Columns

સંઘ કાંઇ બધું નથી, અદાલતના દ્વાર ખખડાવો, અપવિત્ર કામ કરનારઓને ઉઘાડો પાડો

કાશીમાં જ્ઞાનવાપી મસ્જિદમાં આંધણ મુકાઈ ગયા છે અને મથુરાની મસ્જિદમાં આંધણ મૂકવાની તૈયારી ચાલી રહી છે ત્યારે સર્વોચ્ચ અદાલતે GST વિષે જે ચુકાદો આપ્યો છે એ અત્યંત મહત્ત્વપૂર્ણ છે એટલે પહેલાં એના વિષે ચર્ચા કરવી જોઈએ. સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો છે કે રાજ્યો કરવસૂલી વિષે સ્વતંત્ર નિર્ણય લઈ શકે છે અને એમાં કેન્દ્રની મંજૂરી કે સંમતિ જરૂરી નથી. ભારત એક સંઘરાજ્ય છે અને સંઘરાજ્યનો અર્થ જ પરસ્પર સહયોગ થાય છે. રાજ્યો ભારતીય સંઘના ઘટક છે, આશ્રિત નથી.

હકીકતમાં દેશમાં આજે જે બની રહ્યું છે એ સમજવું હોય તો કમસેકમ આઠ દાયકા પાછા ફરવું જોઈએ જ્યારે નજીકના ભવિષ્યમાં દેશને આઝાદી મળશે એ સ્પષ્ટ થઈ ગયું હતું અને સ્વતંત્ર ભારતનું સ્વરૂપ કેવું હશે એ વિષે ચર્ચા શરૂ થઈ હતી એટલું જ નહીં, સ્વતંત્ર ભારતને આકાર આપવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ હતી. એ સમયે રાષ્ટ્રીય સ્વયંસેવક તેના મુખપત્રોમાં વખતોવખત તેની ભૂમિકા માંડતો હતો. એ પછી ગાંધીજીની હત્યા થઈ, સંઘ ઉપર પ્રતિબંધ આવ્યો, ચોક્કસ બાંયધરીઓ પછી એ પ્રતિબંધ ઊઠ્યો ત્યારે સંઘને લાગ્યું કે આપણો પોતાનો રાજકીય પક્ષ હોવો જોઈએ અને સંઘે ભારતીય જનસંઘની સ્થાપના કરી. એ સમયે સંઘને એમ લાગતું હતું કે હિંદુઓને હિંદુહિત શેમાં છે એ વાત શબ્દ ચોર્યા વિના ફોડ પાડીને કહેવી જોઈએ. આખરે તેમના હિતની વાત છે એટલે આજ નહીં તો કાલે તેમને એ વાત સમજાશે જ અને આપણી સાથે આવશે. આ સિવાય ભારતનાં વિભાજનનું પાપ કોંગ્રેસને માથે છે એટલે એનો પણ લાભ મળશે અને લોકો- હિંદુઓ આપણા તરફ વળશે.

માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારતીય જનસંઘ એ સમયે પોતાની વિચારધારા અને એજન્ડાને અત્યાર કરતાં પ્રમાણમાં વધારે પ્રામાણિકતાપૂર્વક વાચા આપતા હતા. નાગરિકત્વનું સ્વરૂપ, લોકતંત્ર, સંઘરાજ્ય, રાષ્ટ્રભાષા, સ્ત્રી-પુરુષ સમાનતા, ચાતુર્વર્ણ્ય, હરિજનોને ન્યાય, અનામત, સ્ત્રીઓ અને પછાત કોમોને અન્યાય કરનારા હિંદુઓના પારંપારિક રિવાજો, ઈતિહાસલેખન વગેરે બાબતે એ સમયે સંઘ અને સંઘનો પક્ષ પોતાની બાજુ રાખતા હતા. તેમને એમ હતું કે કોંગ્રેસના રાજકીય દૃષ્ટિકોણ સામેનો હિંદુ રાષ્ટ્રનો વૈકલ્પિક દૃષ્ટિકોણ પણ લોકોની નજરમાં આવશે અને ધીરેધીરે હકની રાજકીય જગ્યા બનતી જશે.

પણ એવું બન્યું નહીં. 1962માં ત્રીજી વાર કોંગ્રેસનો પ્રચંડ વિજય થયો એ પછી સંઘને એમ લાગ્યું કે આપણે આપણી વાત સ્પષ્ટપણે કહેતા રહીશું તો ગજ વાગવાનો નથી. હિંદુઓએ તો ગાંધી-નેહરુની કલ્પનાનું ભારત અપનાવી લીધું છે એટલે હવે આપણે આપણી ભાષા અને રજૂઆત બદલવાં જોઈએ. એ પછી એજન્ડા છુપાવવાનું, અનેક મોઢે બોલવાનું, ભ્રમમાં નાખવા માટે ગોળગોળ બોલવાનું, સવાયા લોકતાંત્રિક બનીને ફરવાનું, સાચા અને સવાયા સેક્યુલર હોવાનો દાવો કરવાનું, સવાયા ફેડરલિસ્ટ હોવાનો દાવો કરવાનું અને બીજા અનેક પ્રકારના સોંગ રચવાનું શરૂ થયું. ટૂંકમાં હમ ભી ડીચ કહીને અવદીચોની નાતમાં પ્રવેશવાનું શરૂ કર્યું. આ બાજુ વિરોધ પક્ષોના અવદીચો પણ એટલા જ હતાશ એટલે આવ ભાઈ હરખા આપણે બેઉ સરખા એમ કહીને તેમણે જનસંઘીઓને સાથે લેવા માંડ્યા. આ બધું પહેલાં નહોતું એવું નથી, 1962 પછી બહુ વ્યવસ્થિત રીતે એક પ્રકારની ભ્રમજાળ રચવામાં આવી.

મુંબઈમાં ‘રામભાઉ મહાલગી પ્રબોધિની’ નામની સંઘની એક સંસ્થા છે જે ડોકયુમેન્ટેશનનું કામ કરે છે. અત્યારે BJPના રાજ્યસભાના સભ્ય વિનય સહસ્ત્રબુદ્ધે તેમાં કર્તાધર્તા હતા. મેં એક વાર ત્યાં જઇને વિનય સહસ્ત્રબુદ્ધેને કહ્યું કે મારે સંઘની સ્થાપનાથી લઈને 1962 સુધીનું સંઘસાહિત્ય (પુસ્તકો નહીં ઠરાવો, વક્તવ્યો, મુખપત્રોમાં માંડેલી બાજુઓ વગેરે) જોવું છે. તેમના કાન તરત સરવા થયા. 1962 પહેલાંના જ દસ્તાવેજો શા માટે? એ પછી હું કોણ છું, શું કરું છું વગેરે તમામ પ્રકારની માહિતી માગી હતી. મેં તેમને કહ્યું હતું કે મારે અસ્સલ સંઘ અને અસ્સલ એજન્ડા સમજવો છે. તમે ઉપલબ્ધ નહીં કરો તો અલગ અલગ જગ્યાએ ભટકવું પડશે એટલું જ.

તેમણે સંઘપરિવારની પારદર્શકતા વિષે થોડું ભાષણ આપ્યું અને મને જે સાહિત્ય જોવું હતું એ જોવા આપ્યું. અસ્સલ સંઘે તેના અસ્સલ એજન્ડામાં ભારતીય સંઘરાજ્ય અથવા સમવાય ભારતને નકાર્યું છે. એક રાષ્ટ્ર એક પ્રજા, એક રાષ્ટ્ર એક ભાષા, એક રાષ્ટ્ર એક કાનૂન, એક રાષ્ટ્ર એક સત્તાકેન્દ્ર વગેરે સંઘના અસ્સલ એજન્ડાનો ભાગ છે. એક સમયે જ્યારે હિંદુઓ ‘એક રાષ્ટ્ર એક …’ની બાંગ સાંભળીને ગદગદ નહોતા થતા ત્યારે તેને છુપાવવામાં આવ્યા હતા અથવા એક વાતના અનેક અર્થ નીકળે એમ બોલવાનું શરૂ કર્યું હતું. હવે કેટલાક (10માંથી 3 કે 4) હિંદુઓ ‘એક રાષ્ટ્ર એક…ની’ બાંગ સાંભળીને ગદગદિત થઈ જાય છે ત્યારે હવે સંઘપરિવારે તેની મૂળ ભાષામાં બોલવાનું અને તેને લાગુ કરવાનું શરૂ કર્યું છે. આમાં નવું કાંઈ જ નથી, બધું જ હતું, કહેવામાં પણ આવતું હતું પણ પછીનાં વર્ષોમાં ભ્રમજાળ રચવામાં આવી હતી.

માટે મેં તાજેતરના મારા લેખોમાં અરુણ શૌરીનો હવાલો આપીને જે લેખ લખ્યા હતા તેમાં પહેલા બે લેખોમાં મેં કહ્યું હતું કે જો અરુણ શૌરી એમ કહેતા હોય કે બૌદ્ધિક પ્રમાદને કારણે તેઓ સંઘને ઓળખવામાં થાપ ખાઈ ગયા તો એ ખોટી વાત છે. બીજા લેખમાં વળી પાછો અરુણ શૌરીનો હવાલો આપીને મેં લખ્યું હતું કે જ્યારે પણ બંધારણીય ભારતને ઉગારવાનો વખત આવે ત્યારે વડી અદાલતોના અને સર્વોચ્ચ અદાલતના દરવાજા ખખડાવો. વખતે ન્યાય મળે અને ન્યાય નહીં મળે તો પણ પવિત્ર સ્થાને બેસીને અપવિત્ર કામ કરનારાઓ ઉઘાડા પડશે. બીજો ફાયદો પણ જેવો તેવો નથી.

GSTની બાબતે સર્વોચ્ચ અદાલતના દરવાજા ખખડાવવાથી ફાયદો થયો છે અને ઘણો મોટો ફાયદો થયો છે. ‘એક રાષ્ટ્ર એક કર’ના નામે ભારત નામના સંઘરાજ્યને અથવા સમવાય ભારતને દફનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે એમ સર્વોચ્ચ અદાલતે કહ્યું છે. રાજ્યો પોતાના રાજ્યમાં સ્વતંત્રપણે કરનિર્ધારણ ન કરી શકે. જો કોઈ રાજ્ય કરનિર્ધારણમાં પોતાના હિતમાં ખાસ ફેરફાર ઇચ્છતું હોય તો તે રાજ્યે માત્ર ભલામણ કરવાની અને એ ભલામણ કરવામાં પણ કમસેકમ બીજાં દસ રાજ્યોની સંમતિ લાવવી જરૂરી છે. વળી એ ભલામણ, એટલે કે 10 રાજ્યોએ મળીને કરેલી ભલામણ કેન્દ્ર સરકારે સ્વીકારવી જ પડે એવું જરૂરી નથી. આ ઉપરાંત જમા થયેલી વેરાની રકમમાંથી રાજ્યોનો હિસ્સો કેન્દ્ર આપે અને મન થાય ત્યારે આપે. આ આર્થિક વેરાકીય વ્યવસ્થા નથી પણ ફેડરલ ઇન્ડિયાને ખતમ કરવાની યોજના છે. 10 રાજ્યોએ સાથે આવવાનું એનો દેખીતો અર્થ એ કે એ રાજ્યો ગેરબીજેપી શાસનવાળા હોવાં જોઈએ અને એ પછી પણ કેન્દ્ર સરકારે એ ભલામણ સાંભળવી હોય તો સાંભળે. UPA સરકારે આકાર આપેલા GSTના મૂળ મુસદ્દામાં આવી જોગવાઈ નહોતી.

આજકાલ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીમાં ‘ડબલ એન્જિન’ની વાત અચૂક કહેવામાં આવે છે એ યાદ હશે. ડબલ એન્જિન એટલે રાજ્યમાં ભાજપની સરકાર હશે તો પહેલું એન્જિન (કેન્દ્ર સરકાર) બીજા એન્જિન (રાજ્ય સરકાર)ને ડીઝલ આપશે અને જો BJPને નહીં ચૂંટીને આપો તો વિરોધ પક્ષોની સરકારવાળા રાજ્યોની સપ્લાય લાઈન કાપી નાખવામાં આવશે.

આ સમગ્ર ભારતના સહિયારા વિકાસ માટેની આર્થિક વ્યવસ્થા નથી, પણ ફેડરલ ઇન્ડિયા ઉપર કુઠારાઘાત કરનારી વ્યવસ્થા છે એમ સર્વોચ્ચ અદાલતે કહ્યું છે માટે ઊહાપોહ કરતા રહો અને અદાલત સહિત લોકતાંત્રિક સંસ્થાઓના દરવાજા ખખડાવતા રહો.

Most Popular

To Top