Columns

શ્રીલંકાની કટોકટીનો રાજકીય નહીં પણ આર્થિક ઉકેલ લાવવો પડશે

શ્રીલંકામાં જે કટોકટી પેદા થઈ છે તેનાં મૂળ રાજકારણમાં નથી પણ અર્થકારણમાં છે. શ્રીલંકામાં ૨૦૨૦ ના ઓગસ્ટમાં ચૂંટણી થઈ તેમાં વર્તમાન શાસક પક્ષને  ૨૨૫ પૈકી ૧૪૫ બેઠકો સાથે લગભગ બે તૃતિયાંશ બહુમતી મળી હતી. મતદારોએ રાજાપેક્ષા પરિવારને ખોબા ભરીને મતો આપ્યા હતા અને તેમની અંદર પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આજની તારીખમાં પણ રાજાપેક્ષા સરકાર બહુમતી સાંસદોનો ટેકો ધરાવે છે. પાકિસ્તાનમાં બન્યું હતું તેમ શાસક પક્ષ સામે કોઈ અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો નથી.  શ્રીલંકાની પ્રજાનો જે રોષ ફાટી નીકળ્યો છે તેનાં મૂળમાં વધી રહેલી મોંઘવારી અને પાવર કટ છે. બળતણની અછત માટે હૂંડિયામણની કટોકટી અને દેશની ખોટી આર્થિક નીતિઓ જવાબદાર છે, જેના માટે શાસક પક્ષ જેટલો જ વાંક વિરોધ પક્ષોનો પણ છે. શ્રીલંકામાં રમખાણો કરાવવાથી કે સત્તાપલટો કરાવવાથી દેશનો ઉદ્ધાર નથી થવાનો, કારણ કે વિપક્ષો પાસે પણ આર્થિક સમસ્યાઓનું કોઈ સમાધાન નથી. જો વર્તમાન સરકારને સ્થાને સર્વપક્ષીય સરકાર રચવામાં આવે તો પણ તેણે આર્થિક સમસ્યા પહેલાં સર કરવી પડશે.

શ્રીલંકાની આર્થિક સમસ્યાનો ઉકેલ શોધતાં પહેલાં  તો સમસ્યા શા કારણે પેદા થઈ? તે સમજવું પડશે અને તેનાં મૂળમાં જઈને તેનો ઈલાજ કરવો પડશે. શ્રીલંકામાં જે ગલત આર્થિક નીતિઓને કારણે સમસ્યાઓ પેદા થઈ, તેવી નીતિ ભારત સહિતના અનેક દેશો દ્વારા અપનાવવામાં આવી છે. આ નીતિઓ શ્રીલંકાનો વિનાશ કરનારી થાય તેમ કોઈ પણ દેશનો વિનાશ કરી શકે છે. જો ભારતને બીજું શ્રીલંકા બનતું અટકાવવું હોય તો નીચેના મુદ્દાઓ વિચારવા જ પડશે.

(૧) શ્રીલંકાની બરબાદીનું પહેલું કારણ કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ છે. શ્રીલંકામાં કાયમ નિકાસ કરતાં આયાતનું પ્રમાણ વધુ રહ્યું છે. તેને કારણે હૂંડિયામણના ભંડારો ખાલી રહેતા હતા. આ તફાવત દૂર કરવા પર્યટન ઉદ્યોગ અને શ્રીલંકાના વિદેશમાં વસતાં નાગરિકોની મદદ લેવાતી હતી. આયાતમાં મુખ્ય પેટ્રોલિયમ પદાર્થો હતા. શ્રીલંકાનું સમગ્ર અર્થતંત્ર અને સામાજિક જીવન પેટ્રોલ અને ડિઝલ આધારિત થઈ ગયું છે. પેટ્રોલ પદાર્થોની આયાત માટે હૂંડિયામણ જોઈએ. તે માટે નિકાસ વધારવી પડે. જો નિકાસ પૂરતા પ્રમાણમાં ન હોય તો આયાત અને નિકાસ વચ્ચેની ખાઈ દૂર કરવા વિદેશી લોન લેવી પડે અને તેમની સંસ્થાઓ દ્વારા લાદવામાં આવતી શરતો પણ માનવી પડે. આ શરતો દેશના અર્થતંત્રને અને દેશની સ્વતંત્રતાને પણ ખતમ કરી નાખે તેવી જ હોય છે.

(૨) જો શ્રીલંકા દ્વારા પરિવહન માટે પેટ્રોલ અને ડિઝલ સંચાલિત વાહનોને બદલે સૌર ઊર્જા, પવન ઊર્જા કે પશુ ઊર્જા દ્વારા સંચાલિત વાહનોનો ઉપયોગ કરવામાં આવતો હોત તો પેટ્રોલિયમ પદાર્થોની આયાત કરવાની જરૂર ન પડત અને હૂંડિયામણ કટોકટી પણ પેદા ન થાત. રસોઈ કરવા માટે પણ ગેસ કે વીજળીનો ઉપયોગ કરવાને બદલે લાકડાં કે છાણાંનો ઉપયોગ કરવામાં આવે તો વિદેશથી ગેસની કે કોલસાની આયાત કરવાની જરૂર પડે નહીં. ભારત પણ ઉજ્જવલા યોજના થકી આ ભૂલ કરી રહ્યું છે. આપણા દેશમાં પેદા થતાં બળતણનાં સાધનોનો ઉપયોગ કરવાને બદલે વિદેશથી આયાત થતાં બળતણ પર નિર્ભર રહીને આપણે વિનાશ તરફ ધસમસી રહ્યાં છીએ.

(૩) આયાત અને નિકાસ વચ્ચે જે ખાઈ રહી જતી હતી તેનો ઉપાય આયાત ઘટાડવાનો અને આત્મનિર્ભર બનવાનો હતો. તેને બદલે શ્રીલંકાની સરકારે આ ખાઈ પૂરવા માટે પર્યટન ઉદ્યોગનો ઉપયોગ કર્યો હતો. તે માટે વિદેશી ટુરિસ્ટોને આકર્ષવામાં આવતા હતા. વિદેશી ટુરિસ્ટો ડોલર લઈને આવે અને શ્રીલંકામાં ખર્ચે, તેનો ઉપયોગ કરીને કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ દૂર કરવામાં આવતી હતી. વિદેશી ટુરિસ્ટો તેમની સાથે ડ્રગ્સ જેવાં દૂષણો પણ લઈને આવતાં હોય છે. હૂંડિયામણ મેળવવા તેવાં દૂષણો સહન કરવાં પડે છે. તેને કારણે યુવા પેઢી ડ્રગ્સના સકંજામાં ફસાઈ જતી હોય છે. વિદેશી ટુરિસ્ટોના મનોરંજન માટે શ્રીલંકાની યુવતીઓને વેશ્યા વ્યવસાયમાં ધકેલવામાં આવતી હોય છે.

શ્રીલંકાનું તો આખું અર્થતંત્ર જ ટુરિઝમ ઉદ્યોગ અને વિદેશમાં વસતાં નાગરિકો દ્વારા મોકલવામાં આવતા ડોલર પર નિર્ભર થઈ ગયું હતું. કોરોનાને કારણે વિદેશથી આવતાં ટુરિસ્ટો બંધ થઈ જતાં તેમના દ્વારા આવતા ડોલરનો પ્રવાહ પણ સ્થગિત થઈ ગયો હતો. બીજી બાજુ સ્થાનિક નાગરિકો કે સરકાર દ્વારા પેટ્રોલિયમ પેદાશોના વપરાશ પર કોઈ નિયંત્રણો મૂકવામાં આવ્યાં નહોતાં. કોઈ તળાવમાં પાણીની આવક બંધ થઈ જાય અને તળાવ ઉલેચવાનું ચાલુ રાખો તો શું થાય? હૂંડિયામણના ભંડારો ખાલી થઈ જતાં બળતણની ભારે કટોકટી પેદા થઈ હતી.

(૪) ભારતની જેમ શ્રીલંકામાં પણ સરકારની આવક કરતાં ખર્ચાઓ વધુ છે, જેને ફિસ્કલ ડેફિસિટ કહેવામાં આવે છે. તેનો ઉપાય આવક વધારવાનો અને ખર્ચાઓ ઘટાડવામાં છે, પણ સરકારની નીતિ દેવું કરીને જલસા કરવાની છે. સરકારની આવક અને જાવક વચ્ચેની જે ખાઈ છે તે રૂપિયાની નોટો છાપીને કે પ્રજા પાસેથી બોન્ડના માધ્યમે રૂપિયા ઉધાર લઈને પૂરી કરવામાં આવે છે. આ ઉધાર લીધેલા રૂપિયાનું વ્યાજ ચૂકવવું પડે છે, જેના માટે કરવેરા નાખવા પડે છે. જેમ જેમ સરકાર રૂપિયા છાપતી જાય છે, તેમ તેમ રૂપિયાની કિંમત ઘટતી જાય છે અને મોંઘવારી વધતી જાય છે. આ મોંઘવારીનો માર ગરીબ અને મધ્યમ વર્ગને વધુ પડે છે. શ્રીમંતો તો તેમાંથી પણ કમાણી કરે છે. શ્રીલંકાની પ્રજાએ જો કોઈ ચીજનો વિરોધ કરવો હોય તો તે શાસક પક્ષનો નહીં પણ તેમની ડેફિસિટ ફાઇનાન્સની નીતિનો વિરોધ કરવો જોઈએ. સરકારે આવક મુજબ ખર્ચા કરતાં શીખવું જોઈએ. જો સરકાર સતત દેવું લઈને ખર્ચા કર્યા કરશે તો તે દેવું ચૂકવશે કોણ? તે વિચાર કરવો જોઈએ.

(૫) શ્રીલંકાની વર્તમાન સરકારે ખર્ચા કમ કરીને આવક વધારવાના ઉપાયો કરવાને બદલે મતદારોને ખુશ કરવા માટે આવકમાં કાપ મૂકવાનું આત્મઘાતી પગલું ભર્યું હતું. તેણે કરવેરા વધારવાને બદલે કરવેરા ઘટાડ્યા હતા. તેને કારણે ફિસ્કલ ડેફિસિટ વધી ગઈ હતી. તેને સરભર કરવા નોટો છાપવામાં આવી હતી. તેને કારણે ફુગાવો વધી ગયો હતો અને મોંઘવારી હદ બહાર નીકળી ગઈ હતી. મોંઘવારીનો વિરોધ કરવા માટે તોફાને ચડેલી જનતાને કરવેરામાં કાપ મૂકવામાં આવ્યો તે મીઠો લાગ્યો હતો. તેમણે સમજવું જોઈએ કે સરકાર કરવેરો ઘટાડે તો મોંઘવારી વધવાની જ છે. કોઈ સરકાર પાસે જાદુઈ લાકડી નથી કે કરવેરા ઘટાડીને મોંઘવારી ઘટાડી શકે.

(૬) શ્રીલંકાની સરકારે નિકાસ ઘટાડવા કેમિકલ ફર્ટિલાઇઝરના વપરાશ પર પ્રતિબંધ મૂક્યો અને આખા દેશમાં ઓર્ગેનિક ફાર્મિંગ ફરજિયાત બનાવ્યું તે સાચી દિશાનું પગલું હતું, પણ તેનો તબક્કાવાર અમલ કરવામાં સરકાર થાપ ખાઈ ગઈ હતી. કેમિકલ ફાર્મિંગ ક્રમશ: બંધ કરવાને બદલે એક ઝાટકે બંધ કરવામાં આવ્યું તેને કારણે ટૂંકા ગાળા માટે અનાજનું ઉત્પાદન ઘટી ગયું હતું. તેનો લાભ ઉઠાવી વિદેશી કંપનીઓએ બૂમરાણ મચાવી હતી અને સરકારની ઓર્ગેનિક ફાર્મિંગની નીતિ પર દોષનો ટોપલો ઢોળી દીધો હતો. સરકાર પણ પ્રજાને પોતાની વાત સમજાવી શકી નહોતી.  હવે શ્રીલંકામાં તોફાનો કરાવી વિદેશી મહાસત્તાઓ તેને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડની લોન લેવા મજબૂર કરવા માગે છે. જો તેમ થશે તો શ્રીલંકાની સ્વતંત્રતા ગિરવે મૂકવાની ફરજ પડશે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top