Columns

ચીન અંકુશહરોળમાં ફેરફારો કરવા જાતજાતના તરીકાઓ અજમાવી રહ્યું છે

ચીનનો યુદ્ધખોર ઇતિહાસ જોતાં ગયા શુક્રવારે યાંગત્સે વિસ્તારમાં ચીને કરેલી ઘુસણખોરી જરાય આશ્ચર્યજનક ન હોવી જોઈએ. બીજિંગ દ્વારા મોકલવામાં આવેલો આ એક સ્પષ્ટ સંકેત છે કે ચીન-ભારત સરહદનો વિવાદ નવી દિલ્હી સાથેના ચીનના સંબંધોનું કેન્દ્રબિંદુ બની ગયો છે. આશ્ચર્યજનક બાબત એ છે કે શુક્રવારની ઘટનામાં ચીનના પિપલ્સ લિબરેશન આર્મીના ૬૦૦ સૈનિકો સામેલ હતા.  હકીકતમાં ચીની લશ્કરની આખી બટાલિયન ભારતની સીમામાં ઘૂસી આવી હતી. સામાન્ય રીતે ચીનના અને ભારતના સૈનિકો પેટ્રોલિંગ કરતા વચ્ચેના પ્રદેશોમાં પહોંચી જતા હોય છે, પણ તેઓ પાછા તેમના બેઝ કેમ્પ તરફ ચાલ્યા જતા હોય છે. પેટ્રોલિંગ પ્લાટૂન કદનું હોય છે, જ્યારે શુક્રવારે તેના કરતાં ઘણી મોટી સંખ્યામાં ચીની સૈનિકો ભારતની હદમાં પ્રવેશી ગયા હતા.

કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મંગળવારે સંસદમાં લગભગ વિજયી નિવેદન કર્યું હતું કે ‘‘ભારતીય સૈન્યે ચીનના ઘુસણખોરોને હટાવી દીધા છે.’’ હકીકતમાં શુક્રવારે જે ઘટના બની તે એટલી સરળ નહોતી. ગયા શુક્રવારે યાંગત્સે વિસ્તારમાં સરહદ નજીક અથડામણને પગલે ભારતીય અને ચીની સૈનિકોને નજીવી ઈજાઓ થઈ હોવાના અહેવાલ દક્ષિણ ભારતના અંગ્રેજી અખબાર ‘ધ હિન્દુ’માં સોમવારે સવારે છપાયા તેના ચાર દિવસ પછી સરકારને તેને અધિકૃત જાહેર કરવાની ફરજ પડી હતી. સંસદમાં બોલતાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે ‘‘૯ ડિસેમ્બરે ચીનના લશ્કરે તવાંગના યાંગત્સે વિસ્તારમાં યુદ્ધવિરામ રેખાનું ઉલ્લંઘન કરવાનો પ્રયાસ કર્યો હતો. ચીનનો પ્રયાસ નિષ્ફળ ગયો અને ભારતીય સેનાએ બહાદુરીપૂર્વક ચીની સૈન્યને આપણા વિસ્તારમાં ઘૂસતાં અટકાવ્યું હતું”. તેમણે કહ્યું કે ‘‘ત્યાર બાદ બંને પક્ષોએ ફ્લેગ મીટિંગ કરી હતી અને ચીની સૈન્યને આવી ઉશ્કેરણીજનક ક્રિયાઓથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું હતું.’’

સરકારના દાવાઓ મુજબ વર્ષ ૨૦૨૦ થી ચીની સૈનિકોએ વારંવાર સરહદનું ઉલ્લંઘન કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ દરેક વખતે તેને નિષ્ફળ કરવામાં આવ્યો છે. તો પછી લડાખમાં ૧૯૯૩થી ચાલી રહેલી સૈન્ય-થી-સૈન્ય વાટાઘાટો શું છે, તે સ્પષ્ટપણે સમજાતું નથી. આ બાબતમાં પોતાની પ્રતિક્રિયા આપતાં ચીની લશ્કરના વેસ્ટર્ન થિયેટર કમાન્ડના પ્રવક્તાએ મંગળવારે કહ્યું હતું કે ‘‘અંકુશહરોળની ચીનની બાજુએ ડોંગઝાંગ વિસ્તારમાં ચીની સૈન્યનું નિયમિત પેટ્રોલિંગ ભારતીય સેના દ્વારા અવરોધિત કરવામાં આવ્યું હતું.’’ ભારતના સંરક્ષણ પ્રધાનના નિવેદનમાં યાંગત્સે વિસ્તારમાં પાછલા વર્ષમાં જે ઘટનાઓ બની રહી છે તેનું વાસ્તવિક વર્ણન કરવામાં આવ્યું નથી. સરકાર કદાચ તવાંગ ખીણની ઘટનાઓની સચ્ચાઈ છૂપાવી રહી છે. એવા અહેવાલો છે કે ચીનાઓએ આ વર્ષની શરૂઆતમાં પવિત્ર ચુમિગ ગ્યાત્સે ધોધ પર નિયંત્રણ સ્થાપિત કર્યું છે. ભારતની સરહદમાં આવેલા આ ધોધ સીધી લીટીમાં માત્ર ૩ કિલોમીટર દૂર છે.

તવાંગ વહીવટીતંત્ર દ્વારા આ ધોધનો વિકાસ પર્યટકોને આકર્ષવા માટે કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. અહેવાલો સૂચવે છે કે યાંગ્ત્સેમાં ચીનનું લક્ષ્ય ૧૭,૦૦૦ ફૂટ ઊંચાઇનું શિખર છે, જે ભારતીય બાજુના પ્રાકૃતિક સૌંદર્યનાં ઉત્તમ દૃશ્યો પ્રદાન કરે છે. ચીનની નજર ખાસ કરીને તવાંગને સે લા પાસ સાથે જોડતા માર્ગ ઉપર છે, જે મેદાનોથી તવાંગ ટ્રેક સુધીની મુખ્ય સપ્લાય લાઇન છે. આ વિસ્તાર શા માટે ભારત માટે મહત્ત્વપૂર્ણ છે તેનું બીજું કારણ છે, ચુમિગ ગ્યાત્સે નામના ૧૦૮ ધોધનો સંગ્રહ, જેને બૌદ્ધો દ્વારા પવિત્ર ધોધ ગણવામાં આવે છે. લોકવાયકા એવી છે કે બૌદ્ધ જાતક કથાઓમાં જેમનો ઉલ્લેખ છે તેવા ગુરુ પદ્મસંભવે તેમની માળા એક ખડક પર મૂકી હતી જેના કારણે ૧૦૮ ધોધ વહેતા થયા હતા.

એવા અહેવાલો આવ્યા છે કે ચીનાઓ ચુમિગ ગ્યાત્સે વિસ્તારમાં પોતાનો કબજો સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને વર્તમાન ઘુસણખોરી તેનું પરિણામ હોઈ શકે છે. આ ધોધ સરહદની ચીન બાજુથી માત્ર ત્રણ કિલોમીટર દૂર આવેલો છે. આ જળપ્રપાતનું ચીની નામ ડોંગઝાંગ વોટરફોલ છે અને એવા સમાચાર છે કે આ વર્ષની શરૂઆતમાં તેઓએ તેના પર નિયંત્રણ સ્થાપિત કર્યું હતું. ત્યાં ઘણી ભારતીય ચોકીઓ છે અને કેટલીક એવી ઊંચાઈ પર છે કે જે ગયા શુક્રવારે ચીની સૈન્યે કબજે કરવાનો પ્રયાસ કર્યો હતો. સંભવિત છે કે બહાદુર ભારતીય સૈન્યે સફળતાપૂર્વક ચીનના લશ્કરને તે શિખર પર કબજો કરતાં અટકાવ્યું હતું. આ શિખર તો ભારતના કબજામાં છે પણ તેના સુધી જવાના રસ્તાઓ પણ ભારતીય સૈન્યના કબજામાં હોવાથી ચીની સૈન્ય માટે તે પડકાર છે.

ભારત અને ચીન વચ્ચેનો સરહદી વિવાદ શાંતિપૂર્ણ રીતે ઉકેલવા ૧૯૯૩માં કરારો થયા હતા. ત્યારથી વિવિધ વિવાદાસ્પદ ક્ષેત્રો બાબતમાં બેઠકો ચાલી રહી છે. ઑગસ્ટ ૧૯૯૫માં જોઈન્ટ વર્કિંગ ગ્રુપની આઠમી બેઠકમાં, બંને પક્ષો એ વાત પર સહમત થયા હતા કે એવાં આઠ ક્ષેત્રો છે જ્યાં અંકુશહરોળ બાબતમાં ભારત અને ચીન વચ્ચે મતભેદો હતા.  તેમાંના બે પૂર્વીય લડાખમાં, ચાર મધ્ય સેક્ટરમાં અને છ યાંગત્સે અને નમકા ચુ સહિત પૂર્વ સેક્ટરમાં હતા, જ્યાં ૧૯૬૨ નું યુદ્ધ શરૂ થયું હતું. વર્તમાન ગોઠવણ મુજબ ભારતીય લશ્કર અને ચીની લશ્કર સમજે છે કે બંને પક્ષો વચ્ચેના વેરાન વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી શકે છે અને જો પેટ્રોલિંગની ટુકડીઓ સામસામે મળે, તો તેઓ બેનરો ફરકાવશે, જેમાં લખ્યું હોય છે કે “‘આ ભારતીય/ચીની ક્ષેત્ર છે, કૃપા કરીને પાછા જાઓ” અને ત્યારબાદ તેઓ બેઝ કેમ્પ પર પાછા ફરી જાય છે અને તે મુદ્દા પર ઉચ્ચ સ્તરે ચર્ચા કરવામાં આવે છે.

બંને પક્ષો ત્યાં કોઈ કાયમી બાંધકામ નહીં કરવા માટે સંમત થયા છે અને બંને પક્ષો માટે તે રાબેતા મુજબનું છે કે તેઓ પેટ્રોલિંગ દરમિયાન સામેની બાજુના કોઈ પણ બંકરો અને ચોકીઓ જુએ તો તેને તોડી પાડે છે. બંને પક્ષો વર્ષ દરમિયાન આ વિસ્તારમાં નોંધપાત્ર દળો જાળવી રાખે છે. પેટ્રોલિંગ પાર્ટીઓ નિયમિતપણે એકબીજાનો સામનો કરે છે અને સામાન્ય રીતે સ્થાપિત પ્રોટોકોલનું પાલન કરે છે. પરંતુ ચીનાઓ મોટી સંખ્યામાં સૈનિકોનો ઉપયોગ કરીને સ્થાપિત પરિસ્થિતિમાં ફેરફાર કરવા માગતા હતા અને તેથી ગયા અઠવાડિયે અથડામણ થઈ હતી. ૧૯૯૯ ના કારગિલ યુદ્ધ દરમિયાન ચીનાઓએ આ વિસ્તારમાં પ્રથમ વખત કાર્યવાહી કરી હતી, જ્યારે પૂર્વ લડાખમાં કાર્યવાહીની સાથે સાથે, ચીની સૈન્યે યાંગત્સે વિસ્તારમાં સ્થાન લીધું હતું અને ૪૦ દિવસ સુધી ત્યાં રહ્યું હતું.

જૂન ૨૦૧૬ માં, લગભગ ૨૫૦  ચીની સૈનિકોએ આ વિસ્તારમાં પ્રવેશ કર્યો હતો પરંતુ તે પછી અથડામણના કોઈ અહેવાલ નથી. ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૧ ના રોજ પૂર્વમાં તવાંગ સેક્ટરમાં બમ લાથી પૂર્વમાં યાંગત્સે ખાતે ૧૨-૧૬ કિલોમીટર દૂર લગભગ ૨૦૦ ચીની સૈનિકો દ્વારા ઘુસણખોરીનો અહેવાલ મળ્યો હતો. ભારતીય સૈન્ય દ્વારા તરત જ તેઓની તપાસ કરવામાં આવી હતી અને થોડા સમય માટે તેમને અટકાયતમાં પણ લેવામાં આવ્યા હતા. પરંતુ સ્થાનિક કમાન્ડરોના સ્તરે દરમિયાનગીરી બાદ તેમને છોડી દેવામાં આવ્યા હતા. યાંગત્સે પ્રદેશમાં સરહદના અન્ય ભાગોમાં પણ ચીની સૈન્યની ઘુસણખોરીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. એવું જણાય છે કે તવાંગ ખીણના વિસ્તારમાં ચીનનું પેટ્રોલિંગ ઘુસણખોરીના ઇરાદાથી નોંધપાત્ર રીતે વધી ગયું છે.           – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top