Dakshin Gujarat

પત્નીથી એવો તો શું ડર લાગ્યો કે પતિએ સાળાને માર મારી અપહરણ કર્યુ

ઝઘડિયા: (Jhagadiya) ઝઘડિયાના પીપદરા ગામમાં છૂટાછેડાના (Divorce) ભણકારા આવતાં બનેવીએ ટાટા સુમો ગાડીમાં અન્ય 6 ઈસમ સાથે ઘસી આવી સાળાને માર મારી અપહરણ (Kidnapping) કર્યુ હતું. આ મામલો પોલીસે ગણતરીના દિવસમાં ઉકેલી કાઢી મુખ્ય સૂત્રધારને દબોચી લીધો હતો.

  • ઝઘડિયાના પીપદરામાં પતિને છૂટાછેડાનો ભય લાગતાં સાળાને માર મારી અપહરણ કર્યુ
  • પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા
  • પતિ સાથે અણબનાવ થતાં પત્ની પાંચ દિવસ પહેલાં તે પિયરમાં આવી ગઈ હતી

ઝઘડિયાના પીપદરા ગામના સંજાલી ફળિયામાં રહેતા ભીખા ગોપાલ ભાટિયાની પુત્રી વૈશાલીનાં લગ્ન નેત્રંગના કોયલી માંડવી ગામના હાર્દિક શૈલેશ વસાવા સાથે થયાં હતાં. જેને તેના પતિ સાથે અણબનાવ થતાં પાંચ દિવસ પહેલાં તે પિયરમાં આવી ગઈ હતી. દરમિયાન ગત તા.૧૫મી મેના રોજ ભીખાભાઈ ભાટિયા અને તેનાં પત્ની, પુત્ર સુનીલ તેમજ પુત્રી વૈશાલી ડભોઈ ખાતે પુત્રીના છૂટાછેડા લેવાના હોવાથી વકીલને મળવા ગયાં હતાં. એ વેળા તેઓના સંબંધીને ત્યાં રોકાયા હતા.

ત્યારે ગતરોજ જમાઈ હાર્દિક શૈલેશભાઈ વસાવા અને અન્ય બે મહિલા સહિત છ લોકો લાકડાના સપાટા સાથે ટાટા સુમોમાં સવાર થઇ પીપોદરા ગામે આવ્યા હતા અને ભીખાભાઈના ઘરમાં ઘૂસી જઈ અંદર સૂતેલા તેઓના પુત્ર મિતેશભાઈને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી બળજબરીપૂર્વક અપહરણ કરી જતા રહ્યા હતા. જમાઈ દ્વારા પુત્રના અપહરણ અંગે પિતાએ રાજપારડી પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અપહરણ અંગેની ફરિયાદ નોંધી ગણતરીના કલાકોમાં અપહરણ થયેલ યુવાનને મુક્ત કરાવી મુખ્ય આરોપી સહિત ચાર ઇસમને ઝડપી પાડ્યા હતા. જ્યારે અન્ય બેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

વાવ પાસે આગળના વાહનમાંથી પ્લાસ્ટિકનો કેરબો પડતાં કાર પલટી, દંપતીને ઇજા
કામરેજ: અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે નં.48 ઉપર કામરેજના વાવ ગામની હદમાં શુક્રવારે સવારે કાર નં.(જીજે 06 એચએસ 3263) લઈ જઈ રહેલા દંપતીની કારની આગળ ચાલતા વાહનમાંથી બોનેટ પર પ્લાસ્ટિકનો કેરબા પડતાં કારચાલકે કાબૂ ગુમાવતાં કાર રોડની સાઈડમાં પલટી મારી ગઈ હતી. આ ઘટનામાં રાહદારીઓ મદદે દોડી આવતાં કારમાં સવાર દંપતીન કારમાંથી કાઢી 108 સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જો કે, દંપતીને સામાન્ય ઇજા થઈ હતી.

Most Popular

To Top