શરૂ
હાલોલ નગરપાલિકાના જણાવ્યા મુજબ સમગ્ર ઘટનાને ધ્યાનમાં લઈ ચીફ ઓફિસર દ્વારા સત્તાવાર રીતે પોલીસ ફરિયાદ નોંધાવાની પરવાનગી આપવામાં આવી છે. હાલોલ ટાઉન પોલીસ મથક દ્વારા હવે આગળની સઘન પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવશે, ત્યારબાદ ઉચાપતની ચોક્કસ રકમ અને જવાબદાર વ્યક્તિઓ અંગે સ્પષ્ટતા થશે.
આ સમગ્ર મામલો હાલોલ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે અને નાગરિકો દ્વારા પારદર્શક તપાસની માંગ કરવામાં આવી રહી છે.

રિપોર્ટર: યોગેશ ચૌહાણ

Most Popular

To Top