કોંગ્રેસે 14 બેઠકો જીતી મજબૂત હાજરી નોંધાવી, 2 બેઠકો અપક્ષના ખાતામાં
6 બેઠકો ભાજપ અને 2 બેઠકો કોંગ્રેસ બિનહરીફ, ચૂંટણી બાદ શહેરમાં વિજય સરઘસ અને ઉજવણી
દાહોદ, તા. 28 |
દાહોદ નગરપાલિકામાં છેલ્લા 25 વર્ષથી ભાજપનું એકતરફી શાસન રહ્યું છે. આ વખતની નગરપાલિકા ચૂંટણીમાં ભાજપે કુલ 36માંથી 20 બેઠકો જીતતા સત્તા જાળવી રાખી છે, જોકે પ્રથમ વખત કોંગ્રેસે 14 બેઠકો જીતી મજબૂત વિરોધપક્ષ તરીકે પ્રવેશ નોંધાવ્યો છે. ઉપરાંત 2 બેઠકો અપક્ષ ઉમેદવારોના ખાતામાં ગઈ છે.
ચૂંટણી પહેલાં ભાજપે અનેક નવા ચહેરાઓને તક આપતાં રાજકીય ચર્ચાઓ તેજ બની હતી. પક્ષના જુના કાર્યકરો અને નેતાઓએ પણ સંગઠનના નિર્ણયને સ્વીકારી ચૂંટણીમાં સક્રિય કામગીરી કરી હતી. બીજી તરફ કોંગ્રેસે પણ ઉમેદવારોને જીતાડવા માટે સઘન મહેનત કરતાં નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે.
આ ચૂંટણીમાં સમય મર્યાદા ઓછી હોવાને કારણે કેટલાક ઉમેદવારોને પોતાના વોર્ડમાં મતદારો સુધી પહોંચવા પૂરતો સમય મળ્યો નહોતો. તેમ છતાં પરિણામોએ શહેરનું રાજકીય ચિત્ર સ્પષ્ટ કરી દીધું છે.
ઉલ્લેખનીય છે કે 6 બેઠકો ભાજપ અને 2 બેઠકો કોંગ્રેસે બિનહરીફ મેળવી હતી. પરિણામ જાહેર થતાં વિજેતા ઉમેદવારો દ્વારા ઢોલ-નગારા સાથે વિજય સરઘસ કાઢવામાં આવ્યા હતા, જૂના નગરચોક ખાતે ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી ઉજવણી કરવામાં આવી હતી. હવે નગરપાલિકામાં મજબૂત વિરોધપક્ષ ઉભું થતાં શહેરના પ્રાથમિક પ્રશ્નોના નિરાકરણમાં ગતિ આવશે તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.
રિપોર્ટર::વિનોદ પંચાલ