Charchapatra

ગલુડિયાની અઠવાડિયામાં આંખ ખુલે,  પણ આ લોકોની આઠ વર્ષે ય નથી ખુલતી

તા. ૯/૮/૨૨ ના રોજ જીએસટીના દર કોણ નક્કી કરે છે? મથાળા હેઠળ ચર્ચાપત્ર પ્રગટ થયું છે. ચર્ચાપત્રનો સૂર છે કે, જે જીએસટીના દર વધે છે એ રાજ્ય સરકારો વધારે છે, એમાં કેન્દ્રમાં બેઠેલી મોદી સરકારનો કોઈ વાંક નથી. ટૂંકમાં મોદી સરકારનો આંધળો બચાવ કર્યો છે.  દેશમાં અત્યારે જેટલાં રાજ્યો છે, એમાંથી ચાર કે પાંચને બાદ કરતાં બધાં જ રાજ્યોમાં ભાજપ અર્થાત્ મોદી સરકારનું શાસન પ્રવર્તે છે. હવે જો, રાજ્ય સરકારો જીએસટીના દર વધારતી હોય તો એનો સીધો અર્થ એવો જ થાય ને કે એમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મોદી સરકાર જ જવાબદાર ગણાય.  યુ. પી. એ. સરકાર જ્યારે જીએસટી લાવવા માંગતી હતી ત્યારે આ જ ભાજપ સરકારે યુપીએ સરકારનો આ નિર્ણયનો ઘોર વિરોધ કરીને માથે માછલાં ધોયાં હતાં, હવે જ્યારે ભાજપ સરકાર સત્તામાં આવી ત્યારે આ બધું જ દેશહિતમાં પરિવર્તિત થઈ ગયું. શું દોંગાઈ છે!

દરરોજ જીએસટીને લઈને નવા નવા ફતવા બહાર પડતાં રહે છે. પહેલાં દર વર્ષે બજેટ બહાર પડતું હતું. હવે તો જાણે દરરોજ બજેટ બહાર પડતું હોય એવું પ્રજાને પ્રતીત થઈ રહ્યું છે. ગરીબો માટે કામ કરતી મોદી સરકારના તાઈફા વચ્ચે ( કયા ઉદ્યોગપતિઓ માટે કામ કરી રહી છે, એ હવે પ્રજા સારી રીતે જાણી ગઈ છે.) હમણાં દહીં, દૂધ, લોટ ઈત્યાદિ જીવનજરૂરિયાતની વસ્તુઓમાં 25 કિલોથી નીચેના પેકિંગ પર પાંચ ટકા જીએસટી લગાડ્યો છે અને 25 કિલોથી ઉપરના પેકિંગ ને જીએસટીથી મુક્ત રાખ્યું છે.

બોલો! છે ને ગરીબો માટે કામ કરતી સરકાર!  વસ્તુ પર લાગેલો ટેક્સ હટાવી લેવામાં આવે તો વસ્તુ સસ્તી થાય કે મોંઘી? 2014 પછી આ દેશમાં એક પ્રજાતિ ઊભી થઈ છે કે, જે મોદી સરકારના દેખીતા ખોટા નિર્ણયોનો પણ બચાવ કરવા મેદાનમાં કૂદી પડે છે. કાલે ઊઠીને મોદી સરકાર દેશ વેચી કાઢે તો એ આ પ્રજાતિ બચાવ કરતાં એમ કહેશે કે, એ તો દેશહિતમાં હતું એટલે આવું પગલું ભર્યું.
સુરત     – પ્રેમ સુમેસરા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top