SURAT

પિતા કેક લાવ્યા ત્યારે દીકરાનું શરીર પંખે લટકી રહ્યું હતું, સુરતમાં બન્યો આઘાતજનક બનાવ

શહેરમાં ચોંકાવનારી ઘટના બની છે. માત્ર 16 વર્ષની કુમળી વયે એક બાળકે જીવનને આખરી અલવિદા કહી દીધું છે. કરૂણાતિંકા તો એ છે કે જન્મદિનના ખુશીના અવસર પર બાળકે આ આત્યાંતિક પગલું ભર્યું છે. પિતા કેક લઈ ઘરે આવ્યા ત્યારે વ્હાલસોયા દીકરાનું નિશ્ચતેન શરીર પંખે લટકતું જોઈ ધ્રુજી ઉઠ્યા હતા.

આ કરૂણાતિંકાની મળતી માહિતી અનુસાર ભેસ્તાનના વિજયલક્ષ્મી નગરમાં રહેતા 16 વર્ષીય આશુતોષ નામના વિદ્યાર્થીએ પોતાના જન્મદિવસે જ ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું છે. વ્હાલસોયા પુત્રનો જન્મદિન મનાવવા પિતા વિનોદ પ્રધાન દુકાનથી કેક લઈને ઘરે આવ્યા હતા. ત્યારે પુત્રને ફાંસો ખાધેલી હાલતમાં જોઈ ચોંકી ઊઠ્યા હતા. ડિંડોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી વિદ્યાર્થીના મૃતદેહને પીએમ માટે મોકલી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસ બાદ ઘટનાનું કારણ બહાર આવશે.

વિનોદ પ્રધાન મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારમાં પત્ની, એક દીકરો અને એક દીકરી છે. વિનોદનો એકનો એક 16 વર્ષીય પુત્ર આશુતોષ હાલમાં ધોરણ 8 પાસ કરી ધોરણ 9માં અભ્યાસ કરી રહ્યો હતો. ગઈ તા. 19જૂન 2025એ આશુતોષનો જન્મદિવસ હતો.

આશુતોષને સવારથી જ પરિવાર સહિત તેના મિત્રો જન્મદિવસની શુભેચ્છાઓ આપી રહ્યા હતા. સાંજે આશુતોષના પિતા પુત્રના જન્મદિવસ મનાવવા કેક લઈને ઘરે પહોંચ્યા હતા. પુત્રના જન્મદિવસે જ પિતાએ પોતાના પુત્રને ઘરમાં ફાંસો ખાધેલી હાલતમાં જોઈ ચોંકી ઊઠ્યા હતા.

સમગ્ર ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે વિદ્યાર્થીના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં મોકલી કાર્યવાહી હાથ ધરી છે. આશુતોષએ કયા કારણસર જીવનનો અંત આણ્યો તેનું કારણ હાલ અકબંધ છે. પોલીસ તપાસ બાદ જ ઘટનાનું કારણ બહાર આવશે.

વધુમાં મળતી માહિતી પ્રમાણે આશુતોષ ઉધના વિસ્તારમાં આવેલી અક્ષરદીપ સનરાઈઝ સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતો હતો. તેની 19 વર્ષીય બહેન નજીકમાં જ આવેલી હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરે છે. પિતા મજુરી કામ કરે છે અને માતા ગૃહિણી છે. ગતરોજ તા.19જૂન 2025એ આશુતોષનો બર્થ ડે હતો. પરિવારમાં પણ ખુશીનો માહોલ હતો. ગતરોજ સાંજે દીકરી નોકરી પર ગયેલી હતી. માતા પિતા કેક લેવા ઘરની બહાર ગયા હતા. દરમિયાન આશુતોષ ઘરે એકલો હતો અને આ એકલતાનો લાભ લઈને તેણે બારીના પડદા લગાવવાના એંગલ સાથે નાયલોનની દોરી બાંધીને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.

પોલીસના જણાવ્યા પ્રમાણે આશુતોષે જન્મદિવસ હોવાથી કોઈ ગિફ્ટની માગણી કરી હોય અને પરિવારે મનાઈ અથવા કંઈ ઠપકો આપ્યો હોય અને આ આકરૂ પગલું ભરી લીધું હોય તેવી શક્યતા લાગી રહી છે. જોકે પોલીસ દ્વારા પરિવારજનોના નિવેદન લેવામાં આવશે અને ત્યારબાદ જ આપઘાતનું ચોક્કસ કારણ સામે આવશે.

Most Popular

To Top