Columns

રાજાના ગુરુ

એક દિવસ રાજાએ વિચાર કર્યો કે, ‘મારે કોઈ સૌથી જ્ઞાની ગુરુના શિષ્ય બનવું છે અને તેમણે મંત્રીઓને બોલાવીને કહ્યું ‘મારા માટે સૌથી સારા ગુરુને શોધો.જે ગુરુનો આશ્રમ સૌથી મોટો હોય.સૌથી સુંદર અને સૌથી મોટો આશ્રમ જેનો હશે તે ગુરુનો હું શિષ્ય બનીશ.’ નગરભરમાં રાજાની આ ઈચ્છાનો ઢંઢેરો પીટવામાં આવ્યો અને વાત થોડા દિવસમાં દૂર દૂર સુધી ફેલાઈ ગઈ.અનેક ગુરુઓ આવવા લાગ્યા અને પોતાના આશ્રમની સુંદરતાના વખાણ કરવા લાગ્યા.

ઘણા તો પોતાના આશ્રમનો નકશો લઈને આવ્યા હતા.ઘણા ગુરુઓ પોતાના આશ્રમની તસ્વીરો લઈને આવ્યા હતા અને બધા પોતાનો આશ્રમ સૌથી સુંદર છે સૌથી મોટો છે તેવો દાવો કરી રહ્યા હતા.રાજાએ બધા મંત્રીઓને બધા આશ્રમની મુલાકાત લેવાનું કહ્યું અને બધા ગુરુઓને મહેલમાં મહેમાન બની રહેવા માટે આમંત્રણ આપ્યું. થોડા દિવસમાં મંત્રીઓ બધા આશ્રમની મુલાકાત લઈને આવી પહોંચ્યા અને બધા આશ્રમ એક એકથી ચઢિયાતા હતા એટલે કોઈ નિર્ણય લઇ શકાયો નહિ.રાજાએ નક્કી કર્યું હું બધા આશ્રમની મુલાકાત લઈને નક્કી કરીશ અને રાજાનો કાફલો નીકળ્યો એક પછી એક આશ્રમની મુલાકાતે.

રસ્તામાં રાજાનો કાફલો એક જંગલમાંથી પસાર થતો હતો ત્યારે રાજાના કાને એક ભજન પડ્યું.એક તેજસ્વી ફકીરબાબા આ ભજન ગાઈ રહ્યા હતા.રાજા આપોઆપ તે અવાજ પાછળ ખેંચાયા અને ફકીર બાબા પાસે પહોંચી ગયા.તેઓ એક ઝાડ નીચે બેસી પોતાની મસ્તીમાં ભજન ગઈ રહ્યા હતા.રાજાએ ફકીરને પ્રણામ કર્યા અને તરત પૂછ્યું, ‘બાબા, તમારો આશ્રમ કયાં છે મારે તે જોવો છે.’ ફકીરબાબા હસ્યા અને બોલ્યા, ‘મારો આશ્રમ.અરે, મારો કોઈ આશ્રમ નથી. આ આખું વિશ્વ મારું છે. આકાશની છત અને ધરતીનું બિછાનું છે.આ આખો સંસાર મારો છે. તેમાં વસતા દરેક જીવ પર મને પ્રેમ છે.’

ફકીરબાબાની આ વાત સાંભળી રાજાએ એક નિર્ણય કર્યો અને તેમનાં ચરણોમાં પડી ગયો અને તેમને વિનવણી કરી કે મને તમારો શિષ્ય બનાવો.રાજાની ગુરુની શોધ પૂરી થઇ.ફકીરબાબાએ રાજાનો શિષ્ય તરીકે સ્વીકાર કર્યો અને કહ્યું, ‘શિષ્ય આજે તારો પહેલો સબક છે કે કોઈ પણ વસ્તુ જે સીમામાં બંધાય છે તેનો વિકાસ અટકી જાય છે.આશ્રમ હોય કે ધર્મ હોય કે કોઇ પણ વ્યક્તિ જે કંઈ પણ કોઈ સીમામાં બંધાઈ જાય છે ત્યારે તેના વિચારો, તેનો દ્રષ્ટિકોણ એક સીમામાં બંધાઈ જાય છે.તારે સૌથી પહેલાં એ જાણી લેવું જરૂરી છે કે જો જ્ઞાન, બુદ્ધિ કે વિચારોની જો એક સીમા નક્કી થઇ જાય તો આગળ પ્રગતિ થતી નથી.કયારેય જ્ઞાન અને બુદ્ધિની સીમા સીમિત ન રાખવી.તેમાં અસીમતા જરૂરી છે.હંમેશા વિચારોને કોઈપણ બંધનરહિત ઊંચા અને સાફ રાખવા સીમિત નહિ.’ રાજાએ પોતાના ગુરુજી પાસે શિષ્ય તરીકે પહેલો સબક શીખ્યો.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top