Columns

‘વાઇરલ ડાયેરિયા’ એટલે કે ‘સ્ટમક ફ્લૂ’માં કેવો ખોરાક મદદરૂપ થઈ શકે ?

જે ને તબીબો ‘સ્ટમક ફ્લૂ’ થી ઓળખે છે એવા આ ‘વાઇરલ ડાયેરિયા’ ડબલ સીઝનમાં થતો અતિ સામાન્ય રોગ છે અને ઘરે ઘરે જોવા મળે છે. આજકાલ  તબીબોનાં દવાખાનાં આ પ્રકારના ડાયેરિયાના દર્દીઓથી ઉભરાતાં જોવા મળે છે. લેબોરેટરીમાં તપાસ કરાવતાં માલમ પડે કે દર્દી ‘રોટા વાઈરસ’ અથવા ‘નોરો વાઈરસ’ થી પીડાય છે. કોઈ પણ જાતના પૂર્વ લક્ષણો વગર અચાનક પાતળા પાણી જેવા મળ શરૂ થઈ જાય, સ્નાયુઓમાં દુખાવો, ઝીણો તાવ અનુભવાય, ઊલટી પણ થાય, પેટમાં ચૂંક આવે તો એ વાઈરસજન્ય ડાયેરિયા હોઈ શકે. આ લક્ષણો ૨ થી ૩ દિવસ સુધી રહેતાં હોય છે પણ કોઈક સંજોગોમાં માંદગી લંબાઈ પણ શકે છે.

ઘણી વાર બેક્ટેરિયાથી થતા એટલે કે દૂષિત ખોરાક અને પાણીને લીધે થતાં ડાયેરિયા અને વાયરસથી થતાં ડાયેરિયાનાં લક્ષણો સમાન હોવાને કારણે કન્ફ્યુઝન થતું હોય છે. પરંતુ  જો…-

  • # આપને ૨૪ કલાકથી વધુ શરીરમાં પાણી ન ટકતું હોય અને તરત નીકળી જતું હોય,
  • # ૨ દિવસ સુધી ઊલટી બંધ ન થાય,
  • # ઊલટીમાં લોહી પડે,
  • # મોઢું સુકાય, ઘેરા પીળા રંગનો પીશાબ થાય અથવા બિલકુલ પીશાબ ન થાય, ખૂબ થાક લાગે અને ચક્કર આવે,
  • # ઝાડા વાટે લોહી નીકળે,
  • # ૧૦૪° તાવ રહે,
  • # બાળકો રડે તો આંખમાંથી આંસુ ન નીકળે#
  • તો તુરંત ડોકટર પાસે જવું. ઉપર મુજબનાં લક્ષણો વાઇરલ ડાયેરિયા હોવાનું સૂચિત કરે છે.  વાઇરલ ડાયેરિયાના શિકાર નાનાં બાળકો વધુ પ્રમાણમાં થાય છે અને જો યોગ્ય સમયે યોગ્ય સારવાર ન મળે તો બાળક જીવ પણ ગુમાવી શકે છે.
  • આવા સંજોગોમાં ડૉકટરની દવા ઉપરાંત ખોરાકમાં નીચે પ્રમાણેના ફેરફાર પરિસ્થિતિને વકરતી અટકાવી શકે.
  • # ઝાડા બંધ ન થાય ત્યાં સુધી બિલકુલ ઠોસ ખોરાક ન લો. સંપૂર્ણપણે પ્રવાહી ખોરાક લો.
  • # પાણીની નાની નાની ચૂસકી સતત લેતાં રહો. જો પાણીનો સ્વાદ ન ભાવે તો અંદર ગ્લુકોઝ ઉમેરી લઈ શકાય. તે પણ ન ભાવે તો આ ગ્લુકોઝવાળા પાણીનો બરફ જમાવી એ બરફની નાની નાની ટુકડી મોઢામાં મૂકી શકાય.
  • # બને ત્યાં સુધી દાળ, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ જેવો પચવામાં ભારે ખોરાક
  • લેવો નહિ.
  • # લીંબુશરબત એ શરીરે પાતળા જુલાબ દ્વારા ગુમાવેલ ઇલેક્ટ્રોલાઇટસ મેળવવાનો ઇન્સ્ટન્ટ અને ઘરગથ્થુ ઉપાય છે. જેને મેડિકલની ભાષામાં ORS એટલે કે ‘ ઓરલ રી હાઇડ્રેશન સોલ્યુશન ‘ તરીકે ઓળખાય છે. જેમાં એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી મીઠું અને છ ચમચી ખાંડ તથા ૨ લીંબુનો રસ ઉમેરી બનાવી શકાય છે.
  • # છાલ સાથેનાં ફળો ખાવાનું ટાળો. જરૂરી લાગે તો બરાબર ગાળેલો ફળોનો રસ લઈ શકાય.
  • # આઈસક્રીમ અને મીઠાઈઓ લેવી નહિ પણ ઘરે ઉકાળેલા પાણીમાંથી બનાવેલ ‘જેલી ‘ ખૂબ સારા પ્રમાણમાં જીલેટીન સ્વરૂપે સોલ્યુબલ ફાઈબર આપે જે ડાયેરિયા અટકાવવામાં મદદરૂપ થઈ શકે.
  • # ડાયેરિયા દરમ્યાન પાકા કેળાનું સેવન ખૂબ અસરકારક સાબિત થાય છે. 
  • # ડાયેરિયા દરમ્યાન દૂધ ,ચીઝ,  પનીર જેવી દૂધની પેદાશોનું સેવન ટાળવું પણ પ્રો બાયોટિકથી ભરપૂર એવાં દહીં અને છાશનું સેવન ખૂબ મદદરૂપ થાય છે.
  • # તળેલો અને પુષ્કળ મસાલાવાળો ખોરાક લેવો નહિ.
  • # ડાયેરિયા દરમ્યાન આલ્કોહોલ અને સિગારેટનું સેવન જીવલેણ સાબિત થઈ શકે છે.
  • # પેટને આરામ આપવા વારંવાર ખોરાક લેવાનું ટાળો. પ્રવાહી લેતાં રહો.
  • # ચોખા પચવામાં સૌથી સરળ હોઈ ચોખાની બનેલી ઢીલી વાનગી જેવી કે ઢીલી ખીચડી, ચોખાનું ઓસામણ, મમરા, દહીંભાત વગેરે જ લેવાનો આગ્રહ રાખો.
  • # બાળ પેશન્ટને ચોકલેટ અને બિસ્કીટ આપવાનું ટાળો. આમ, તકેદારી અને યોગ્ય શુશ્રૂષા જીવલેણ  ‘સ્ટમક ફ્લૂ’ માંથી બચાવી શકે છે.

વાઇરલ ડાયેરિયાથી બચવા શું કરી શકાય ?
વાઈરસથી તથા ડાયેરિયાથી બચવા નીચે પ્રમાણેનાં પગલાં લઈ શકાય.

  • # રોગપ્રતિકારકશક્તિ શક્તિ વધારવી. તે માટે યોગ્ય સમયે યોગ્ય આહાર, નિયમિત વ્યાયામ અને પૂરતી ઊંઘ લેવી અનિવાર્ય છે.
  • # રોગપ્રતિકારકશક્તિ વધારવા માટે ઋતુ અનુસારનાં ફળો અને શાકભાજીનું અચૂક સેવન કરો.
  • # શારીરિક સ્વચ્છતા પર પૂરતું ધ્યાન આપો.
  • # વધુ પડતું જંક ફૂડ પાચનતંત્રને મંદ કરે છે એથી બને એટલું હેલ્ધી ફૂડ લેવાનો આગ્રહ રાખો.
  • # ઘરે બનેલા તાજા ખોરાકનો જ આગ્રહ રાખો.
  • # જરૂર લાગે તો ડૉકટરની સલાહ લઈ ‘રોટા વાઇરસ’ માટેની રસી મુકાવી શકાય.

Most Popular

To Top