વાપી: (Vapi) વાપીમાં એક ઉચ્ચ શિક્ષિત ઉદ્યોગપતિના (Industrialist) પરિવારનું છુપું રહસ્ય બહાર આવ્યું છે. આ પરિવારમાં ઉદ્યોગપતિ પિતા દ્વારા પોતાની જ સગી પુત્રીનું સતત 5 વર્ષ સુધી શોષણ થયું હોવાનું બહાર આવ્યું છે. હાલ કોલેજના (College) બીજા વર્ષમાં અભ્યાસ કરતી પુત્રીને (Daughter) પોતાની સાથે થયેલા અન્યાય અંગે બોલવાની તાકાત આવતાં તેણીએ માતા સાથે જઇ પોતાના જ પિતા વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જેને લઇ વાપીના સભ્ય સમાજમાં એક ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.
- વાપીમાં ઉચ્ચ શિક્ષિત ઉદ્યોગપતિ પિતા જ છેલ્લા પાંચ વર્ષથી પુત્રીનું શારિરીક શોષણ કરતા હતા
- પુત્રીએ પ્રતિકાર કરતાં પિતાએ બળજબરી કરી અને આખો મામલો પ્રકાશમાં આવ્યો
- માતા સાથે પુત્રી પોલીસ પાસે પહોંચતા પોલીસે પિતા વિરૂદ્ધ ગુનો દાખલ કરી ધરપકડ કરી
- ધનાઢ્ય અને શિક્ષિત પરિવારની ઘટનાથી ઔદ્યોગિક નગરી વાપી સ્તબ્ધ
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ, મૂળ અન્ય રાજ્યના વતની અને હાલ વાપીમાં રહેતા અને દમણમાં ભાગીદારીમાં એક ઔદ્યોગિક એકમ ધરાવતા એક ઉદ્યોગપતિના પરિવારની ધ્રુણાસ્પદ ઘટના બહાર આવી છે. સાધન સંપન્ન આ પરિવારના મોભી અને એક પુત્રી અને એક પુત્રના પિતા એવા ઉદ્યોગપતિ દ્વારા તેની પોતાની સગી પુત્રીનું છેલ્લા 5 વર્ષથી શોષણ થતું હતુ. તેની પુત્રી જ્યારે 13 વર્ષની હતી ત્યારથી તેણે લાલચ આપી આ અધમ કૃત્ય આચરવાની શરૂઆત કરી હતી. જેમાં તેને સફળતા મળતાં તેણે એકલતામાં આ સિલસિલો યથાવત રાખ્યો હતો. જેમ જેમ પુત્રી મોટી થતી ગઇ તેમ તેમ તેને પોતાની સાથે અન્યાયની વાત સમજ પડવા લાગી હતી.
જોકે, આબરુ જવાના ડરથી તેણીએ ચૂપકીદી સેવી હતી. જોકે, ત્યારબાદ પણ નરાધમ નફ્ફટ પિતાએ બળજબરીપુર્વક આ કૃત્ય આચરવાનું યથાવત રાખતાં માસુમ પુત્રી હચમચી ઉઠી અને તેણીએ સમગ્ર હકીકત તેણીની માતાને કહી હતી. ત્યારે આ સંદર્ભે તેની માતાએ તેણીની સાથે વાપી ટાઉન પોલીસ મથકે જઇને આ સંદર્ભે ઉદ્યોગપતિ પિતા વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ કરાવી હતી. આ ફરિયાદને પગલે પોલીસ વિભાગ પણ સ્તબ્ધ થઇ ગયો હતો. ભોગ બનનારી યુવતી હાલ ઉચ્ચ કોલેજના બીજા વર્ષમાં ઉચ્ચ અભ્યાસ કરે છે. શિક્ષિત અને ધનાઢ્ય પરિવારની આ ધ્રુણાસ્પદ ઘટના લાંબા સમયે બહાર આવી છે. જોકે, આ ઘટના બહાર આવતાં હવે યુવતી સુરક્ષિત બની છે.