Charchapatra

વાસ્તવિક અને બનેલ બનાવની હકીકત અલગ જ જોવા મળે ત્યારે?

કુદરતને જયારે વિશ્વની રચના કરવાનો વિચાર આવ્યો હશે ત્યારે, ખ્યાલ નહીં હોય કે માણસ કુદરતને પણ બનાવવામાં કસર છોડશે નહીં. આજે વાત કરવી છે માનવીનાં કૃત્યોની, જે પોતાની અસલિયત છુપાવવા કેવા, કેવા કારસા રચે છે, મગજને વ્યાયામ આપે તેની કલ્પના પણ કોઈ ના કરી શકે, કુદરતને બનાવી શકાય પણ કાયદાના સકંજામાંથી ન છૂટી શકાય. ફિલ્મનો ડાયલોગ છે “કાનૂન કે હાથ બહુ લંબે હોતે હે “એ યુક્તિ પ્રમાણે પોલીસ ખાતા તરફથી અમુક ગુનામાં અસરકારક ફરજ બજાવવામાં આવે છે તે માટે જરૂર પ્રશંસા કરવી પડે, જયારે અમુક ગુનામાં તો એવાં લોકોને જેલમાં નાખવામાં આવેલા છે કે તેઓના કોઈ જામીન ન થવાના કારણે છૂટી નથી શકતા.

તાજેતરમાં માનનીય રાષ્ટ્રપતિ એ દેશના ન્યાયાધીશોની હાજરીમાં આ અંગેની લાગણીસભર ટકોર કરી હતી કે આવા કેદીઓ બાબતે ઝડપથી નિર્ણય લેવાવો જોઇએ. આવી ટકોર બદલ તેઓ ખરેખર અભિનંદનના અધિકારી કહેવાય કે ગરીબો પ્રત્યે હમદર્દી રાખે. આમ પોલીસની કામગીરી સિક્કાની બે બાજુ જેવી છે, પણ કોઈ પણ ક્ષેત્રમાં ધૈર્યવાન, દયાવાન, ધનવાન,નિષ્ઠાવાન, કર્મનિષ્ઠ, મૂલ્યનિષ્ઠ, લોકોનું ભલું ઇચ્છનારા, ગરીબોને ન્યાય અપાવનારા હોય જ છે, તેમ છતાં “અંધા કાનૂન “ફિલ્મનું ગીત “યે અંધા કાનૂન હે “જરૂર યાદ આવે અને એટલા માટે જ ન્યાયની અદાલતમાં ન્યાયની દેવીના આંખે પાટા બાંધેલા હોય છે. મૂળ વાત ઉપર આવીએ, તાજેતરમાં એક કિસ્સો ધ્યાને આવ્યો, નોઇડામાં આર, ટી, આઈ એકવીસ્ટ ચંદ્રમોહન શર્મા કારમાં જતો હતો ત્યારે કોઈએ એની હત્યા કરીને એને કાર સાથે સળગાવી દીધેલો.

પત્નીએ પોલીસને પાંચ નામો આપીને ફરિયાદ દાખલ કરી. આ લોકોએ તેણીના પતિની હત્યા કરી, ઘટનાના મૂળ સુધી જઈ પોલીસે શોધી કાઢ્યું કે પોતે પ્રેમિકા સાથે રહેવા માટે, ચંદ્રમોહન શર્મા એ એક સરખા કદના કાથીના માણસને શોધીને હત્યા કરી લાશને સળગાવી દીધેલી. આ ગુનામાં કારાવાસની સજા થયેલી. કોઈ પણ બાબત પ્રથમ દૃષ્ટિએ સાચી જ એવું માની લેવાને કારણ ન હોવું જોઇએ, જો કે અપવાદ હોય. ઉક્ત ઘટના પરથી સાબિત થાય કે દરેક ક્ષેત્રમાં વાસ્તવિક હકીકત વિપરીત જ હોય છે, બોલવું અને કરવું કંઈ અલગ, પરંતુ બંધારણે  બક્ષેલા કાનૂનના હાથને કોઈ પહોંચી ના શકે.
સુરત     – ચંદ્રકાન્ત રાણા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top