Comments

ગુજરાતની ચૂંટણીમાં ગુજરાતીઓનું પ્રભુત્વ કેટલું?

બે ગુજરાતીઓ દેશની ધુરા સંભાળે છે એવા આનંદમાં રહેતાં ગુજરાતનાં લોકોએ કદી શાંતિથી વિચાર્યું છે કે ગુજરાતના રાજકારણમાં ગુજરાતીઓનું પ્રભુત્વ કેટલું? આમ તો કોઈને પણ પ્રથમ દૃષ્ટિએ આ મુદ્દો નક્કામો કે હાસ્યાસ્પદ લાગે, કારણ કે રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યની પ્રજાનું જ પ્રભુત્વ હોય ને? મહારાષ્ટ્ર હોય તો મહારાષ્ટ્રિયન, આંધ્રપ્રદેશ હોય તો ત્યાનાં લોકો જ રાજ્ય વિધાનસભાના રાજકારણ, ચૂંટણી અને પરિણામ પર કાબૂ ધરાવતા હોય! અને તે જ રીતે ગુજરાતની ચૂંટણીમાં ગુજરાતીઓ! અગત્યના હોય! – જો આ તર્ક આપણે માનીએ છીએ તો જરા વિચારીએ કે ગુજરાતમાં હાલમાં જે ત્રણ મુખ્ય પાર્ટીઓ ચૂંટણી લડે છે તેમાં નિર્ણય કરનારા કોણ છે? ભારતીય જનતા પાર્ટીના પ્રચારની કમાન તો વડાપ્રધાનશ્રીએ જ સંભાળી છે અને ભાજપનું સૌથી જમા પાસું વડાપ્રધાનશ્રી જ છે કે જે ગુજરાતી જ છે.

પણ ટેકનીકલી તેઓ ગુજરાતની લોકસભા સીટના પ્રતિનિધિ નથી. વારાણસી લોકસભા સિટના પ્રતિનિધિ છે. અમિત શાહનો ગુજરાત ચૂંટણી પર મોટો કાબૂ છે. પણ ગુજરાત ભાજપના પ્રમુખ શ્રી ચંન્દ્રકાંતભાઈ પાટીલ છે. જેમની કર્મભૂમિ ગુજરાત છે, પણ મૂળત: તે ગુજરાતી નથી. એટલે ચૂંટણીનું જમીન પર કામ કરનારી ટીમના મુખ્ય વડા ગુજરાતી નથી એમ કહી શકાય. હવે આવો કોંગ્રેસમાં, તો કોંગ્રેસની ચૂંટણી કમાન જ રાજસ્થાનના મુખ્યમંત્રીશ્રી અશોક ગહલોતના હાથમાં છે. તેમની ચૂંટણી વ્યૂહરચના અને અગ્રણી સમિતિના બિનગુજરાતીઓનો જ દબદબો છે. ટિકિટ ફાળવણીથી માંડીને ચૂંટણી વ્યૂહરચનામાં કોંગ્રેસના ગુજરાતી નેતાઓએ પણ આ આગેવાનોને જ પૂછવાનું છે!

તો ત્રીજા વિકલ્પ તરીકે પ્રચારમાં આવેલી આમ આદમી પાર્ટીના મુખિયા જ દિલ્હીથી આવે છે. ત્યાં પણ મુખ્ય નિર્ણાયક પદો પર બિનગુજરાતી છે, જેના માર્ગદર્શનમાં ગુજરાતી નેતાઓએ કામ કરવાનું છે. તો ગુજરાતની ચૂંટણી લડનારા ત્રણ પક્ષમાંથી બે સંપૂર્ણ અને ત્રીજો અશંત: બિનગુજરાતી આગેવનોના હાથમાં છે. નેતાઓ બાદ આવો લોકોમાં અને જરા વાર વિચારો કે ચૂંટણી પરિણામોને અસર કરનારું મોટું પરિબળ જો ‘‘મતદારો’’ હોય તો ગુજરતમાં બિનગુજરાતી લોકો ગુજરાતમાં કેટલાક અસરકારક? કદાચ બહુ ઓછા રાજકીય વિશ્લેષકોનું આ મુદ્દે ધ્યાન ગયું હશે કે ‘‘પાટીદાર મતોનું પ્રભુત્વ’’ ‘‘ઠાકોર મત પ્રભાવિત ક્ષેત્ર’’ વગેરે વગેરે જ્ઞાતિ આધારિત વિસ્તારોની ચર્ચા કરનારાઓએ ક્યારેક બિનગુજરાતી મતોનું ગુજરાતના રાજકારણમાં પ્રભુત્વ વિચાર્યું છે ખરું?

ગુજરાતમાં બિનગુજરાતી મતદારોનું સંભવિત પ્રમાણ દોઢથી બે કરોડ છે! જો કે આના સત્તાવાર આંકડા કે આવી ગણતરીઓ ઉપલબ્ધ નથી, પણ ગુજરાતમાં ઘરઘાટી, ડ્રાઈવર કે રસોઈ મકાનના કોન્ટ્રાક્ટમાં રાજસ્થાનથી આવેલા, રંગકામ, હોટલોમાં કામગીરી કે અન્ય સ્કિલ બેઝ કામગીરીમાં મધ્યપ્રદેશના યુવાનો. ગુજરાતનાં કારખાનાંઓમાં જાહેર બાંધકામોમાં શ્રમ, મજૂરીમાં બિહાર, ઝારખંડનાં લોકોનું પ્રમાણ વધતું જાય છે. વળી આ બધાં હવે પ્રવાસી મજૂર નથી. દસ, વીસ વર્ષથી અહીં જ રહે છે. તેમનાં બાળકો અહીં જ ભણે છે. હવે તો પહેલી પેઢી- એટલે કે 1991-92માં અહીં ભણવા લાગેલાં યુવાનો ગુજરાતમાં નોકરીઓ પણ કરવા લાગ્યા! તો પંદરથી પચાસ લાખની વસ્તીવાળા જ્ઞાતિસમૂહો પોતાનું શક્તિપ્રદર્શન બતાવે ત્યારે આ કરોડો મતનું શક્તિપ્રદર્શન ભૂલવા જેવું નથી!

રાજકીય ગણિતમાં માહેર ભારતીય જનતા પાર્ટીએ વિચાર્યા વગર જ શ્રી સી.આર.પાટીલને પ્રમુખ નથી બનાવ્યા. પક્ષપ્રમુખથી માંડીને મહોલ્લા સમિતિના આગેવાન કે પેજ પ્રમુખ સુધીની નિમણૂકમાં આ પ્રતિનિધિત્વ જળવાયું છે. રાજકીય ગણિતમાં કાચી કોંગ્રેસને આ વાત સમજતા જ વાર લાગી છે. મતદાતાઓના સ્થળાંતરની ચૂંટણી પરિણામ પર અસર થાય તેનું આંકડાશાસ્ત્રીય સંશોધન કરનારાએ ગુજરાતમાં ભાજપની જીત અને મતદાતાઓના સ્થળાંતરની વચ્ચેના સંબંધને સમજવાની જરૂર છે!

એક ઉદાહરણ સમજો. જો ચાર વિધાનસભાક્ષેત્ર છે. ચારેયમાં 100 મતદાતા છે. A અને B બે પક્ષ છે. ચૂંટણી થાય ત્યારે એક સીટ પર A ને 60 B ને 40 વોટ મળે છે. બીજી સીટ પર Aને 52 અને Bને 48 વોટ મળે છે. ત્રીજી સીટ પર Aને 55 Bને 45 વોટ મળે છે અને ચોથી સીટ પર Aને 50 Bને 40 મત મળે છે. ચૂંટણીમાં A ચારેય સીટ જીતે છે. B હારે છે. જો કે ચારેય સીટમાં મતોનું અંતર જૂદું જૂદું છે! હવે જો આકસ્મિક રીતે કે વ્યૂહરચના મુજબ Bના મતદરો સ્થળાંતર કરે છે અને જ્યાં A અને B વચ્ચે ઓછું અંતર છે ત્યાં Bના મતોનું સ્થળાંતર તફાવત કરતાં વધારે થાય તો? સીટ એકના Bના મતદાતા સીટ બે પર દસ અને ત્રણ પર દસ જાય તો પ્રથમ સીટમાં A જ જીતે પણ બીજી અને ત્રીજી સીટનું ગણિત બદલાઈ જાય!

ગુજરાતમાં 1991 પછી ખાનગીકરણ, શહેરીકરણે વેગ પકડ્યો. ગામડેથી વસ્તી સ્થળાંતરિત થઈ શહેરમાં આવી. ઉચ્ચ મધ્યમ વર્ગ શહેરમાં આવતાં જ બેઠકોનું ગણિત ભાજપ તરફી બદલાયું! આવું જ 2001 પછી નરેન્દ્ર મોદીના સમયમાં રાજ્યકક્ષાએ થયું. ગુજરાત પહેલેથી જ શાંત અને વ્યાવહારિક રાજ્ય હતું. ખાનગીકરણ સૌથી અનુકૂળ ગુજરાતને આવ્યું. ગુજરાતમાં ઔદ્યોગિક આર્થિક વિકાસથી અને વિવિધ સરકારી કોન્ટ્રાક્ટરમાં કામ માટે રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહારથી મોટા પ્રમાણમાં લોકો આવ્યાં અને સ્થાયી થયાં. અહીંની શાંતિ એમને સ્પર્શી ગઈ..!

આ સ્થળાંતરિત તમામ કારીગરો, શ્રમિકો ભાજપના મતદાતા બન્યા છે અને ઉપર જણાતું એમ છેલ્લાં વીસ વર્ષમાં ગુજરાતમાં ધંધા-રોજગાર શ્રમના કારણે આવેલાં, સ્થાયી થયેલાં બિનગુજરાતીઓ હવે, ગુજરાતનાં ચૂંટણી પરિણામો બદલી શકે તેટલી સંખ્યામાં છે!તો વાત એ છે કે ગુજરાતની ચૂંટણીમાં પાર્ટીકક્ષાએ નિર્ણાયક પદો પર બિનગુજરાતીઓ છે. બેઠકોનાં પરિણામ પર અસર પાડે એ સંખ્યામાં મતદાતા તરીકે બિનગુજરાતીઓ છે અને ગુજરાતના વહીવટમાં સર્વોચ્ચ અધિકારીઓ તો બિનગુજરાતીઓ જ છે! તો ગુજરાતની ચૂંટણીમાં ગુજરાતીઓ ક્યાં એ પ્રશ્ન થાય તો બીજાં રાજ્યોની જેમ અહીં પણ ‘‘સ્થાનિકો જ નિર્ણાયક હોય’’- એવા સાદા તારણ પર આવવું નહીં!
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top