Columns

મતલબથી બધાંને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે!

ય શ્રીકૃષ્ણ બહેન! કેમ છો?’ ઘરમાં આવતાવેંત રસિકભાઈએ વંદનાબહેનનું અભિવાદન કર્યું. વંદનાબહેન ખુશ થઈ ગયા. NRI છે છતાં અહીંના સંસ્કાર કેવા જાળવી રાખ્યા છે. ‘પધારો પધારો…કેમ છો? જેટલોગ હજી ચાલે છે કે પછી અહીંના વાતાવરણમાં ગોઠવાઈ ગયા?’ ‘બહેન….ભારત આવીએ એટલે તો જાણે ઘર મળ્યું હોય એવું લાગે! સગાં-વહાલાં બસ બધાં મળે એટલે પછી ગોઠવાઈ જ જવાય ને!’ રસિકભાઈ સોફા પર ગોઠવાઈને ઘરનું નિરીક્ષણ કરવા લાગ્યા. મોટો ડ્રોઈંગરૂમ અને કિચન પ્લસ ડાઇનિંગ સ્પેસ. મકાનની પાછળના ભાગમાં મોટો વરંડો અને વરંડામાં હીંચકો. ‘વાહ….વાહ…તમારું ઘર બહુ સુંદર છે.’ રસિકભાઈએ વખાણ કર્યા એટલે વંદનાબહેન પોરસાઈ ગયા. કોઈ NRI આપણા ભારતીય ઘરના વખાણ કરે એનો મતલબ ઘર ખરેખર સુંદર છે.

‘અમારે તો તમારે અમેરિકામાં હોય તેવા મોટા મકાન ક્યાંથી હોય? બસ આ તો મારી બેન્કની જોબ એટલે લોન લઈ અંકિતા નાની હતી ત્યારે જ મકાન બનાવી લીધું હતું. જેથી દીકરીને સરખું ભણાવી શકાય અને હોંશથી લગ્ન કરી શકાય.’ ‘સાવ સાચી વાત છે. અંકિતા ક્યાં છે?’ રસિકભાઈએ મુદ્દાની વાત કરી.  ‘હમણાં આવતી જ હશે. એ આમ તો છ વાગે છૂટી જાય છે પણ આજે મોડું થયું લાગે છે!’ હજુ તો વંદનાબહેન બોલી રહ્યાં ત્યાં અંકિતાનું સ્કૂટર ઘરના પાર્કિગ પ્લોટમાં આવી પહોંચ્યું. ‘લો મારી દીકરી આવી ગઈ!’ વંદનાબહેન બોલી પડ્યા. ઘઉંવર્ણો વાન, સુરેખ નાકનકશો અને આકર્ષક હેરસ્ટાઈલ. છોકરી ખરેખર સુંદર છે! જો મોહક હા પાડી દે તો આવી સંસ્કારી છોકરી અમેરિકામાં ક્યાં મળવાની? અંકિતા ઘરમાં આવી એ સાથે જ રસિકભાઈને પગે લાગી. ‘સુખી થાવ બેટા!’

પછી તો રસિકભાઈ ખાલી અંકિતાને જોવા જ આવ્યા હતા તે રાતે વંદનાબહેનના હાથની સ્પેશ્યલ કચોરી દાળઢોકળી ખાઈને ગયા. અઠવાડિયામાં એમણે પોતાના દીકરા મોહક ને અંકિતા સાથે બે-ચાર વીડિયો કોલ કરાવી દીધા એટલે અંકિતા અને મોહક એકબીજાને જીવનસાથી બનાવવા માટે સહમત થઈ ગયા. વંદનાબહેનના કહેવાથી ગોર મહારાજને બોલાવીને ઓફિશ્યલી મોહક સાથે અંકિતાનું વેવિશાળ થઈ ગયું. રસિકભાઈ તે પછી આખો દિવસ ગમે ત્યાં ફરે પણ સાંજે તો અચૂક અંકિતાના ઘરે જમવા આવી જાય. એમની ફરમાઈશ વંદનાબહેન હોંશે હોંશે પૂરી કરે. એકની એક દીકરીને અમેરિકાના ફલોરિડા રાજ્યમાં 6 બેડરૂમનો બંગલો ધરાવતાં વેવાઈ કોને ન ગમે?

એટલે તો એક દિવસ પૂરણપોળી તો બીજે દિવસે લાડવા તો ત્રીજે દિવસે ભજિયા. આમ મહિનો જોતજોતામાં વીતી ગયો. રસિકભાઈને પાછા અમેરિકા જવાનો સમય થઈ ગયો. જતાં પહેલાં એ બન્ને મા-દીકરીને મળવા આવ્યા. મિઠાઈનું બોક્સ તથા રોકડા હજાર રૂપિયા અંકિતાના હાથમાં આપ્યા, ‘બેટા! ડિસેમ્બરમાં અમે બધાં આવીશું. ધામધૂમથી લગ્ન કરીશું. તમે બધી તૈયારી કરી રાખજો પણ પૈસાની ચિંતા ન કરશો. બધો ખર્ચ હું આપીશ !’ વંદનાબહેન તો આટલાા સાલસ સ્વભાવના વેવાઈ મળવાથી ખુશખુશાલ હતાં.

  ‘ના..ના…મારે એકને એક દીકરી છે..આપણે ખર્ચો અડધો અડધો વહેંચી લઈશું.’ વદંનાબહેને આગ્રહ રાખ્યો.  ‘મમ્મી, એ બધું આપણે પછી નક્કી કરીશું તું અત્યારે અંકલને જવા દે…નહીં તો એમની ફલાઇટ મિસ થઈ જશે!’ અંકિતાએ વેવાઈ અને વેવાણ વચ્ચે ચાલતી દલીલબાજી અટકાવી દીધી. કોણ જાણે પણ એને લાગતું હતું કે આ સંબંધમાં કશુંક ખૂટે છે. રોજ એ મોહક સાથે વીડિયો કોલ પર વાત કરતી હતી પણ સતત કશુંક ખૂટે છે તેવી ફિલિંગ થતી હતી. એથી જે રીતે વંદનાબહેન હરખપદુડાં થઈને બધે અંકિતાની સગાઈના સમાચાર આપતાં રહેતાં હતાં તે અંકિતાને બહુ પસંદ ન હતું પણ શરૂઆતના હિચકિચાટ પછી રસિકભાઈએ અમેરિકા જતાં સમયે જે લાગણી એના માટે દેખાડી તેથી અંકિતાના મનનું સમાધાન થઈ ગયું હતું.

રસિકભાઈ અમેરિકા પહોંચે બે દિવસ થયા છતાં એમના તરફથી કોઈ ફોન આવ્યો નહીં. બીજી બાજુ મોહકે પણ અંકિતાને કહી દીધું હતું કે અબ્રોડ કંપનીના કામે જાય છે એટલે ટ્રાવેલિંગ તથા સમયના ફેરફારના કારણે બે-ત્રણ દિવસ વાત નહીં થાય પણ નેટવર્ક મળશે ત્યારે મેસેજ કરતો રહેશે પણ ન તો બે દિવસથી મોહકનો કોઈ મેસેજ હતો, ન તો અમેરિકા પહોંચ્યા પછી રસકિભાઈનો કોઈ ફોન આવ્યો હતો. વંદનાબહેનને ચિંતા થઈ કે બાપ-દીકરાનો કોન્ટેક્ટ કેમ થતો નથી ? એટલે એમણે અંકિતાને કહ્યું; ‘જરા રસિકભાઈને ફોન કરીને પૂછી લે કે એ સુખરૂપ પહોંચી ગયા છે કે નહીં?’

‘મમ્મી, મારી પાસે તો રસિકઅંકલનો ઈન્ડિયાનો જ નંબર છે, અમેરિકાનો નથી !’ મા-દીકરીને એ યાદ જ આવ્યું ન હતું કે એમણે રસિકભાઈ પાસેથી એમનો અમેરિકાનો નંબર માંગ્યો ન હતો. અંકિતાને એવી જરૂર લાગી ન હતી તેમ જ એવું યાદ આવ્યું ન હતું.   ‘તારી પાસે મોહકનો નંબર તો છે ને! એને ફોન કરી જો!’ અંકિતાએ મોહકના નંબર પર બહુ ટ્રાય કરી પણ નંબર લાગતો જ ન હતો. વ્હોટસએપ પર એણે મેસેજ કર્યો તો ખ્યાલ આવ્યો કે મોહકે એને બ્લોક કરી દીધી છે. હવે આ લોકોનો કોન્ટેક્ટ કેમ કરવો? અઠવાડિયા સુધી મા-દીકરીએ રાહ જોઈ પણ રસિકભાઈ કે મોહક બન્નેમાંથી કોઈનો સંપર્ક થઈ શકયો નહીં. એમની પાસે એમના ફલોરિડામાં આવેલા ટેમ્પા શહેરનું એડ્રેસ હતું. ત્યાં અંકિતાએ લેટર લખ્યા પણ કોઈ જવાબ ન આવ્યો.

વંદનાબહેનને આઘાત લાગ્યો. એમને સમજાયું નહીં કે રસિકભાઈએ આવું કેમ કર્યું? ન તો કોઈ પૈસાની લેવડદેવડ થઈ હતી. ન તો કોઈએ કોઈના દબાણથી સગાઈ કરી હતી. બન્ને પક્ષ રાજીખુશીથી આ સંબંધ માટે સહમત થયા હતા. અગર એમને ત્યાં જઈને આ સંબંધ મંજ્રર ન હતો તો કમસેકમ કહેવું જોઈએ કે અમારે સગાઈ ફોક કરવી છે પણ આમ કોઈ કારણ કહ્યા વિના કોન્ટેક્ટ ન કરવો તે કેવું?  મા-દીકરીએ મહિનો રાહ જોઈ. આખરે એમણે સગાં-વહાલાંને જણાવી દીધું કે અંકિતાની સગાઈ ફોક કરી છે. લોકોએ કારણ પૂછયું ત્યારે વંદનાબહેન શું કહે?  માણસ ગુનો કરે તો સજા મળે પણ આવી વાંકગુના વગરની સજા મળે એને નસીબ કહેવા સિવાય શું કહેવું? પહેલા પ્રેમની ઉષ્મા અને ઉમંગ દિલમાંથી ડીલિટ કરવા સહેલું કામ નથી. અંકિતાએ મોહિતનો નંબર મોબાઈલમાંથી ડીલિટ કરી દીધો.
(શીર્ષક પંક્તિ: કૈલાસ પંડિત)

Most Popular

To Top