ગાંધીનગર : ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં ભ્રષ્ટાચારની ફરિયાદોમાં આજે પણ શહેરી વિકાસ વિભાગ અને જાહેર સાહસોમાં જીઆઇડીસી ટોચના ક્રમે છે. આજે ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા ગુજરાત તકેદારી આયોગ (વિજીલન્સ કમિશન)ના 57માં વાર્ષિક રિપોર્ટમાં જણાવાયું છે કે, વર્ષ દરમિયાન આયોગને ગેરરીતિઓની 8373 ફરિયાદો મળી છે. શહેરી વિકાસ વિભાગ પછી બીજી ક્રમે મહેસુલ વિભાગ આવે છે. વિજીલન્સ કમિશનને સરકારના પાંચ વિભાગો સામે છેલ્લા એક વર્ષમાં વધુ ફરિયાદો મળી છે.
સરકારના વિભાગોમાં કસૂરવાર 357 અને જાહેર સાહસોમાં 168 અધિકારી તેમજ કર્મચારી સામે સખત પગલાં લેવામાં આવે તેવી ભલામણ આ રિપોર્ટમાં કરવામાં આવી છે. ભ્રષ્ટાચારમાં ટોપ પાંચ વિભાગોમાં શહેરી વિકાસ પછી મહેસૂલ, પંચાયત, ગૃહ અને શિક્ષણ વિભાગ આવે છે. રાજ્યના કુલ 33 વિભાગો અને 20 બોર્ડ-નિગમમાં ભ્રષ્ટાચારની ફરિયાદો મળી છે. પાંચ જાહેર સાહસો પૈકી ટોચક્રમે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ, ગુજરાત પાણી પુરવઠા બોર્ડ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, પશ્ચિમ ગુજરાત વીજ કંપની અને ગુજરાત મેરીટાઇમ બોર્ડનો સમાવેશ થાય છે.
વિજીલન્સ કમિશનના રિપોર્ટમાં જણાવાયા પ્રમાણે 2018માં આયોગને કુલ 8792, 2019માં 8501 અને 2020માં 8373 ફરિયાદો મળી છે. જે પૈકી પ્રાથમિક અહેવાલ માટે અનુક્રમે 915, 527 અને 396 ફરિયાદો મોકલવામાં આવી હતી. તપાસ કરીને યોગ્ય કાર્યવાહી માટે ત્રણ વર્ષમાં કુલ 18000 કરતાં વધુ ફરિયાદો મોકલવામાં આવી છે. આયોગની કચેરીમાં કુલ 4800 ફરિયાદો દફતરે કરવામાં આવી છે.
અહેવાલના વર્ષના અંતે વિભાગ તેમજ જાહેર સાહસોના કુલ 2696 કેસો પડતર છે જે પૈકી સૌથી વધુ મહેસૂલ અને શહેરી વિકાસ વિભાગના કેસોનો સમાવેશ થાય છે. નિવૃત્તિના માસમાં આયોગને 69 કિસ્સા મળ્યા હતાં. આયોગ તરફથી 525 આક્ષેપિત અધિકારી તેમજ કર્મચારી સામે પગલાં લેવાની ભલામણ કરવામાં આવી છે.
રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે વર્ષ દરમિયાન જરૂરી પગલાં લેવા સરકારના વિભાગોમાં 357 ભલામણો કરવામાં આવી છે જે પૈકી 211 સામે ભારે શિક્ષા કરવા તેમજ 78 સામે નાની શિક્ષા કરવાનું કહેવામાં આવ્યું છે. એવી જ રીતે જાહેર સાહસોમાં 168 પૈકી 162 અધિકારી તેમજ કર્મચારીને ભારે શિક્ષા કરવાની ભલામણ કરવામાં આવી છે, જેમની સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપ મૂકવામાં આવેલા છે.
ગુજરાતના લાંચ રૂશ્વત બ્યુરો (એસીબી) માં પાંચ વર્ષમાં 1370 છટકાં ગોઠવવામાં આવ્યા હતા જે પૈકી 350 કરતાં વધુ છટકાં નિષ્ફળ ગયા હતા. વર્ષ દરમિયાન એસીબીમાં દાખલ થયેલી ટ્રેપમાં વર્ગ-1ના સાત, વર્ગ-2ના 41, વર્ગ-3ના 161, વર્ગ-4ના 3 અને ખાનગી 98 કેસોનો સમાવેશ થાય છે. રાજ્ય સરકારના પાંચ વિભાગો પૈકી શહેરી વિકાસમાં 1663, મહેસૂલ વિભાગમાં 1185, પંચાયતમાં 1051, ગૃહમાં 1005 અને શિક્ષણમાં 363 ફરિયાદો તકેદારી આયોગને પ્રાપ્ત થયેલી છે. આયોગે સરકાર સમક્ષ નારાજગી વ્યક્ત કરી જણાવ્યું છે કે વિભાગો અને જાહેર સાહસો તરફથી સમયસર વિગતો મળતી નથી.