સ્વચ્છતા મુદ્દે પાલિકાનું કડક વલણ, સંચાલકને ₹15 હજારનો દંડ
ડભોઈ : શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે અને જાહેર આરોગ્યને નુકસાન ન થાય તે હેતુસર ડભોઈ નગરપાલિકા દ્વારા સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તેમ છતાં કેટલાક વેપારીઓ અને નાગરિકો પાલિકાની સૂચનાઓની અવગણના કરી જાહેર સ્થળોએ ગંદકી ફેલાવતા હોવાના બનાવો સામે આવી રહ્યા છે.

નગરપાલિકા પ્રમુખ બિરેન શાહે સ્વચ્છતા મુદ્દે કડક વલણ દાખવતાં ગત રાત્રિના સમયે જાતે હાજર રહી શિનોર રોડ પર યુનિટી હોસ્પિટલ નજીક કચરો ઠાલવતા દર્શન હોટલના કર્મચારીઓને રંગેહાથ ઝડપ્યા હતા. તપાસમાં ખુલાસો થયો કે ફરતીકૂઈ વિસ્તારમાં આવેલી દર્શન હોટલના કર્મચારીઓ કચરો એકત્ર કરી છેક શિનોર ચોકડી પાસે આવેલા રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ફેંકી રહ્યા હતા, જેના કારણે જાહેરમાં ગંદકી ફેલાઈ રહી હતી.

નગરપાલિકા દ્વારા શહેરના રહેણાંક તથા બિન-રહેણાંક વિસ્તારોમાં દુકાનો, કેબીન અને લારીઓમાંથી નીકળતા કચરાને જાહેરમાં ફેંકવા સામે અગાઉથી જ ચેતવણી આપવામાં આવી હતી. તેમ છતાં નિયમોનું ઉલ્લંઘન થતાં નગરપાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી હતી.
આ કૃત્ય બદલ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર હીનાબેન રાઠવા, ભાવિશાબેન, મહેશભાઈ વસાવા તથા સ્ટાફની હાજરીમાં હોટેલ દર્શનના સંચાલક હસન અબ્બાસ ઇસ્માઇલભાઈ ભુરણીયા સામે ગુજરાત મ્યુનિસિપાલિટીઝ એક્ટ, 1963ની કલમ 183, 192, 193 અને 195 હેઠળ કાર્યવાહી કરી ₹15,000નો દંડ વસૂલવામાં આવ્યો હતો.
નગરપાલિકા તંત્રએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે ભવિષ્યમાં આ પ્રકારની ગંદકી કે નિયમભંગ ચાલુ રહેશે તો વધુ કડક કાયદેસર પગલાં લેવામાં આવશે. પાલિકાની આ કાર્યવાહીથી જાહેરમાં ગંદકી ફેલાવતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
ઉલ્લેખનીય છે કે દર્શન હોટલ અગાઉ પણ નિયમોના ભંગ બદલ વિવાદમાં આવી ચૂકી છે અને એક વખત હોટલ સીલ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. તેમ છતાં સંચાલકો દ્વારા મનમાની યથાવત રાખતાં ફરી એકવાર કાર્યવાહીનો સામનો કરવો પડ્યો છે.
રિપોર્ટર: દીપક જોશી