Columns

‘ભારતીયોને ધર્મથી રીઝવી શકાય છે’ની માન્યતા વૈશ્વિક બની રહી છે ત્યારે મંદિર-મસ્જિદના વિવાદો કેટલા વાજબી?

નાની હતી ત્યારે મારી માને મેં ઘણી વાર એમ કહેતા સાંભળી હતી કે ‘મિયાંને મહાદેવ હંમેશાં સાથે ને સાથે હોય.’ થોડી મોટી થઇ પછી મેં એની એ કહેવત કહો તો કહેવત અને વાક્યપ્રયોગ કહો તો એમ – તેની ખરાઇ કરવાનું શરૂ કર્યું. 99 % કેસમાં એમ થતું કે દરગાહની બાજુમાં શિવની દેરી હોય અથવા તો મંદિરના પરિસરની સાવ નજીક અને ક્યારેક તો અંદર જ દરગાહ હોય અથવા મોટી મસ્જિદની આસપાસ નાની દેરી હોય વગેરે. મિયાં અને મહાદેવને એકબીજા સાથે ફાવે જ છે પણ એવા લોકો છે, જેમને આ બેયને ગોઠે છે એ માફક નથી આવતું. બનારસની જ્ઞાનવાપી મસ્જિદ આજકાલ ચર્ચામાં છે.

ચિંતાની વાત એ છે કે બાબરી ધ્વંસના ત્રણ દાયકા પછી બીજી એક મસ્જિદનું નામ વંટોળે ચઢ્યું છે. આ મુદ્દાની વાત કરવી તો જરૂરી છે જ પણ પેલું કહેવાયું છે ને કે ‘’બાત નિકલેગી તો દૂર તલક જાયેગી…’’ આપણે દૂરથી જ વાત શરૂ કરીએ. ઑસ્ટ્રેલિયાની ચૂંટણી નજીક છે. આ વંચાતું હશે ત્યારે મતદાન પૂરું થઇ ગયું હશે. પ્રચારના ભાગરૂપે ત્યાંના બે મોટા પક્ષ લેબર અને લિબરલ – બંન્નેએ હિંદુઓ અને શીખોને ઢગલો વચન આપ્યા છે. વચન આપવું રાજકારણીઓનું કામ છે. આ ઉપરાંત ઑસ્ટ્રેલિયાના વર્તમાન વડા પ્રધાન સ્કોટ મોરિસને ચૂંટણી પહેલાંના અઠવાડિયાનો વીકેન્ડ હિંદુ અને શીખ કોમ્યુનિટીઝ સાથે મનાવ્યો. તે મંદિરમાં ગયા. ગુરુદ્વારમાં પણ ગયા.

ઑસ્ટ્રેલિયામાં સ્થાયી થયેલાં ભારતીયોની સંખ્યા મોટી છે. વળી તામિલ સમુદાયના લોકને લેબર પાર્ટીના ઉમેદવાર મળ્યા. તે પણ તેમના ધાર્મિક સ્થળના પરિસરમાં. વાત ઑસ્ટ્રેલિયાની છે છતાં ય મુદ્દો એ છે કે ધાર્મિક સ્થળોએ પ્રચારના મેળાવડા થયા. સમયાંતરે અનેક રાષ્ટ્રોમાં રાજકારણમાં ધાર્મિક પ્રભાવ વધી રહ્યો છે. આવું પહેલાં નહીં જ થતું હોય એવું માનવાનું કારણ નથી પણ આવું વધી રહ્યું છે. એ રાષ્ટ્રોમાં પણ જ્યાં પહેલાં આવી પહેલ નહિવત્ હતી ત્યાં હવે આ પ્રકારે ધર્મની લાકડીનો ટેકો લેવાનું રાજકારણીઓ ચૂકતા નથી. એમાંય વિદેશમાં વસતા ભારતીયોની વાત કરીએ ત્યારે તો ખાસ. ભારતીયોની ઓળખ ધર્મની સાથે જોડાઇ રહી છે. ભારતીય છે તો ચાલો ધર્મનો ઉપયોગ કરીએ એવી માનસિકતા આપણને વૈશ્વિક સ્તરના નેતૃત્વમાં પણ દેખાઇ રહી છે જે અયોગ્ય છે.

ઇતિહાસમાં અનેક વાર ધર્મને લઇને યુદ્ધો પણ થયા છે પણ આધુનિક ઇતિહાસની વાત કરીએ તો રાજનીતિ માટે ધર્મનો ઉપયોગ સમયાંતરે સાહજિક બન્યો છે. આ માટેનું સૌથી મોટું ઉદાહરણ ઘર આંગણે છે. ના, મંદિર મસ્જિદની વાત નથી થઇ રહી. એ તો જૂનું કાર્ડ છે. પરંતુ વિશ્વના અન્ય દેશો સાથે મૈત્રી વધારવા માટે ભારતે પણ બૌદ્ધ ધર્મના પ્રચાર – પ્રસાર કરવામાં પાછું વળીને નથી જોયું. ચીન પણ બૌદ્ધ ધર્મનો પ્રચાર – પ્રસાર કરે છે. જેથી વૈશ્વિક સ્તરે અન્ય રાષ્ટ્રો સાથેના સંબંધોમાં ધર્મના દ્રષ્ટિકોણથી ફેર લાવી શકાય. USA પણ વિશ્વ આખામાં ધાર્મિક સમુદાયો સાથે જોડાવામાં પાછો નથી પડતો. મોંગલિયન સંસદમાં એશિયા અને વિશ્વના રાજકીય પડકારોને પાર પાડવામાં બૌદ્ધ ધર્મની આગવી અગત્યતા છે. વૈશ્વિકીકરણના સમયમાં ધર્મ પ્રત્યેના પ્રતિભાવ, પ્રતિક્રિયાઓ અગત્યના બન્યાં છે.

આધુનિકીકરણની વાતો થાય. સમય-સંજોગો-માધ્યમો બદલાય છતાંય અંતે રાજનીતિને મામલે આપણે ધર્મ તરફ પાછા વળીએ છીએ. ધર્મથી દુનિયા ચાલતી હોત તો પરમ શાંતિ હોત પણ ફિલોસોફીથી રાજ્ય કેવી રીતે ચાલે? અહીં તો રાજકારણ માટે, સત્તા માટે ધર્મનો ઉપયોગ થાય છે. રાજકારણ તર્ક અને અનુભવને આધારે મળેલા મૂલ્યો પર નિયત થવું જોઇએ, થતું આવ્યું છે. આ મૂલ્યો અને તર્કની ખરાઇ થઇ શકે. ધર્મની કે આસ્થાની ખરાઇ કેવી રીતે થઇ શકે? ધર્મ અને આસ્થા જેવી બાબતો અંગત પસંદગીની બાબત છે અને એમ માનવું કે ધર્મને પગલે લોકશાહી આદર્શો પર ઘડાયેલો સમાજ રચી શકાય એનાથી મોટો રાજકીય વહેમ બીજો કોઇ ન હોય શકે.

જ્ઞાનવાપી મસ્જિદ પછી મથુરાની શાહી ઇદગાહ મસ્જિદ કેસ શરૂ થયો. આર્કિયોલૉજિકલ સરવેના એક અધિકારી એવા પણ નીકળ્યા જેમણે દાવો કર્યો કે કુતુબ મિનાર રાજા વિક્રમાદિત્યે સૂર્યનો અભ્યાસ કરવા માટે બંધાવ્યો હતો. ઇતિહાસ, આસ્થા અને કાયદાનું સંતુલન કરવાનો પ્રયાસ સુપ્રીમ કોર્ટે 3 વર્ષ પહેલાં કર્યો જ્યારે બાબરી મસ્જિદ કેસની વાત થઇ. સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું કે મુસલમાનોને 450 વર્ષ જૂની તેમની મસ્જિદથી દૂર રખાયા તે ખોટું થયું અને ધ્વંસની પણ ટીકા કરી પણ પછી એમ કહ્યું કે હિંદુઓનો આ જમીન પર માલિકી દાવો બહેતર છે.

વળી સુપ્રીમ કોર્ટે અયોધ્યા રામ જન્મભૂમિ છે એટલે હિંદુઓની આસ્થાને ગણતરીમાં લેવી પડે. તો જ શાંતિ અને સ્થિરતા સ્થપાશે એવી દલીલને પણ ગણતરીમાં લીધી. વળી સુપ્રીમ કોર્ટે ત્યારે એમ પણ કહ્યું કે ‘પ્લેસિઝ ઑફ વર્શિપ એક્ટ 1991’ અનુસાર અયોધ્યા બાબરી મસ્જિદ સિવાય દેશના કોઇ પણ અન્ય ધાર્મિક સ્થળ પર બીજા ધર્મના લોકોના દાવાને સ્વીકારવામાં નહીં આવે, ત્યાં કોઇ પરિવર્તન નહીં કરાય. આઝાદીના દિવસ – 15 ઓગસ્ટ 1947ના દિવસે એ ધાર્મિક સ્થળ જે રૂપમાં હતું તે યથાવત્ રહેશે.

આ એક્ટ આપણા ધર્મનિરપેક્ષ મૂલ્યના પાસાંને મજબૂત કરે તેવો છે. જ્ઞાનવાપી વિવાદને કારણે ‘પ્લેસિઝ ઑફ વર્શિપ એક્ટ’ ફરી ચર્ચામાં છે પણ બાબરી વિવાદની માફક આ વિવાદ પણ કાયદા કે ઇતિહાસનો છે જ નહીં. આ વિવાદ આધુનિક રાજકારણની સ્વાર્થી જરૂરિયાતનો છે. હિંદુત્વની જ્વાળા (હિંદુ્ ધર્મ નહીં વાદની વાત થાય છે)ને ભડકાવવા માટે ફરિયાદનું ઇંધણ વપરાયા કરે છે. મુસલમાનોનું રાજકીય બળ ઘટ્યું છે એટલે તેમના તુષ્ટિકરણની કોઇ મહત્તા નથી. આ વાત વૈશ્વિક સ્તરે પણ લાગુ પડે છે કારણકે ઇસ્લામોફોબિયા અને આતંકવાદ વૈશ્વિકીકરણની દેન છે.

ભારતમાં હિંદુવાદની લાગણીઓને પ્રાધાન્યતા અપાય છે અને માટે જ હિજાબ, લવ-જેહાદ, ગૌહત્યા જેવા મુદ્દાઓના ભડકા થયા કરે તેની તકેદારી રખાય છે. શાસક પક્ષ માટે ઇતિહાસ પરનો આધાર જાણે તેમની સત્તાની હોડીનું સૌથી મજબૂત હલેસું છે. સત્તામાં હોવાને કારણે કાયદાના કારણે લોકચર્ચા કરાવવી તેમને માટે આસાન પણ છે ભાજપા માટે પણ આ ધાર્મિક રાજનીતિ બે ધારી તલવાર છે કારણ કે પોતે હિંદુત્વનું બળ છે એ ઓળખ પણ જાળવવાની છે અને રાજકીય તંત્રમાં મજબૂત પક્ષ હોવાની જવાબદારી પણ નિભાવવાની છે. તેઓ કશું પણ દેખીતી રીતે ન કરી શકે અને માટે જ ધર્મનો ઝંડો લઇ નીકળી પડનારા પ્રતિનિધિઓ તેમને માફક આવે છે. આ ભક્તો જે હિંદુવાદ કરીને ધર્મ જાળવવા નીકળ્યા છે તેમના ઘોંઘાટને કારણે રાજકીય સંસ્થાઓ આ બધાથી દૂર છે એવો ભ્રમ પણ સચવાયેલો રહે છે. પશ્ચિમના ઇતિહાસમાં પણ ચર્ચ અને રાજકારણ વચ્ચેની ખેંચતાણ, ચર્ચાનું રાજકારણ પર જોર થતું જ આવ્યું છે. ઇતિહાસ પરથી શીખીને ભાવિ ઘડવાનું હોય, તેની ફરિયાદો લઇ નવા પ્રશ્નો ખડા કરવામાં કંઇ સાર નથી. પ્રશ્ન છે બેરોજગારી, મોંઘવારી, શિક્ષણ, સ્વાસ્થ્ય અને આપણે મંદિર – મસ્જિદની લડાઇમાંથી ઊંચા નથી આવતા.

બાય ધ વે
તમે માનશો કે મોટાભાગના મસ્જિદ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બનેલા છે? આનું સીધું કારણ એ કે તે બાંધનારા હિંદુ કારીગર હતા. આની પર એક રિસર્ચ પણ થયો છે પણ તે રિપોર્ટ બનાવનાર હવે ભારતમાં નથી. સુલતાનો કે મુગલો (મુસલમાનો) પ્રત્યે આટલો રોષ બતાડવાનો કોઇ તર્ક નથી. તેઓ ભારતને પોતાનું ઘર બનાવવા આવ્યા હતા. અંગ્રેજોની માફક માત્ર સામ્રાજ્ય બનાવવા નહોતા આવ્યા. મંદિરો લૂંટાયા કારણ કે તેમાં ધન હતું. અહીં ધર્મની વાત કરી લોકોને ગેરમાર્ગે ન દોરવા જોઇએ. આપણી જમીન પર જે છે તે આપણો વારસો છે. બિનસાંપ્રદાયિક દેશમાં આ હોબાળા વરવા લાગે. ભારત જેવા બિનસાંપ્રદાયિક દેશ માટે ધર્મ અને રાજકારણને ભેગા કરવા જોખમી બાબત છે પછી તે દેશના આંતરિક મુદ્દાઓ માટે હોય કે આંતરરાષ્ટ્રીય સ્તરે થતું હોય. ભારત જ નહીં પણ બીજા રાષ્ટ્રોએ પણ સમજવું રહ્યું કે ઐતિહાસિક રોદણાં – ફરિયાદો અને બહુમતી સંવેદના જે તરફ હોય તેના થકી જ ન્યાય બંધાયેલો નથી. બાબરી વિવાદના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે એમ પણ કહેલું કે ગમે તેટલા પૌરાણિક શાસકો પ્રત્યે કોઇ વ્યક્તિને વિરોધ નોંધાવીને પગલાં લેવા હોય એમાં કાયદાને કંઇ લેવાદેવા નથી.

Most Popular

To Top