Dakshin Gujarat

VIDEO: ઉકાઈ ડેમમાંથી આટલા લાખ ક્યૂસેક પાણી છોડાતા એક જ રાતમાં તાપીનું સ્વરૂપ બદલાયું

સુરત (Surat) : ઉકાઈ ડેમના (Ukai) ઉપરવાસમાં સતત વરસાદ વધી રહ્યો છે. આગાહી અનુસાર જોરદાર વરસાદ (Rain) વરસી રહ્યો હોય ડેમમાં પાણીની આવક પણ વધી રહી છે. ગુરૂવારે બપોરે 2 કલાકે ઉકાઈ ડેમમાં આવક તેટલી જાવકના ધોરણે પાણી છોડવાનું શરૂ કરી દેવાયું છે. ડેમમાં બપોરે 2 કલાકે ઈનફલો 1,81,576 ક્યૂસેકની સામે આઉટફલો પણ 1,81,576 ક્યૂસેક રાખવામાં આવ્યો છે. સતત પોણા બે લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવતું હોઈ સુરત જિલ્લાના 22 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાનું જોખમ ઉભું થયું છે. લોકોને તાપી કિનારે નહીં જવા તંત્ર દ્વારા સૂચના અપાઈ છે. સુરત શહેરનો વિયર કમ કોઝવે એક જ રાતમાં ઓવરફલો થયો છે. તાપી બંને કાંઠે વહેવા લાગી છે.

મહારાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે હથનુરના તમામ દરવાજા ખોલી દેવાયા
મહારાષ્ટ્રની (Maharashtra) હદમાં ઉકાઈના ઉપરવાસમાં ભારે વરસાદ હજુ પણ વરસી રહ્યો છે, જેના લીધે હથનુર ડેમમાંથી (Hathnur Dam) આજે સવારથી 2.20 લાખ ક્યૂસેક (Cusec) પાણી છોડવામાં આવી રહ્યું છે. હથનુર ડેમ હાલ ભયજનક સપાટી પર છે. ડેમના તમામ 36 દરવાજા ખોલી દેવાયા છે. મહારાષ્ટ્રના જલગાંવ, ધુલીયા, નંદુરબાર જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે.

ઉકાઈ ડેમમાંથી આવક તેટલી જાવકના ધોરણે પાણી છોડાયું
ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારેથી અતિભારે વરસાદ પડતા ડેમમાં પાણીની આવક એકાએક વધી છે, જેના પગલે રૂલ લેવલ 335 ફૂટની સપાટી જાળવવું અઘરું પડી રહ્યું છે. આથી તંત્ર દ્વારા બુધવારે સાંજથી જ ઉકાઈમાંથી મોટી માત્રામાં પાણી છોડવાનું શરૂ કરી દેવાયું છે. બુધવારે સાંજથી જ ઉકાઈ ડેમના 22 પૈકી 12 દરવાજા ખોલી નંખાયા હતા. બુધવારે સાંજે 1.50 લાખ ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું હતું તે ગુરુવારે બપોરે 2 કલાકે વધીને 1.81 લાખ ક્યૂસેક પર પહોંચ્યું છે. ગુરુવારે બપોરે 2 કલાકની સ્થિતિ અનુસાર 1.81 લાખ ક્યૂસેકના ઈનફલો સામે 1.81 લાખ ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે. મતલબ કે આવક તેટલી જાવકનો નિર્ણય તંત્ર દ્વારા લેવાયો છે. હજુ પણ ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો હોય આઉટફલો વધારીને 2.50 લાખ કરાય તેવી શક્યતા જોવાઈ રહી છે.

તાપી કિનારેના 20 ગામોને એલર્ટ કરાયા
મહારાષ્ટ્રના હથનુર અને પ્રકાશા ડેમમાંથી પાણી છોડવામાં આવતું હોઈ ઉકાઈની સપાટી જાળવવી અઘરી બની છે, તેથી ઉકાઈ ડેમમાંથી 1.81 લાખ ક્યૂસેક પાણી છોડાઈ રહ્યુંછે, તેના પગલે તાપીમાં પુષ્કળ પાણી આવ્યું છે. બે કાંઠે વહેતી તાપીના લીધે તેના કિનારાના નીચાણવાળા 20 ગામોમાં પાણી ભરાઈ જવાની દહેશત ઉભી થઈ છે, તેથી આ 20 ગામોને એલર્ટ કરી દેવાયા છે.

ભરપૂર તાપીને જોવા લોકો બ્રિજ પર ઉભા રહી ગયા
ઉકાઈમાંથી બુધવારે સાંજે 1.50 લાખ ક્યૂસેક, મધરાત્રે 1.75 લાખ ક્યૂસેક અને ગુરુવારે બપોરે 2 કલાકે 1.81 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું હોય તાપીનું (Tapi) સ્વરૂપ 24 કલાકમાં બદલાઈ ગયું છે. સુરતનો વિયર કમ કોઝવે ઓવરફલો થયો છે. બપોરે 2 કલાકે વિયર કમ કોઝવે 9.31 મીટરની સપાટી પર વહી રહ્યો છે. તાપી બે કાંઠે વહી રહી છે. બંને કિનારે બનેલા રિવરફ્રન્ટ સુધી પાણી પહોંચી ગયા છે. રિવરફ્રન્ટ પરથી પાણી વહી રહ્યું છે. નાવડી ઓવારા પર કાર પાર્ક થાય ત્યાં સુધી પાણી આવી ગયા છે. ગઈકાલે જ્યાં અડધાથી વધુ તાપીમાં કાદવ દેખાતો હતો ત્યાં આજે તાપીમાં પૂરજોશમાં પાણી વહી રહ્યું છે. ભરપૂર તાપીને જોવા લોકો વાહનો અટકાવી બ્રિજ પર થોભી જાય છે.

Most Popular

To Top