Business

સરકારને અને કોર્ટોને ધાર્મિક બાબતોમાં હસ્તક્ષેપ કરવાનો અધિકાર કોણે આપ્યો?

દેશમાં હિન્દુ ધર્મસ્થાનો સરકારી નિયંત્રણમાંથી કેમ મુક્ત થઈ નથી શકતાં એ વિશે અનેક વખત અનેક સ્તરે ચર્ચા થતી રહી છે. રાજકીય ઈચ્છાશક્તિના અભાવે અને ક્યારેક અદાલતી ચુકાદાને કારણે મંદિરો અને ધાર્મિક પરંપરાઓ ઉપર કુઠારાઘાત થાય છે. કેરળમાં સબરીમાલા મંદિર, તમિલનાડુની થિરુપરમકુંદરમ પહાડી ઉપર વર્ષમાં એક વખત યોજાતી  દીપમ પ્રાગટ્યની પરંપરા, તમિળનાડમાં જલિકટ્ટુ, મહારાષ્ટ્રમાં દહીં હાંડી, ગુજરાતમાં નવરાત્રિ, પશ્ચિમ બંગાળમાં દુર્ગાપૂજા જેવાં ઉદાહરણો દેશનાં દરેક રાજ્યમાં છે, જ્યાં ૭૫ વર્ષથી હિન્દુઓ મોકળા મને પોતાની ધાર્મિક પરંપરાઓ, ઉત્સવો ઉજવી શકતાં નથી. વિદ્વાન વકીલો વર્ષોથી આ બધા સામે અદાલતોમાં લડત આપી રહ્યા છે, તેમ છતાં મંદિરોની અને હિન્દુ ધાર્મિક પરંપરાઓને મુક્તિ મળી શકતી નથી. સબરીમાલા કેસમાં સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદાથી સદીઓ જૂની હિન્દુ પરંપરા જોખમમાં છે ત્યારે હવે તેની સામે થયેલી રિવ્યૂ પિટિશનની સુનાવણી સાત એપ્રિલથી શરૂ થઈ છે.

આ બાબતમાં વિદ્વાન જૈનાચાર્ય યુગભૂષણસૂરીશ્વરજી દ્વારા વ્યક્ત કરવામાં આવેલા અને અહીં રજૂ કરવામાં આવેલા વિચારો ખૂબ સમયોચિત છે. હાલમાં સબરીમાલાની જે રિવ્યૂ પિટીશન ચાલી રહી છે, તેમાં  ગચ્છાધિપતિશ્રી યુગભૂષણસૂરીશ્વરજીના માર્ગદર્શન હેઠળ ગીતાર્થ ગંગા અને જ્યોત જેવી સંસ્થાઓ પણ પક્ષકાર તરીકે જોડાઈ છે. સબરીમાલાના કેસમાં મૂળ મુદ્દો આ મંદિરમાં હાલ માત્ર ચોક્કસ વયની મહિલાઓ પ્રવેશ કરી શકે કે કેમ, તે બાબત પૂરતો મર્યાદિત લાગે છે, પરંતુ અદાલત દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નો કલમ ૨૫ અને ૨૬ હેઠળ ધાર્મિક સ્વતંત્રતાનો વ્યાપ્ત શું છે? આવશ્યક ધાર્મિક પ્રથા શું છે? શું અદાલતો શ્રદ્ધાનો વિષયવસ્તુ નક્કી કરી શકે છે? વ્યક્તિગત અધિકારો તથા ધાર્મિક સંપ્રદાયોની સ્વાયત્તતા વચ્ચેનો સંબંધ શું છે? આ પ્રશ્નો અત્યંત મહત્ત્વના છે, પરંતુ તેમાં એક એવો મૂળભૂત પ્રશ્ન સંકળાયેલો છે જે ક્યારેય પૂછવામાં આવ્યો નથી. એ પ્રશ્ન છે, સરકારે સૌ પ્રથમ ધર્મોની આંતરિક બાબતો પર નિયંત્રણ કરવાની સત્તા ક્યારે પ્રાપ્ત કરી?

આ માત્ર વાતો નથી, પણ એક બંધારણીય પ્રશ્ન છે. રાજ્ય દ્વારા ઉપયોગમાં લેવાતી દરેક સત્તાનું ઉદ્ભવસ્થાન કોઈ કાયદેસરના સ્રોતો, સંમતિ, હસ્તાંતરણ, પ્રતિનિયોજન અથવા બંધારણીય અનુમતિમાં મળવું જોઈએ. રાજ્ય કર ઉઘરાવે છે, કારણ કે બંધારણ કર લાદવાની સત્તા આપે છે. તે કાયદા ઘડે છે, કારણ કે કાયદાકીય સત્તા તેને સોંપવામાં આવી છે. પરંતુ જ્યારે મંદિરો પર સમિતિઓની નિમણૂક કરવાની, ધાર્મિક ભંડોળનું સંચાલન કરવાની, ન્યાયિક બેન્ચ દ્વારા શ્રદ્ધાના વિષયમાં શું “આવશ્યક” છે તે નક્કી કરવાની અને આધ્યાત્મિક પ્રથાઓ પર નિર્ણય આપવાની વાત આવે ત્યારે તેનો સ્રોત ક્યાં છે? આનો જવાબ હોવો જોઈએ, પણ તે ક્યાંય નથી.

ભારત દેશ સ્વતંત્ર થયો ત્યારે સત્તાનું હસ્તાંતરણ એ એક દસ્તાવેજી કાયદેસરની ઘટના હતી. ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ, ૧૯૪૭ દ્વારા એ સ્પષ્ટ કર્યું હતું કે શું ટ્રાન્સફર કરવામાં આવી રહ્યું છે. તેની કલમ ૬(૧) માં જાહેર કર્યું હતું કે દરેક નવી ધારાસભા પાસે તેના અધિકારક્ષેત્ર માટે કાયદા બનાવવાની સંપૂર્ણ સત્તા હશે. જાણીતા બંધારણીય વિદ્વાન એચ.એમ. સીરવાઈએ તેમના લખાણમાં સ્પષ્ટ કર્યું હતું કે બંધારણ સભાની સત્તા ગૌણ હતી. તે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટમાંથી આવી હતી. કોઈ પણ ગૌણ સત્તા તેના મૂળ સ્રોત કરતાં આગળ વધી શકે નહીં.

આ મુદ્દો ધાર્મિક બાબતનો છે, જેનો નિર્ણય બંધારણ સભાને સોંપવામાં આવ્યો ન હતો. બ્રિટિશ તાજે ક્યારેય હિન્દુ ધર્મ, જૈન ધર્મ, શીખ ધર્મ, બૌદ્ધ ધર્મ કે ઇસ્લામ પર આધ્યાત્મિક અધિકારક્ષેત્રનો દાવો કર્યો નહોતો. તેઓ તેવો દાવો કરી પણ ન શક્યા હોત, કારણ કે આ ભારતીય પરંપરાઓએ ક્યારેય બ્રિટિશ તાજનો આધ્યાત્મિક સત્તા તરીકે સ્વીકાર કર્યો ન હતો અને બ્રિટિશ તાજે પણ ક્યારેય પોતાને સત્તા તરીકે સ્થાપિત કર્યો ન હતો. આમ, જો બ્રિટિશરો પાસે ક્યારેય આ સત્તા હતી જ નહીં અને જો બંધારણ સભાની સત્તા બ્રિટિશ હસ્તાંતરણમાંથી ઊતરી આવી હતી, તો ધર્મ પર રાજ્યનું અધિકારક્ષેત્ર ક્યાંથી આવ્યું? આ અંગે કોઈ ચર્ચા થઈ નહોતી. તેને મૌન રીતે, હસ્તાંતરણના કોઈ પણ ઓળખી શકાય તેવાં સાધન ચિહ્નિત કર્યા વિના માની લેવામાં આવ્યું હતું.

ભારત એક એવો દેશ છે જેની રાજકીય પૃષ્ઠભૂમિ રજવાડાં દ્વારા તૈયાર થઈ હતી. દેશ ક્યારેક અનેક રજવાડાંના શાસન હેઠળ વિભાજિત હતો, તો ક્યારેક નંદ વંશથી લઈને ચંદ્રગુપ્ત અને અશોક હેઠળના મૌર્ય વંશ સુધીના એક શક્તિશાળી સામ્રાજ્ય હેઠળ એકીકૃત હતો. તેમ છતાં ભૌતિક સત્તાના આ તમામ ફેરફારો વચ્ચે ભારતીય ધર્મો સભ્યતાની સાચી અને અખંડ પરંપરા તરીકે ટકી રહ્યા હતા. ધર્મો અનૌપચારિક નહોતા. તે કામચલાઉ નહોતા. તે સ્વતંત્ર દાર્શનિક પાયા પર આધારિત, સંરચિત, સરહદ વિનાના, નિયમોથી બંધાયેલા અને સ્વસંચાલિત હતા.

પુરીના જગન્નાથ મંદિરને તત્કાલીન ઓડિશાના રાજ્યપાલના અધ્યક્ષપદ હેઠળની શ્રી જગન્નાથ મંદિર વહીવટ સુધારણા સમિતિ દ્વારા “એક મોટા રાજ્યની અંદરનું એક નાનું રાજ્ય” તરીકે વર્ણવવામાં આવ્યું હતું. આઠમી સદીમાં સ્થપાયેલા શંકરાચાર્ય મઠોએ બારસો વર્ષો સુધી અખંડ પરંપરા જાળવી રાખી છે, જે દરેક આ ભારતીય ઉપખંડના એક મુખ્ય પ્રવાહનું સંચાલન કરે છે. ઉડુપીના અષ્ટ મઠો સાત સદીથી દર બે વર્ષે શ્રીકૃષ્ણ મઠના વહીવટમાં ફેરબદલ કરે છે, જેમાં કોઈ પણ IAS અધિકારી દેખાતા નથી. શીખ તખ્તો તેમના જાથેદારો દ્વારા સ્વ-શાસિત રહે છે.

પાલીતાણા અને પારસનાથની જૈન પવિત્ર ટેકરીઓ મહાન સુધર્મા સ્વામીના અનુગામી વંશાવળી સાથે આધ્યાત્મિક શાસન હેઠળ સંચાલિત છે. તિરુવનંતપુરમનું પદ્મનાભ સ્વામી મંદિર રાજવી પરિવાર દ્વારા દેવતા વતી સેવક અને રક્ષક તરીકે સંચાલિત હતું. બૌદ્ધ સંઘ તેના વિનય કોડ હેઠળ કાર્યરત હતો. આમાંની દરેક સંસ્થા એક સ્વસંચાલિત, સ્વ-ટકાઉ વ્યવસ્થા હતી અને છે, જે કોઈ ભૌતિક સ્રોતમાંથી નહીં પણ શાસ્ત્રોક્ત આદેશ, આધ્યાત્મિક ઉત્તરાધિકાર અને લાખો લોકોની સ્વૈચ્છિક નિષ્ઠામાંથી અધિકાર મેળવે છે. પ્રશ્ન એ નથી કે તેઓએ સારું શાસન કર્યું કે નહીં. પ્રશ્ન એ છે કે શું આ સંસ્થાઓમાંથી રાજ્યને ક્યારેય કોઈ સત્તા હસ્તાંતરિત કરવામાં આવી હતી?

કોઈ પણ લોકશાહી રાષ્ટ્ર કેથોલિક શાસનનું પુનર્ગઠન કરવાનો, કેથોલિક કેનન કાયદાને ફરીથી લખવાનો અથવા ચર્ચની મિલકતોનું સંચાલન કરવા માટે અમલદારોની નિમણૂક કરવાનો અધિકાર ધરાવતું નથી. વેટિકનની સંસ્થાકીય સ્વાયત્તતા વૈશ્વિક સ્તરે માન્ય છે. એટલા માટે નહીં કે કેથોલિક ધર્મ અન્ય ધર્મો કરતાં વધુ કાયદેસર છે, પરંતુ એટલા માટે કે એક સ્પષ્ટ સિદ્ધાંતનો આદર કરવામાં આવી રહ્યો છે કે ધર્મનું આંતરિક શાસન એ રાજ્યનું ક્ષેત્ર નથી.

મોટા ભાગના ભારતીય ધર્મો વેટિકન કરતાં સદીઓ જૂના છે. તેમની શાસ્ત્રીય સંહિતાઓ યુરોપિયન બંધારણીય વિચારધારા કરતાં લગભગ બે હજાર વર્ષ જૂની છે. તો પ્રશ્ન એ છે કે, શા માટે એક વિદેશી ધર્મ પર લાગુ કરવામાં આવેલી સંસ્થાકીય ધાર્મિક સ્વાયત્તતાને કેમ વાજબી ગણાવવામાં આવે છે અને અન્ય ભારતીય ધર્મોની બાબતમાં તે ધાર્મિક સ્વાયત્તતા કેમ અદૃશ્ય થઈ જાય છે? થોડા નજીકના ભૂતકાળની વાત કરીએ તો ૧૨૧૫માં મેગ્ના કાર્ટાની પ્રથમ કલમમાં જ જાહેર કરવામાં આવ્યું હતું કે અંગ્રેજી ચર્ચ સ્વતંત્ર રહેશે અને તેના અધિકારો અકબંધ રહેશે.

જ્યાં બ્રિટિશ તાજ ઔપચારિક રીતે ચર્ચ ઓફ ઈંગ્લેન્ડના સર્વોચ્ચ ગવર્નર છે અને ૨૬ બિશપ્સ હાઉસ ઓફ લોર્ડ્સમાં બેસે છે, ત્યાં પણ સરકાર ચર્ચોનું નિયમન કરતી નથી. ભારતની સંસદમાં ધાર્મિક પ્રતિનિધિત્વ શૂન્ય છે. ભારતની સંસદમાં એક પણ આચાર્ય, એક પણ જાથેદાર બેસતા નથી. તેમ છતાં રાજ્ય મંદિરોની માલિકી ધરાવે છે, તેનો વહીવટ કરે છે અને ધાર્મિક પ્રથાઓ પર નિર્ણય આપે છે. મધ્યકાલીન ઈંગ્લેન્ડે આઠ સદી પહેલાં તેના ધર્મ માટે જે માન્યતા આપી હતી, તે આધુનિક લોકશાહી ભારતે તેના પોતાના ધર્મો માટે માન્ય રાખી નથી. આ જ સામ્રાજ્યવાદી અવશેષ છે.

આજે આપણે સાર્વભૌમત્વની કટોકટીના યુગમાં જીવી રહ્યા છીએ. મોટાં કોર્પોરેશનો સરહદો પાર કાર્ય કરે છે તેમ ટેક્સ સાર્વભૌમત્વ અદૃશ્ય થઈ રહ્યું છે. આધ્યાત્મિક સાર્વભૌમત્વ માટે બરાબર તેનાથી ઊલટી સ્થિતિ છે. અહીં, રાજ્ય પાસે ક્યારેય સત્તા હતી જ નહીં અને છતાં તેણે તે સત્તા મૌન રીતે  કોઈ પણ ટ્રાન્સફરના દસ્તાવેજ વગર પડાવી લીધી છે.  ભારતના રાષ્ટ્રીય આર્કાઈવ્ઝની ફાઈલ નંબર ૫૦/VII/૩૩-Poll માં એક એવો દસ્તાવેજ છે, જે બંધારણીય સમન્સ જેવો લાગે છે, જેની બજવણી તો થઈ છે, પણ ક્યારેય જવાબ આપવામાં આવ્યો નથી.

પુષ્પગિરિ પીઠમના જગદ્ગુરુ શ્રી શંકરાચાર્યે એક એવી દલીલ રજૂ કરી હતી જેને કોઈ પણ ભારતીય ન્યાયશાસ્ત્રીએ ક્યારેય નકારી નથી. તેમણે કહ્યું હતું કે ભારતીય ધારાગૃહ પ્રાચીન ધર્મોને લગતી બાબતો પર કાયદો ઘડવા માટે અસમર્થ છે, કારણ કે તેના સભ્યો કેવળ બિનસાંપ્રદાયિક લાયકાતના આધારે ચૂંટાય છે અને કોઈ પણ માન્ય ધાર્મિક સંસ્થા દ્વારા કોઈ સભ્યને નામાંકિત કરવામાં આવ્યા નથી. કોઈ પણ ધાર્મિક વડાએ આ ચૂંટાયેલા સભ્યોને નામાંકિત કર્યા નથી. કોઈ પણ સંપ્રદાયે તેની આધ્યાત્મિક સત્તા હસ્તાંતરિત કરી નથી તેમ છતાં ધારાગૃહ અને અદાલતો એવાં શાસ્ત્રો પર સત્તાનો ઉપયોગ કરે છે, જેનો તેમણે ક્યારેય અભ્યાસ પણ કર્યો નથી.

આ સપ્તાહે નવ ન્યાયાધીશોની બેન્ચ આગળ સુનાવણી કરશે ત્યારે તેની સમક્ષ જે પ્રશ્નો છે તે નિર્વિવાદ રીતે મહત્ત્વના છે પરંતુ તે બધા પ્રશ્નોમાં એક એવી પૂર્વધારણા નિહિત છે, જે ક્યારેય સ્થાપિત થઈ નથી અને તે એ છે કે ‘‘રાજ્ય ધાર્મિક બાબતો પર અધિકારક્ષેત્ર ધરાવે છે.’’ અમને હસ્તાંતરણનો દસ્તાવેજ બતાવો. જ્યાં સુધી તે બતાવવામાં ન આવે ત્યાં સુધી, રાજ્ય દ્વારા નિયુક્ત કરવામાં આવેલી દરેક મંદિર સમિતિ, દરેક અમલદાર, દરેક અદાલત, જે શ્રદ્ધા માટે શું “આવશ્યક” છે તે નક્કી કરે છે, એ બધા વાસ્તવમાં એવા અધિકારક્ષેત્રનો ઉપયોગ કરે છે, જે તેમને ક્યારેય સોંપવામાં આવ્યું જ નહોતું.

એક વાર ભારત આ સામ્રાજ્યવાદી ગૂંચવણમાંથી મુક્ત થશે અને રાજ્ય આધ્યાત્મિક બાબતોમાં દખલ કરવાનું બંધ કરશે ત્યારે ભારતની આધ્યાત્મિક શક્તિ ખીલી ઊઠશે. ભારતના ધર્મો તેના પ્રજાસત્તાક કરતાં હજારો વર્ષ જૂના છે. આધ્યાત્મિક સાર્વભૌમ ભૌતિક સાર્વભૌમ પાસે એવી કોઈ બાબતની માંગણી નથી કરી રહ્યા, જે છીનવી લેવામાં આવી હતી. તેઓ એવી બાબતની માન્યતા માંગી રહ્યા છે, જે તેમને ક્યારેય સોંપવામાં આવી ન હતી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top