Columns

વો પૂછતા થા મેરી આંખ ભીગને કા સબબ મુઝે બહાના બનાના ભી તો નહીં આયા – વસીમ બરેલવી

એ પૂછતા હતા મારી આંખ ભીંજાવાનું કારણ, મને બહાનું બનાવવું પણ નહીં આવડયું. આંખ ભીંજાવાનું કારણ એ પૂછતા રહયા, પરંતુ કોઈ બહાનું પણ બનાવી નહીં શકાયું. કેટલીક વખત તમારી આંખો ભીંજાવાનું કારણ તમને પોતાને પણ ખબર હોતી નથી. કેટલીક વખત પ્રિયજન સામે આંખો ભીંજાય જાય પરંતુ રુદનનું કારણ(સબબ) કહી શકાતું નથી. અહીં સુધી કે કોઈ બહાનું કાઢીને એ વાતને ટાળી પણ શકાતી નથી. આંખમાં ઝળઝળિયાં આવે ત્યારે તેના અનેક કારણો હોય છે. જોકે કોઈ સ્વજનની સામે આંખો ભીંજાય જાય તો ત્યારે કયા કારણથી આંખમાં આંસુ આવ્યું તે કહી શકાય નહીં. જીવનમાં અનેક વખત આંખો ભીંજાતી હોય છે.

કેટલીક વખત આંખથી ટપકતાં આંસુને જોઈને લોકો તમે દુઃખી છો તેવો કયાસ કાઢતા હોય છે. પરંતુ કેટલીક વખત એવું પણ રુદન હોય છે કે જેના આંસુ આંખથી બહાર દેખાતા નથી, પરંતુ આંખની અંદર દર્દનો દરિયો છલકાતો હોય છે. રુદનને હ્રદય સાથે સીધો સંબંધ છે. હ્રદયમાં દર્દ થાય એટલે આંખોમાં આંસુ છલકે. લાગણી હોય કે પછી સંવેદના હોય માણસને દર્દથી થોડી રાહત આપવા માટે રુદન જરૂરી છે. તમે રડી લો તો હ્રદય હળવું થઈ જાય. પરંતુ દરેક વખતે રડી પણ શકાતું નથી.

ઘણી વખતે તમારા આંસુઓ માટે પ્રિયજન કે કોઈ સ્વજન કારણ પૂછે ત્યારે તેનો કોઈ ઉત્તર તમારી પાસે હોતો નથી. તમે ગમે તેટલા સંવદનશીલ હોવ તો પણ ઘણી વખત આંખના આંસુને પણ રોકવા પડે છે. ઘણી વખત આંસુ રોકો તો પણ આપમેળે વહેતા રહે. હ્રદયની પીડા આંસુ થઈને આંખથી ટપકતી હોય છે. પરંતુ કેટલીક વખત આંસુ માટે કોઈ કારણ આપી શકાતા નથી. આવી વખત કોઈ બહાનું આગળ ધરી દેવાનું પણ બધાને આવડતું નથી. આંખના આંસુ તમારા હ્રદયમાં પીડા હોવાની ગવાહી આપે છે. બધા આંસુનો હિસાબ આપી શકાતો નથી. બધા આંસુના કારણ પણ કહી શકાતા નથી.

Most Popular

To Top