સુરત: એક સમય હતો જ્યારે સૌરાષ્ટ્રની પ્રજા માંસાહાર અને નશાથી જોજનો દૂર રહેતી હતી, પરંતુ હવે સ્થિતિ બદલાય છે. સુરતમાં ધંધા અર્થે વસવાટ કરવા આવેલી સૌરાષ્ટ્રવાસીઓની ત્રીજી પેઢી હવે નશા અને સેક્સના રવાડે ચઢી ગઈ છે. વરાછામાં ઠેરઠેર પાનના ગલ્લાંની માફક કપલ બોક્સ, સ્પા ખુલી ગયા છે. આ વિસ્તારમાં અનેક જાહેર માર્ગો એવા છે જ્યાં દિવસ રાત યુવાનો ખુલ્લેઆમ દારૂ અને ડ્રગ્સનો નશો કરે છે અને આવતી જતી યુવતી, મહિલાઓની છેડતી કરે છે. ગ્રીષ્માની હત્યા બાદ સૌરાષ્ટ્રવાસી આગેવાનોના મન હચમચી ઉઠ્યા છે. સુરતમાં વસી કરોડો કમાનારા સૌરાષ્ટ્રવાસીઓ ક્યાંકને ક્યાંક સંતાનોને સંસ્કાર આપવામાં થાપ ખાઈ ગયા હોવાનું ચિત્ર ઉભું થયું છે. અવનવા સેવા કાર્યો કરી સમાજને નવી રાહ ચિંધતા સૌરાષ્ટ્રવાસી સમાજના આગેવાનોના માથા પણ આ ઘટનાને પગલે શરમથી ઝૂકી ગયા છે. અસામાજિક તત્વો સામે કડક એક્શન લેવા માટે આજે વરાછાના સૌરાષ્ટ્રવાસી મોભીઓએ પોલીસના ઉચ્ચ અધિકારીઓને પત્ર આપી રજૂઆત કરી છે.
બે દિવસ પહેલાં શનિવારે કાપોદ્રાના પાસોદ્રામાં ગ્રીષ્મા વેકરિયા (Grishma vekariya murder) નામની 21 વર્ષીય યુવતીની તેની જ સોસાયટીમાં તેને એકતરફી પ્રેમ કરતા 20 વર્ષીય યુવક ફેનિલ ગોયાણીએ હત્યા કરી છે. આ ઘટના સૌરાષ્ટ્રવાસી સમાજને હચમચાવી મુક્યો છે. યુવક-યુવતી બંને સૌરાષ્ટ્રવાસી સમાજના છે. તપાસમાં એવું બહાર આવ્યું છે કે ગ્રીષ્માની હત્યા કરનારો ફેનિલ કપલ બોક્સ અને સ્મોકિંગ પાર્લર ચલાવતો હતો. આટલી નાની ઉંમરમાં રૂપિયા કમાવવાની હોડમાં છેલ્લી પાયરીનો ધંધો કરવાના રવાડે કેવી રીતે ચઢ્યો તે તપાસ કરતા વધુ સૌરાષ્ટ્રવાસી સમાજ માટે ચિંતાનો વિષય છે. કારણ કે વરાછામાં ફેનિલ જેવા અનેક યુવકો ફરી રહ્યાં છે, જે રૂપિયા કમાઈ લેવાની લાલચમાં ખોટા કામના રવાડે ચઢ્યા છે અને અનેક એવા છે જે નશા અને સેક્સના રવાડે ચઢ્યા છે.
સૌરાષ્ટ્રમાં રોજીરોટી નહીં હોય જેના મા-બાપ બે પૈસા કમાવાની આશમાં સુરત આવીને વસ્યા હતા અને હવે તેમની ત્રીજી પેઢી અહીં છે, તેઓ તેમના માતા-પિતાનો સંઘર્ષ ભૂલી ગયા છે અને ઝડપથી માલામાલ થવાની અને બધા જ ખરાખોટા કામ કરી લેવાના રવાડે ચઢ્યા છે. તેનું જ કારણ છે કે ક્રિપ્ટોકરન્સી અને સ્પોન્ઝી સ્કીમ જેવા કરોડોના કૌભાંડ પણ વરાછામાંથી જ બહાર આવતા રહે છે.
ગ્રીષ્માની હત્યાનો કિસ્સો બહાર આવ્યા બાદ વરાછા, કાપોદ્રામાં વસતો સૌરાષ્ટ્રવાસી સમાજ હચમચી ઉઠ્યો છે. સેમિનારોમાં પ્રેરણાત્મક વાતો કરતા સામાજિક આગેવાનો પણ અંદરથી હલી ગયા છે. એટલે જ આજે હત્યાના બે દિવસ બાદ સોમવારે વિવિધ ક્ષેત્રના સૌરાષ્ટ્રવાસી સામાજિક આગેવાનો એકજૂટ થઈ પોલીસને શરણે ગયા છે. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સુરતના નેજા હેઠળ 10થી વધુ આગેવાનો આજે સુરત રેન્જ આઈજી રાજકુમાર પાંડિયન અને સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમરને રૂબરૂ મળ્યા હતા અને પોતાના જ વિસ્તારના પોતાના જ સમાજના પરંતુ અનિતિના માર્ગે વળી ગયેલા યુવાનો વિરુદ્ધ એકશન લેવા વિનંતી કરી હતી.
આ પત્રમાં જે લખ્યું છે તે સમાજને ચિંતામાં મુકી દેનારું છે. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજે પોલીસને આપેલા પત્રમાં લખ્યુંછે કે, શનિવારે તા. 12 ફેબ્રુઆરી 2022ના રોજ ગ્રીષ્મા વેકરીયા નામની વિદ્યાર્થીનીની જાહેરમાં પરિવારની નજર સામે થયેલી નિર્મમ હત્યાને અમે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત જનમાનસમાં પડ્યા છે. ગ્રીષ્મા અને તેના પરિવારને ઝડપથી ન્યાય મળે તેવી કાર્યવાહી થવી જોઈએ.
આ સાથે જ સામાજિક આગેવાનોએ વરાછામાં વ્યાપેલા દૂષણ તરફ પોલીસનું ધ્યાન દોરતા લખ્યું કે સુરત શહેરની આસપાસ નવા વિકસતા વિસ્તારોમાં હોટલ રેસ્ટોરાંમાં કપલ બેઠાં હોય તથા પાનના ગલ્લાની સાથે સ્મોકિંગ રૂમ કે હુક્કાબાર, સ્પા કે પાર્લ ચાલે છે જે મોટા ગુનાહિત કેન્દ્રો બન્યા છે. આવા ગેરકાયદે કેન્દ્રો સામે ઝડપથી પગલાં લેવાવા જોઈએ. તે બંધ કરાવી દેવા જોઈએ.
વરાછા રોડ વિસ્તારમાં કાપોદ્રા, વેલંજા, કામરેજ, લસકાણા, યોગીચોક, મોટા વરાછા, પુણા, માતાવાડી વિગેરે વિસ્તારોમાં કપલ બોક્સ, પાન પાર્લર, સ્મોકીંગ રૂમ ચાલે છે, જે બંધ કરાવો. તે ઉપરાંત વરાછા, કાપોદ્રા, યોગીચોક, મોટા વરાછા, કામેરજ ચાર રસ્તા, પાસોદરા કેનાલ રોડ પર અસામાજિક તત્વો બેસી રહે છે. ડ્રગ્સ, બિડી, દારૂ જેવા પદાર્થોનું સેવન કરે છે અને આવતી જતી યુવતી, મહિલાઓને છેડે છે. આવા તોફાની તત્વોને સામાન્ય પબ્લીક દૂર કરી શકે તેમ નથી તેથી પોલીસ તેઓ સામે કડક એક્શન લે તેવી માંગ કરી છે.
આજે પોલીસને રજૂઆત કરવા ગયેલા સામાજિક આગેવાનોમાં દિનેશ નાવડીયા, મથુર સવાણી, વેલજી શેટા, કાનજી ભાલાળા, લાલજી પટેલ, હરિ કથીરિયા, કેશુ ગોટી, રામજી પટેલ, સી.પી. વાનાણી અને સવજી વેકરીયાનો સમાવેશ થાય છે.