Dakshin Gujarat

ઉકાઈમાંથી પાણી છોડવામાં આવતાં માંડવીનાં 15થી વધુ ગામોનો બારડોલી સાથેનો સંપર્ક કપાયો

બારડોલી : ઉકાઈ ડેમમાંથી (Ukai Dam) પાણી (Water) છોડવામાં આવતાં બારડોલીના (Bardoli) હરિપુરા ગામે આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતાં 15થી વધુ ગામોનો કડોદ અને બારડોલી સાથેનો સીધો સંપર્ક કપાયો છે. તાપી નદીમાં (Tapi River) પાણીની સપાટી સતત વધી રહી હોવાથી કલેક્ટર દ્વારા તાપી નદી કિનારાનાં ગામોને એલર્ટ (Alert) રહેવા માટે સૂચના આપી છે.

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે મહારાષ્ટ્રના હથનૂર અને પ્રકાશા ડેમમાંથી મોટા જથ્થામાં પાણી છોડવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્રના પ્રકાશા ડેમમાંથી 1.49 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આથી ઉકાઈ ડેમમાં પાણીની સતત વધી રહેલી આવકને કારણે રૂલ લેવલ જાળવવા માટે ડેમના 13 દરવાજા ખોલી 1,88,792 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેને કારણે તાપી નદીમાં જળસપાટીમાં વધારો થઈ રહ્યો છે. ઉકાઈ ડેમમાંથી 60 હજાર ક્યુસેક પાણી છોડાયું હતું. હાલ 1.89 લાખ ક્યુસેક પાણી છોડવાની શરૂઆત થઈ છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડાય એટલે હરિપુરા કોઝવે પર પાણી ફરી વળે છે અને કોઝવે પર અવરજવર બંધ થઈ જાય છે. વર્ષો જૂની આ સમસ્યાને કારણે વિસ્તારના લોકો ત્રાસી ગયા છે.

હરિપુરા કોસાડી વચ્ચેના કોઝવે પર પાણી ફરી વળવાથી સુરત જિલ્લાના માંડવી તાલુકાનાં 15 જેટલાં ગામોનો બારડોલી અને કડોદ સાથેનો સીધો સંપર્ક કપાઈ ગયો છે. તેમણે 25થી 30 કિમી સુધીનો ચકરાવો લગાવવો પડે છે. બીજી તરફ કોઝવેની બંને તરફ પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેથી કોઈ અનિચ્છનિય ઘટના ન બને.
ખાસ કરીને વિદ્યાર્થી વર્ગ અને નોકરિયાત વર્ગ તેમજ આરોગ્યને લાગતી ઈમરજન્સી સેવાઓને માઠી અસર થાય છે. ત્યારે મંજૂરી બાદ પણ બ્રિજ માટેની કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

કડોદ નગરનાં બજારોમાં ઘરાકીમાં ઘટાડો
કડોદ: માંડવી તાલુકાનાં કોસાડી, ઉમરસાડી, કમળાપોર, ખંજરોલી, પીપરિયા, ખરોલી, ગવાછી, ઉન, જબની તથા નવી ગોદાવાડી, પુના, ગામતળાવ, કાછિયાબોરી વગેરે ગામોને કડોદ, બારડોલી, સુરત, નવસારી જવા માટે સીધો વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. શાળા-કોલેજના વિદ્યાર્થી, નોકરિયાતો તથા શાકભાજી-દૂધ વેચનાર ખેડૂતો-પશુપાલકોને માટે આવવા જવાની તકલીફ થઇ ગઇ છે. જેના પરિણામે કડોદ નગરનાં બજારોમાં ઘરાકી પણ પાંખી થઈ ગઈ છે.

Most Popular

To Top