Charchapatra

ખૂબ સુરત સૂરત

હવે સુરતની સૂરત બદલાતાં તે ખૂબસુરત બનવા જઈ રહ્યું છે. 126 હેકટરમાં સુરત મહાનગર રાજ્યનું પ્રથમ અર્બન ફોરેસ્ટ તૈયાર થઈ રહ્યું છે. પર્યાવરણની જાળવણી સાથે સાથે શહેરીજનોને હરવા ફરવા માટે એક યોગ્ય જગ્યા મળી રહે તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા રાજ્યનો પ્રથમ બાયોડાઈવર્સિટી પાર્ક સુરતમાં ખાડી કિનારે વિક્સિત થઈ રહ્યો છે. 186 હેકટરમાંથી 86 હેકટર જમીનમાં પ્લાન્ટેશન થશે. ખાડીની દુર્ગધ દૂર કરવા સુગંધિત વૃક્ષો ઉછેરાશે. ઉપરાંત, છઠ પૂજા માટે તળાવ અને બર્ડ વોચીંગ ટાવરનું સર્જન પણ છે. 90 જાતિના રોપાઓ રોપાયા છે. સાયકલ ટ્રેક પણ રાખવામાં આવ્યો છે. ઉપરાંત, ડિસ્કવરી સેન્ટર પણ બનશે.

સુરત મહાનગરનું આ અર્બન ફોરેસ્ટ ગુજરાત રાજ્યનું પ્રથમ અને સૌથી મોટું અર્બન ફોરેસ્ટ થનાર છે, જે સ્માર્ટ સિટી હેઠળ તૈયાર થનાર બાયોડાયવર્સિટી પાર્ક બનશે. પાર્કમાં 5 પીપળીનો વિસ્તારનો સમાવેશ કરાયો છે. પાર્કને લીધે શહેરમાં ગ્રીન બેલ્ટ તૈયાર થશે. કુલ “ 108 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ સાકાર થઈ રહ્યો છે. પાર્કમાં વધુને વધુ પક્ષીઓ પણ આકર્ષિત થઈને આવશે. બાળકોને રમવા માટેનાં અનેક સાધનો મૂકાશે. સાથે સાથે આર્ટિફિશિયલ ફલોટીંગ આઈસલેન્ડ ગ્રીનરી વિકાસ કરવામાં આવશે. ફરવા લાયક વિહારધામની સાથે ત્યાં પાણીનું મોટી માત્રામાં શુદ્ધિકરણ પણ કરવામાં આવશે. ખાડીની દુર્ગંધ સુગંધિત વૃક્ષો દ્વારા દૂર થશે. વરસાદી જળનો સંગ્રહ પણ થશે. પ્રતિ વર્ષ 22મી મેને ‘’આંતરરાષ્ટ્રીય બાયોડાયવર્સિટી દિવસ’’ તરીકે ઉજવવામાં આવે છે અને એ દિશામાં સુરતે પ્રસ્થાન કર્યું છે. તે ગર્વનો વિષય કહેવાય.
સુરત     – યૂસુફ એમ. ગુજરાતી        – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top