SURAT

કોઇપણ રેલી-સરઘસ વગર લોકસભાના ભાજપના ઉમેદવાર મુકેશ દલાલે ઉમેદવારી નોંધાવી દીધી

સુરત: (Surat) લોકસભા સંસદીય મત વિસ્તારના ભાજપના (BJP) ઉમેદવાર મુકેશ દલાલે આજે કોઇપણ પ્રકારનું સરઘસ કાઢ્યા વગર, વાહન રેલી યોજ્યા વગર કે નાનકડી સભા સંબોધ્યા વગર જ સ્થાનિક નેતાઓને સાથે રાખીને સુરત જિલ્લા કલેક્ટર સમક્ષ ઉમેદવારી નોંધાવી દીધી હતી. ભાજપાના કાર્યકરોને સોશ્યલ મિડીયામાં ફોટા જોયા બાદ ખબર પડી હતી કે ભાજપના ઉમેદવાર મુકેશભાઇ દલાલે ઉમેદવારી નોંધાવી દીધી છે.

  • કોઇપણ સરઘસ-સભા વગર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલે ઉમેદવારી નોંધાવી દીધી
  • ભાજપના કાર્યકરોને સોશિયલ મીડિયામાં ફોટા જોઇને ખબર પડી કે ઉમેદવારી નોંધાવાય ગઇ

આજે બપોરે વિજય મુહુર્તમાં સુરત જિલ્લા કલેક્ટર પહોંચેલા ભાજપાના ઉમેદવાર મુકેશ દલાલની સાથે સુરત શહેર ભાજપાના પ્રમુખ નિરંજનભાઇ ઝાંઝમેરા, રાજ્ય સરકારના નાણાં મંત્રી કનુભાઇ દેસાઇ, રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલ, સુરતના વર્તમાન સાંસદ દર્શના જરદોષ, મેયર દક્ષેશ માવાણી, ધારાસભ્ય કાંતિ બલર, ધારાસભ્ય વિનુ મોરડિયા વગેરે તેમની સાથે ઉમેદવારીપત્ર ભરવા માટે પહોંચ્યા હતા. ભાજપામાં એવી પરંપરા રહી છે કે લોકસભાની ચૂંટણી હોય, ગુજરાત વિધાનસભાની ચૂંટણી હોય કે પછી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણી હોય, ભાજપાના ઉમેદવારો વાજતેગાજતે ઉમેદવારી પત્ર ભરવા પહોંચે છે અને ઉમેદવારીપત્ર ભરવા જતી વખતે એક વિશાળ વાહનરેલી યોજવામાં આવે છે. ડીજે મ્યુઝિક તેમજ ઝાકમઝોળ સાથે રેલી આકારે જે તે રિટર્નિંગ ઓફિસર સમક્ષ ભાજપાના ઉમેદવારો ચૂંટણી ફોર્મ ભરતા હોય છે. એ જ પરંપરા અનુસાર સુરતના ભાજપાના કાર્યકરો આ પ્રસંગની રાહ જોતા હતા અને આજે બપોરે જ્યારે સોશિયલ મીડિયામાં મુકેશ દલાલે ઉમેદવારી પત્ર ભરી દીધું છે તેવા ફોટા ફરતા થતાં ભાજપાના કાર્યકરોમાં આશ્ચર્ય જરૂર ફેલાયું હતું.

સુરતમાં 5 ઉમેદવારીપત્રો ભરાયા, 89 કોરા ઉમેદવારીપત્રો ઉપડી ગયા
સુરત-૨૪ લોકસભા સંસદીય બેઠકની ચૂંટણી માટે ફોર્મ વિતરણ શરૂ છે, ત્યારથી આજે તા.૧૬મીએ ૨૬ ફોર્મ વિતરણ કરાયા છે. જે પૈકી ૨-૨ ફોર્મ સાથે મુકેશકુમાર દલાલ તેમજ જનકકુમાર કાછડિયાએ ભારતીય જનતા પાર્ટી તરફથી અને ૧ ફોર્મ સાથે અબ્દુલ હમીદ ખાને સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી તરફથી ઉમેદવારી નોંધાવી હતી નોંધનીય છે કે, અત્યાર સુધી કુલ ૮૯ ફોર્મનું વિતરણ થયું છે એમ સુરત જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા જણાવાયું છે.

Most Popular

To Top