Charchapatra

અકલ્પનિય અવિશ્વસનિય વિજય

તાજેતરમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને અદ્ભુત અકલ્પનિય એવી 182માંથી 156 સીટો ઉપર વિજય સાથે બહુમત મળ્યો છે. મોંઘવારી-ભ્રષ્ટાચાર-બેકારી- સુરતનો તક્ષશિલા કાંડ- સૌરાષ્ટ્રનો લઠ્ઠાકાંડ-ઝૂલતા પુલની દુર્ઘટના જેવા મુદ્દા ઉઠાવવામાં વિપક્ષ ધરાર ઊણો ઊતર્યો છે. આ તમામ મુદ્દા છતાં ભાજપને  જીત અપાવવામાં પ્રધાનમંત્રી મોદીજીનો આક્રમક પ્રચાર અવવ્લ રહ્યો છે એમને અભિનંદન આપવા રહ્યા! છેલ્લાં 27 વર્ષથી કોંગ્રેસ પોતાની હારનાં કારણો નથી શોધી શકી અને ગુજરાતમાં આપના પ્રવેશથી એ નક્કી હતું કે ભાજપ જ જીતશે પરંતુ આવડી મોટી જીત અકલ્પનિય બની છે. ભારતમાં ધર્મના આધારે ચૂંટણી પ્રચાર ઉપર પ્રતિબંધ હોવા છતાં ભાજપ તમામ ચૂંટણીઓ ધાર્મિક ધ્રુવીકરણના જોરે જ જીતે છે.

આ ચૂંટણીમાં પણ હિંદુ યુવતિની હત્યા કરનાર આફતાબનો મુદ્દો ઉઠાવાયો. ભાજપ તમામ ચૂંટણી મુસ્લિમ સમાજને કેન્દ્રમાં રાખીને જ જીતે છે. કોંગ્રેસનું રાજ આવશે તો હિંદુઓને જીવવું ભારે થશે. હિંદુઓની મા-બેન સલામત નહીં રહે આવા ભ્રામક પ્રચારમાં ડરપોક ધર્મભદ્ર હિન્દુઓ ફસાય છે. ભાજપ-સંઘ-પરિવાર અને ભગિની સંસ્થાઓને આ ફાવી ગયું છે. હિંદુત્વના જોરે તેઓ તમામ મુદ્દાઓ ઉપર હાવી થઈ જાય છે. આ જ મુદ્દો ભાજપને જીત અપાવે છે બાકી 156માંથી માંડ 15 જણા પ્રજાની પરીક્ષામાં પાસ થાય. વળી ચૂંટણી પંચ અને તમામ તંત્રો મોદીજી સામે ગલત રીતિ-નીતિ વાપરવા છતાં તાબોટા ફોડીને કૂરનિશ બજાવે ત્યારે આવાં જ પરિણામ આવે એમાં કોઈ નવાઈ નથી!
સુરત     – જીતેન્દ્ર પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

બેલેટ બોક્ષ બુલેટ કરતાં વધુ ખતરનાક છે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી અને પરિણામ પણ આવી ગયાં. શાણા માણસોનું મન કોઈ વાંચી શકતું નથી. તેઓ ચૂપચાપ બધો તમાશો જોયા કરે છે. જયારે સમય આવે ત્યારે પોતાના મન પ્રમાણે જ વર્તે પણ છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વર્ષે ‘આપ’ પ્રવેશ્યું. ઉત્સાહ વધારે અને વિશ્વાસ ઓછો! ગુજરાતી પ્રજાજનોનાં મનને સમજ્યા વિના અરવિંદ કેજરીવાલે તો લખીને આપી દીધું કે અમારી (આપની) સરકાર બની રહી છે. લોકોએ સાચેજ સાબિત કર્યું કે આપની મતલબ અમારી! ( પ્રજાની સરકાર) અલબત્ત અપવાદ મતદારોને બાદ કરતાં હવે બાકીનાં મતદારોને ખરીદવા કે તેમનાં મનને કળી શકવું લોઢાના ચણા ચાવવા જેવી વાત છે. ગરીબી,બેકારી ,ભ્રષ્ટાચાર, આપનો પ્રવેશ, કોંગ્રેસ સાયલન્ટ મોડથી પ્રચાર કરી રહી છે, મોરબી દુર્ઘટના જેવી કોઈ અસર ન દેખાઈ !

મતદાનની ટકાવારી ઓછી રહેતાં સૌ કોઈ પરિવર્તનની વાતને વેગ આપવા માંડ્યા. મતદારોનાં મનને વાંચ્યા વગર  જ દરેક પક્ષ ગેલમાં આવવા મંડ્યાં. બાબુ, યે પબ્લિક હૈ, સબ જાનતી હૈ. એક્ઝિટ પોલ, વિશ્લેષકો કે જે તે પક્ષની ગણતરીઓને પછાડીને,જૂઠી પાડીને મતદારે પોતાની તાકાત, પરચો અને મહત્ત્વ મતપેટીમાં ( ઈવીએમ) મશીનમાં નાંખેલ પોતાના હક (મત)દ્વારા બતાવી દીધાં છે.ફરજ નિભાવી દીધી છે. ગર્ભિત ઈશારો પણ કરી દીધો છે કે ગમે તે પક્ષની શાન અમે ઈચ્છીએ ત્યારે ઠેકાણે લાવી શકવા સમર્થ છીએ. અમને કયારેય ભોંઠ સમજવાનો હીન પ્રયાસ પણ કરશો નહિ. છેવટે એક વાત સાબિત થઈ કે બેલેટ બોક્ષ (ઈવીએમ મશીન) બુલેટ કરતાં પણ વધુ ખતરનાક (ગૂઢ) છે.
સુરત     – અરુણ પંડયા      – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top