હાલમાં પરીક્ષાની સીઝન ચાલુ થવાની તૈયારીમાં છે. સૌ પ્રથમ ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાથી જ શરૂઆત થાય છે. જે ઘરનાં સંતાન બોર્ડમાં છે તે ઘરમાં જોઈએ તો વાલીઓના મોં પર ચિંતાની ઘેરી રેખાઓ દેખાય છે. જાણે કે સંતાનને કોઈ રેસમાં જીતવા મોકલવાનો હોય, ચિંતા અયોગ્ય નથી પણ તેની અસર વિદ્યાર્થી પર પડતી હોય છે તે ઘરનું વાતાવરણ અને વાલીને જોઈને વિચારે છે કે જો મારું પરિણામ સારું નહીં આવે તો મમ્મી પપ્પાને બહુ દુઃખ થશે તેથી તે તણાવગ્રસ્ત થઈને વાંચે છે પરંતુ તેવું ન કરતાં ઘરનું વાતાવરણ શાંત, હળવું અને આનંદદાયક રાખવું જરૂરી છે.
વિદ્યાર્થીને ગમતી પ્રવૃત્તિ પણ થોડો સમય કરવાથી તેનો માનસિક થાક દૂર થાય છે. વિદ્યાર્થીઓએ આખું વર્ષ મહેનત કરી જ છે. ઘણાં પેપરો શાળામાં અને ટ્યુશનોમાં લખેલાં છે, પણ બોર્ડની પરીક્ષા તે એક વર્ષની નથી. તમે દસ કે બાર વર્ષમાં જે પણ કંઈ ભણ્યા છો તેની છે. તમે બોર્ડના પેપરનું મૂલ્યાંકન કરો તો સમજાશે. માટે વિદ્યાર્થીએ તો ફક્ત પોતાની ભૂલોને જ સુધારવાની છે. તેમાંથી તેનો આત્મવિશ્વાસ મજબૂત બનશે અને સારી સફળતા મળશે.
– નીરુબહેન બાલકૃષ્ણ શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.