Charchapatra

આપણું શું જાય છે?!

વ્યાજખોરના ત્રાસથી વધુ એક વ્યક્તિ આપઘાત કરે અને શહેરમાં કોઈનું રુવાડું નહીં ફરકે ત્યારે એમાં માનવું પડે કે આપણું સુરત ફાફડા સાથે કે ખમણ સાથે અપાતા મરચા ખાઈને જિંદગીની મીઠાશ ગુમાવી બેઠું છે. કોઈપણ વ્યક્તિએ વ્યાજખોર પાસેથી પૈસા શું કામ લેવા જોઈએ !? એવો પ્રશ્ન કરવાનો સહેલો છે પણ જિંદગીની વાસ્તવિકતા સમજવાની અધરી છે. વિચાર તો કરો. રોજ કોઈને કોઈ વસ્તુ કે સેવામાં ભાવ વધે અને હવે તે તો સમાચાર પણ બનતું નથી. સર્વિસ ટેક્સ દાખલ થયેલો ત્યારે એમ કહેવાતું હતું કે માત્ર બાર સર્વિસ પર 8% ટેક્સ છે એ લોકોને શું ભારી પડવાનું?! આજે પરિસ્થિતિ શું છે?! જીએસટી નામનો રાક્ષસ રોજ પડે ને નવો શિકાર શોધે અને જેને ગરદનથી પકડે એને ચૂસવાના નવા નવા માર્ગ શોધે?!

લોકોની આવકમાં વધારો થવાના માર્ગો મર્યાદિત થાય અને ખર્ચમાં માર્ગો અમર્યાદિત થાય ત્યારે ખાસ કરીને પ્રમાણિકતાથી કમાઈને ખાતા લોકોને વિચાર આવે કે આપણી માસિક આવક જેટલો ખર્ચ હતો શાસક પક્ષની કોઈ મિટિંગમાં થઈ જાય છે! અને વિચાર તો કરો એક તરફ મેડીક્લેમ નકારવાનું વલણ જોર પકડતું જાય મોંઘી સારવાર કરાવવાને બદલે લોકો મરવાનું વધુ પસંદ કરે એવી પરિસ્થિતિ થાય, હોસ્પિટલ કે દવાખાનાની એક મુલાકાતમાં બે પાંચ હજાર રૂપિયા વપરાઈ જાય ત્યારે મહિને 15,000 પણ માંડ કમાતો હોય તેવો માણસ ઘર ખર્ચ ચલાવવા માટે વ્યાજખોરને શરણે જાય તે સ્વાભાવિક છે. પ્રમાણિક માણસને વાજબી કારણસર થોડાક પૈસા પણ જોઈતા હોય તો જેટલું ધિરાણ જોઈએ એટલો વહીવટી ખર્ચ કરવાને મજબૂર બને અને આજના વ્યાજખોરો ભૂતકાળના એક નાટક ધ મર્ચન્ટ ઓફ વેનીસના વ્યાજખોર શાઈલોકને ઉદાર કહેવડાવે ત્યારે મધ્યમ વર્ગે શું કરવું?!
સુરત     – સુનીલ રાજેન્દ્ર બર્મન – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top