Columns

કેવું જીવન જીવવું છે?

બે બાળપણના મિત્રો હતા, મોટા થતાં તેમની જીવનકરણી અને કામકાજ જુદા હતા. એક મિત્ર સરળ અને શાંત હતો અને જીવનમાં પોતાના નાનકડા કુટુંબ સાથે એકદમ સાદગીથી રહેતો હતો, તે મિત્ર નીડરતાથી પોતાના વિચારો રજૂ કરતો અને સમાજ સુધારક તરીકે સારી સમાજસેવા કરતો હતો. તેની રહેણી કરણી અને આહાર વિહારમાં બધે જ સાદાઈ આંખે ઉડીને વળગતી હતી. સાદા સુતરાઉ કપડા, એકદમ સાદું સાત્વિક ભોજન, અને ખાસ ખાસિયત મોઢા પર એકદમ ખુશી… બીજો મિત્ર ચતુર અને ખુશામતખોર હતો તે નગરના રાજાનો ખાસ નજીકનો માણસ ગણાતો હતો.

તેણે રાજાની ખૂબ ખૂબ ખોટી પ્રશંસા કરી તેમના માનીતા વ્યક્તિઓમાં સ્થાન મેળવી લીધું હતું અને એટલે રાજાની ભરપૂર કૃપા તેની પર વરસતી હતી. રાજાના ચાર હાથ હતા એટલે તે ખૂબ જ ભવ્ય આરામદાયક જીવન જીવતો હતો. મોટી હવેલીમાં રહેતો, રેશમી વસ્ત્ર અને મોતીની માળા પહેરતો, અને રોજ રોજ ભાત ભાતના મિષ્ઠાન જમતો, અને આ જીવનધોરણ જાળવી રાખવા તે સતત રાજાની ખુશામત કરતો રહેતો.

એક દિવસ બને મિત્રો રસ્તામાં મળી ગયા, સરળ મિત્રએ ધનાઢ્ય મિત્રને પોતાના ઘરે આવવા આમંત્રણ આપ્યું અને ખૂબ જ પ્રેમથી જમવાનું પીરસ્યું જમવામાં સાદો ખોરાક હતો રોટલા, શાક, ખીચડી અને છાશ. ધનિક મિત્રે પરને હસતું મોઢું રાખી સાદું ભોજન કર્યું અને સાથે સાથે પોતાની મહત્તા વધારવા મિત્રને પોતાના ઘરે જમવા આવવાનું નિમંત્રણ આપ્યું. મિત્ર ઘરે આવ્યો તો બત્રીસ પકવાન પીરસ્યા અને સાથે સાથે જ સલાહ આપતા કહ્યું, ‘દોસ્ત, સરળતા અને સાદગીના સિધ્ધાંત થોડા છોડ…સમાજસેવા મૂકી ને રાજાની સેવા કર, રાજાને ખુશ કર તો તું પણ રોજ બત્રીસ પકવાન ખાઈ શકીશ અને હવેલીમાં મ્હાલીશ.’

સરળ મિત્રએ હસતા હસતા કહ્યું, ‘દોસ્ત, આ તો પસંદગીનો વિષય છે તે જીવનમાં રાજાની ગુલામી અને ખોટી ખુશામતની છીછરી રીતભાતથી ભરેલું જીવન પસંદ કર્યું છે. જો તું સાદા સરળ જીવનને અને સાત્વિક ખોરાકને પસંદ કરી લઈશ તો રાજાની સતત ખુશામત કરવામાંથી મુક્ત થઈ જઈશ. મને મારું મુક્ત ખુમારી ભર્યું સાદગીભર્યું જીવન પસંદ છે.’ ધનિક મિત્ર આ જવાબ સાંભળી ચુપ થઈ ગયો. જીવન કેવું જીવવું છે અને કેવું બનાવવું છે તે આપણી પસંદગી પર આધાર રાખે છે માટે હંમેશા જાગૃત રહી સાચી પસંદગી કરવી જરૂરી છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top