Charchapatra

ફોબિયા

આ દુનિયામાં ઘણાં લોકો જાતભાતની  માનસિક બીમારીઓમાં મેનિયા, લઘુતા અને / અથવા ગુરુતાગ્રંથિ તેમજ અસલામતી અનુભવવાનાં કારણોસર  તથા ફોબિયા વિગેરેથી પીડિત રહેલાં છે. ખાસ કરીને આવી વ્યાધિ ઉપાધિ યા એક પ્રકારના ગાંડપણની અસરો વધુ પડતા સુશિક્ષિત વર્ગોમાં તેમજ વધુ ભણેલા ( પરંતુ ગણેલા નહિ ! ) એવા વર્ગોમાં વ્યાપકપણે જોવા મળશે. પેશ અને પ્રસ્તુત છે હાલમાં ફોબિયા..!   આ બધી ઘટના છે ખરા-ખોટા ભયની. મનોવિજ્ઞાનની ભાષામાં એને ફોબિયા કહે છે. જીવનમાં કોઈ એકાદ ઘટના એવી બની જાય છે જે મનના કોઈ ખૂણે અડ્ડો જમાવીને કાયમ બેસી જાય. ફોબિયાથી પીડિત વ્યક્તિ સજીવ કે નિર્જીવ કોઈ પણ ખાસ વસ્તુને જોઈને ભયની તીવ્ર લાગણી અનુભવે છે અને એ તેના માનસપટ પર ઊંડી છાપ છોડી જાય છે. ઘણી વાર આવા ભય સાથે એ વસ્તુ પ્રત્યે ઘૃણા-સૂગ છૂપાયેલી હોય છે. જેમ કે વાંદો, ગરોળી, ગાય, કરોળિયો, ઉંદર વગેરે વગેરે.જે વસ્તુનો ફોબિયા હોય એને જોઈને જ વ્યક્તિના મનમાં અજ્ઞાત ભય પેદા થાય છે. પરિણામે તે કંપવા લાગે છે, જાત પરનું નિયંત્રણ ગુમાવી બેસે છે અને ચીસ પાડી ઊઠે છે. ક્યારેક તે બેભાન બની જાય છે, ક્યારેક બેબાકળી બની જઈને ધ્રૂજવા લાગે છે કે જડ થઈ જાય છે.  ! ફોબિયા અંગેનાં  અપલક્ષણો  અસર પામેલા ભોગગ્રસ્ત,પીડિત વ્યક્તિના હાવભાવ, બોડી લેંગ્વેજ, વર્તન, વર્તણૂક વિગેરે પરથી, સહેલાઈથી  જોઈ શકાય છે !
સુરત     – સુનીલ રાજેન્દ્ર બર્મન – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

પ્રેમાકર્ષણ
પ્રિયપાત્રની જાહેરમાં હત્યાના અધમ બનાવ  બને ત્યારે સ્વાભાવિકપણે પ્રશ્નો ઉપસ્થિત થાય કે, હ્રદયની લાગણીનું શું? આવો બદલાવ શા માટે? કારણ કયું? પ્રેમ ક્યાં ગયો? વગેરે વગેરે. એક કારણ તો નાની ઉંમરે થતો પ્રેમ. બીજું, મોટું કારણ- પ્રેમ અને આકર્ષણ એ એક નહિ પણ અલગ બાબત છે. તે જાણકારીનો સદંતર અભાવ. પ્રથમ એક વાત સારી રીતે જાણી લેવાની જરૂર છે કે પ્રેમ અને આકર્ષણ વચ્ચે જે ભેદરેખા છે તે ન જાણો અને કહો કે, “હું પ્રેમમાં છું”-એ સૌથી મોટી ભૂલ છે. પ્રિયપાત્ર સાથે ખરેખર લાગણી છે કે માત્ર આકર્ષણ તેની પરખ ધરાવનારને સંસ્કારિત, આત્મિક પ્રેમ મળે છે. જો માત્ર આકર્ષણ હોય તો સંબંધમાં તરત ભરતી- ઓટ આવી જાય છે. યુવાવસ્થામાં શારીરિક આકર્ષણને પ્રેમનું નામ આપવું એ સંબંધનું અપમાન છે. પવિત્ર પ્રેમની પરખ આપતું ખામોશી ફિલ્મનું કવિ ગુલઝારનું ગીત આ બાબતે સ્પષ્ટ નિર્દેશ આપે છે. ‘‘પ્યાર કો પ્યાર હી રહને દો, કોઈ નામ ન દો, હાથ સે છૂ કે ઉસે રિશ્તો કા ઈલઝામ ન દો.’’
નવસારી – કિશોર આર. ટંડેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top