SURAT

પહેલી જ રાતે કામવાળીએ એવું કર્યું કે સુરતનો બિલ્ડર દોડતો થઈ ગયો

સુરત : વેસુ ખાતે રહેતા બિલ્ડરને નવી કામવાળીઓ રાખવાનું ભારે પડી ગયું છે. કામ બતાવવાના બહાને કામવાળી એક જ રાતમાં 7.80 લાખના દાગીના લઇને પલાયન થઇ ગઇ હતી. બિલ્ડરની ફરિયાદના આધારે વેસુ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હવે આ બંને કામવાળીઓ કોના રેફરન્સથી અહીં કામ માટે આવી હતી તેની તપાસ પણ વેસુ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે.

  • અમારૂ કામ જુઓ, કામ ગમે તો કામ પર રાખજો એમ કહીને કામવાળીઓ એક જ રાતમાં 7.80 લાખના દાગીના ચોરી ગઇ
  • વ્રજભૂમિ બંગ્લોઝમાં રહેતા 28 વર્ષીય બિલ્ડરને બે અજાણી કામવાળીને રાત્રે ઘરમાં રાખવાનું ભારે પડ્યું

આ ઘટનાની મળતી માહિતી અનુસાર વેસુ ખાતે આવેલી ગોધા સ્ટ્રીટમાં આવેલા વ્રજભૂમિ બંગ્લોઝમાં રહેતાં 28 વર્ષીય જૈમિન વસંતભાઇ પટેલ વ્યવસાયે બિલ્ડર છે. તેમણે વેસુ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી હતી. તેમણે તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઇ કાલે રાત્રે પોણા નવ વાગ્યાના સુમારે તેમના બંગલામાં 35 થી 40 વર્ષની બે મહિલાઓ આવી હતી. તેમણે તેમની ઓળખ પૂનમ અને ગીતા તરીકે આપી હતી અને તેઓ ઘરકામ કરતી હોવાની વાત કહી હતી.

આ બંનેએ તેમને જણાવ્યું હતું કે, પહેલા અમારુ કામ જોઇ લો પછી સારુ લાગે તો અમને નોકરી ઉપર રાખજો. આટલું કહેતા બિલ્ડરે બંનેને કામ ઉપર રાખી લીધી હતી. દરમિયાન આજે સવારના સવા દસ વાગ્યે તેમના જૂના ઘરઘાટી ચંદાબેન અને ગીતાબેન કામ કરવા માટે આવ્યા હતાં. એટલે રાત્રે જ કામ ઉપર લાગેલી બંને કામવાળીઓ નીકળી ગઇ હતી. આ દરમિયાન જૈમિનભાઇની માતાએ તેમના બેડરૂમ જોતા તેના કબાટ ખૂલ્લા હતા. આ કબાટમાં રહેલા તમામ દાગીના ગુમ થઇ ગયા હતા . (1) ચાર તોલાનુ 1.60 લાખનુ મંગળસૂત્ર (2) સોનાના પેન્ડલ સેટ બૂટટી નંગ 1 80000 (3) સોનાના સેટ ચાર તોલાના 1.80 લાખના (4) હિરાજડીત સોનાની બંગડી 1 લાખની (5) સોનાની માળા 1 લાખની સહિત અંદાજે 7.80 લાખના ઘરેણા પર એક જ રાતમાં અજાણી મહિલાઓએ હાથ સાફ કરીને ચાલતી પકડી હતી. વેસુ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top