National

સ્પાઇસજેટ વિમાનમાં બોડી બિલ્ડર બોબી કટારિયાએ કર્યું ધૂમ્રપાન, તપાસના આદેશ અપાયા

સ્પાઈસજેટ (Spicejet) પ્લેનમાં એક વ્યક્તિનો ધૂમ્રપાન (Smoking) કરતો વીડિયો (Video) સામે આવ્યા બાદ હડકંપ મચી ગયો છે. સ્પાઈસજેટનો ગુરુવારે જ્યારે આ ઘટનાનો વીડિયો ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવ્યો ત્યારે નાગરિક ઉડ્ડયન મંત્રી (Minister) જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે અમે તેની તપાસ કરી રહ્યા છીએ. આવા ખતરનાક વર્તન માટે કોઈ દયા રાખવામાં નહીં આવે. ધૂમ્રપાન કરવા બાબતે તપાસના આદેશ આપી દેવાયા છે. સ્પાઈસજેટ કંપનીએ જણાવ્યું છે કે આ ઘટના દુબઈ એરપોર્ટની છે. તે સમયે બોબી કટારિયા દુબઈથી દિલ્હીની ફ્લાઈટમાં હતા.

ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગુરુવારે સ્પાઈસ જેટના પ્લેનમાં બોડી બિલ્ડર બોબી કટારિયાનો ધૂમ્રપાન કરતો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ તપાસના આદેશ આપ્યા છે. વીડિયોમાં કટારિયા સ્પાઈસ જેટ પ્લેનની વચ્ચેની સીટ પર સિગારેટ સળગાવતા દેખાઈ રહ્યાં છે. જણાવી દઈએ કે બોડી બિલ્ડર કટારિયાના ઈન્સ્ટાગ્રામ પર 6.3 લાખ ફોલોઅર્સ છે. મુસાફરોને વિમાનમાં લાઈટર લઈ જવાની મંજૂરી નથી.વિમાનમાં મુસાફરોને ધૂમ્રપાન કરવાની પણ મંજૂરી નથી. ત્યારે આ વીડિયોએ સૌને વિમાનની સુરક્ષા વ્યવસ્થા બાબતે વિચારતા કરી દીધા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ધૂમ્રપાનની ઘટના સ્પાઈસ જેટની SG706 ફ્લાઈટમાં બની હતી જે દુબઈથી દિલ્હી આવી રહી હતી. ગુરુવારે જ્યારે આ ઘટનાનો વીડિયો ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવ્યો ત્યારે સિંધિયાએ કહ્યું કે અમે તેની તપાસ કરી રહ્યા છીએ. આવા ખતરનાક વર્તન માટે કોઈને છોડવામાં નહીં આવે. એવિએશન રેગ્યુલેટર ડીજીસીએના નિયમો અનુસાર જો કોઈ પેસેન્જર કોઈ નિયમનું ઉલ્લંઘન કરે છે તો કોઈપણ એરલાઈન્સને આવા પેસેન્જર સામે ચોક્કસ સમયગાળા માટે પ્રતિબંધ લગાવવાનો અધિકાર છે. જોકે સ્પાઈસજેટે કટારિયા સામે શું કાર્યવાહી કરી છે અથવા કરી રહી છે તે અંગે તેમણે કોઈ ટિપ્પણી કરી નથી.

વિદેશની જમીન પર બની આ ઘટના
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ મામલે તપાસ શરૂ કરી છે. સ્પાઈસ જેટે કહ્યું છે કે તેણે આ મામલે પોલીસને પણ ફરિયાદ કરી હતી. આવી સ્થિતિમાં મંત્રાલય સંબંધિત રાજ્યની પોલીસનો સંપર્ક કરીને તપાસની સ્થિતિ જાણવાનો પ્રયાસ કરશે. કારણ કે બોબી કટારિયાનો કેસ સીધો કાયદાનો ભંગ છે. તે કિસ્સામાં મામલો ચોક્કસપણે કોર્ટમાં જશે. જો તપાસમાં પોલીસની બેદરકારી જણાશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. ઉડ્ડયન મંત્રાલય તપાસમાં દુબઈ એરપોર્ટ ઓથોરિટીનો પણ સહયોગ માંગી શકે છે. બોબી કટારિયાએ વિદેશની ધરતી પર આ ઘટનાને અંજામ આપ્યો છે. આવી સ્થિતિમાં દુબઈનું પ્રશાસન પ્રવાસીને પોતાના દેશમાં આવવા પર પ્રતિબંધ લગાવી શકે છે.

હવાઈ મુસાફરીનું ભાડુ હવે એરલાઈન્સ કંપનીઓ નક્કી કરશે
આ તરફ એરલાઈન્સના ભાડાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી હવાઈ ભાડા માટે પ્રાઇસ બેન્ડને દૂર કરવાની એરલાઈન્સ કંપનીઓની માંગ પર સરકાર દ્વારા વિચાર કરાયો છે. કોરોના મહામારી દરમિયાન લાદવામાં આવેલા એર ફેર બેન્ડને સરકાર સંપૂર્ણપણે હટાવવા જઈ રહી છે. હવે એરલાઇન્સ ઘરેલુ હવાઈ મુસાફરીનુ ભાડું નક્કી કરવા માટે સ્વતંત્ર હશે. એટલેકે મુસાફરો પાસેથી ટિકિટના કેટલા રૂપિયા વસૂલવા તે એરલાઈન્સ નક્કી કરી શકશે. આ નવો નિયમ આગામી 31 ઓગસ્ટથી અમલમાં આવશે. આ નવા નિયમથી એરલાઈન્સની સાથે મુસાફરોને પણ રાહત મળી શકે છે. મુસાફરોને આકર્ષવા માટે એરલાઇન્સ કંપની વિમાનની ટિકિટના દરમાં ડિસ્કાઉન્ટ આપી શકે છે.

વિમાન ભાડામાં ઓછામાં ઓછું અને વધુમાં વધુ હવાઈ ​​ભાડુ વસુલવાની મર્યાદા દૂર કરવામાં આવી રહી છે. નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ આ અંગે ટ્વીટ કર્યું હતું કે હવાઈ ભાડાની મર્યાદાને દૂર કરવાનો નિર્ણય દૈનિક માંગ અને એર ટર્બાઈન ઈંધણના ભાવોનું કાળજીપૂર્વક વિશ્લેષણ કર્યા પછી લેવામાં આવ્યો છે. તેમણે આશા વ્યક્ત કર્યો કે આ પગલું સ્થાનિક ટ્રાફિકમાં વધારો કરવા માટે મહત્વનો સાબિત થશે. કારણકે કોરોના દરમિયાન ઉડ્ડયન ઉદ્યોગ ખરાબ રીતે પ્રભાવિત થયો હતો. હવે એરલાઇન્સ સ્થાનિક હવાઈ ભાડા માટે પ્રાઇસ બેન્ડને દૂર કરવાની માંગ કરી રહી છે.

Most Popular

To Top