Comments

ભૂરામાંથી લીલો રંગ થવો ઍટલે લાલ બત્તી

આપણી પૃથ્વીના જળવાયુમાં થઈ રહેલું પરિવર્તન સમગ્ર માનવજાત માટે ચિંતાનો વિષય છે. તેની ગંભીર અને વિપરીત અસર વિવિધ દેશોમાં અનેક રીતે જાવા મળી રહી છે. આમ છતાં, હજી ઍમાંથી કોઈ બોધપાઠ ગ્રહણ કરવાની આપણી તૈયારી હોય ઍમ લાગતું નથી. વિકાસની આંધળી દોટ હજી ચાલુ છે, અને ચાલુ રહેશે ઍમ લાગે છે. ધીમે ધીમે નવાં નવાં ક્ષેત્રે આ બાબતની વિપરીત અસર ધ્યાનમાં આવતી જાય છે, જે આ સમસ્યાનાં મૂળ કેટલાં ઊંડાં ઊતરી ચૂક્યાં છે ઍ સૂચવે છે.

આપણે જાણીઍ છીઍ કે પૃથ્વીના કુલ વિસ્તાર પૈકીનો આશરે ૭૧ ટકા વિસ્તાર પાણી ધરાવે છે, અને માત્ર ૨૯ ટકા વિસ્તારમાં જમીન છે. આ જળવિસ્તારનો મોટો હિસ્સો દરિયા સ્વરૂપે છે, જે પીવા માટે વાપરી શકાતું નથી. ‘નેચર’નામના પ્રતિષ્ઠિત વિજ્ઞાન સામયિકમાં પ્રકાશિત ઍક અહેવાલ અનુસાર દરિયાના પાણીનો રંગ ભૂરામાંથી બદલાઈને લીલો થઈ રહ્યો છે, અને છેલ્લા વીસ વર્ષમાં દરિયાના અડધા કરતાં વધુ, ઍટલે કે ૫૬ ટકા હિસ્સાનો રંગ બદલાઈ ગયો છે. બીજી રીતે જાઈઍ તો, પૃથ્વી પર જમીનના કુલ વિસ્તાર કરતાં વધુ દરિયાઈ વિસ્તારનો રંગ બદલાઈ ગયો છે. ખાસ કરીને વિષુવવૃત્તની આસપાસના વિસ્તારો વધુ અસરગ્રસ્ત થયા છે. વિવિધ દેશોના વિજ્ઞાનીઓઍ ઍકત્રિત કરેલી માહિતીના આધારે આ તારણ કાઢવામાં આવ્યું છે.

પૃથ્વીને ઍટલે કે જમીની વિસ્તારને આપણે હરિયાળો બનાવવા પ્રયત્ન કરી રહ્યા છીઍ, પણ દરિયાનું પાણી લીલા રંગમાં પરિવર્તીત થાય તો ઍ ચિંતાજનક છે. કેમ કે, આ રંગ દરિયાઈ જૈવપ્રણાલિમાં થઈ રહેલા પરિવર્તનનો સૂચક છે. કેવું પરિવર્તન ? પ્લાન્ક્ટન નામની દરિયાઈ સજીવરચનાની વધતી જતી હાજરીને કારણે આમ બની રહ્યું છે. વિવિધ કદનાં પ્લાન્ક્ટન અલગ અલગ માત્રામાં પ્રકાશનું પ્રસારણ કરે છે. તેમજ વિવિધ માત્રામાં દ્રવ્યો ધરાવતાં પ્લાન્ક્ટન જુદી જુદી રીતે પ્રકાશનું શોષણ કરે છે. દરિયાઈ જળના રંગમાં થઈ રહેલા પરિવર્તનના આધારે વિજ્ઞાનીઓ પ્લાન્ક્ટન માત્રાનો અભ્યાસ કરે છે. ફાયટોપ્લાન્ક્ટન દરિયાઈ જૈવપ્રણાલિ માટે અત્યંત મહત્ત્વનું છે, કેમ કે, અનેક આહારકડીઓના પાયામાં તે છે.

જળવાયુ પરિવર્તન થવાનું મુખ્ય કારણ ગ્લોબલ વૉમિ*ગને કારણે સમગ્રતયા વધી રહેલું તાપમાન છે. ગ્રીનહાઉસ વાયુઓ દ્વારા સંઘરાયેલી ગરમીમાંથી ૯૦ ટકા જેટલી ગરમીનું શોષણ દરિયા દ્વારા થઈ જાય છે. આથી દરિયાના પાણીનું તાપમાન વધવા લાગે તો સ્વાભાવિક છે કે તેની અસર જમીન અને દરિયો બન્ને પર થાય. હીમનદીઓ પીગળવાના કારણે હવે દરિયાના પાણીનું સ્તર વધી રહ્યું છે. તેને કારણે દરિયામાં પ્રાણવાયુની માત્રામાં ઘટાડો થઈ રહ્યો છે અને અમુક પ્રકારની માછલીઓ મોટા પ્રમાણમાં મૃત્યુ પામી રહી છે. વિજ્ઞાનીઓના મત મુજબ, પૃથ્વીની પ્રણાલિમાં પ્રવેશતી અને નિકાલ પામતી ઉર્જાના જથ્થાનું સંતુલન કરવું સતત મુશ્કેલ બનતું જાય છે. આની વિપરીત અસર વિવિધ રીતે જાવા મળી રહી છે અને ચાહે જમીન હોય કે જળ, કોઈ પણ સ્થાન ઍમાંથી બાકાત નહીં રહે. વહેલામોડા ઍકેઍક જીવને તેની વિપરીત અસર કદી ધારી નહીં હોય ઍ રીતે જાવા મળશે. આ સંશોધન કરનારા વિજ્ઞાનીઓના જણાવ્યા અનુસાર વાસ્તવમાં દરિયાઈ જળનું રંગપરિવર્તન થતું જાવું આશ્ચર્યજનક નહીં, પણ ભયજનક છે. ઍવું નથી કે તે આટલેથી અટકી જવાનું છે. માનવનો હસ્તક્ષેપ કુદરતમાં થતો રહેશે ત્યાં સુધી ઍ સતત ચાલુ રહેવાનું છે.

આ બાબતનો અભ્યાસ હજી પૂરેપૂરો થયો નથી, પણ ઍટલું નિશ્ચિત છે કે ઍનાં તારણ ચિંતાજનક હોવાનાં. આવી ધારણા બાંધવાનું કારણ ઍટલું જ કે જમીનની સરખામણીઍ દરિયો વૈવિધ્યપૂર્ણ અને અનેકગણી વધુ જીવસૃષ્ટિ ધરાવે છે. જમીની જીવસૃષ્ટિ દરિયાના સ્વાસ્થ્ય પર સીધેસીધી અવલંબિત છે. દરિયાઈ આહારકડીના અસ્તિત્વ અને ટકવા માટે પ્લાન્ક્ટન અતિશય મહત્વનાં છે. પ્લાન્ક્ટનમાં થતું પરિવર્તન દરિયાની કાર્બન શોષણ કરવાની ક્ષમતા પર વિપરીત અસર કરી શકે છે. આથી જ દરિયાના પાણીના ભૂરાથી લીલા રંગમાં થતું પરિવર્તન ખતરાનો સંકેત છે.

આ સંશોધન સાથે સંકળાયેલા વિજ્ઞાનીઓઍ પોતાના અહેવાલમાં જણાવ્યું છેઃ ‘અમે આશા રાખીઍ છીઍ કે લોકો આ બાબતને ગંભીરતાથી લે. આ કોઈ આગાહી કે અનુમાન નથી, પણ અમે ખરેખર આ પરિવર્તન, દરિયામાં થતો ફેરફાર જાઈ રહ્યા છીઍ. આટલી વિરાટ અને વૈશ્વિક સમસ્યા હોય ત્યાં ઍકલદોકલ નાગરિક તરીકે કોઈનાથી કશું કરી શકવું સંભવ નથી. અલબત્ત, વિવિધ દેશો આ બાબતે જરૂરી પગલાં લેવાની પહેલ કરી શકે. સવાલ ઍ છે કે આટલો ગંભીર મુદ્દો કદી ચૂંટણીનો મુદ્દો બની શકતો નથી, તેથી ઍ બાબતે નીતિ ઘડવાની પ્રાથમિકતા સામાન્યપણે આવતી નથી. જાગૃતિ દેખાડવા સારું કાગળ પર કામ થતું હશે, પણ ઍ તો આશ્વાસન પૂરતું. પ્રકૃતિ કાગળ પર થયેલાં કામને ગણકારતી હશે?

સહેજ અલગ, પણ આ મુદ્દા સાથે સંકળાયેલી વાત કરીઍ તો તાજેતરમાં હિમાચલ પ્રદેશમાં અભૂતપૂર્વ જાનહાનિ થઈ, જેને ‘કુદરતી પ્રકોપ’ના ખાતે ખતવી દેવામાં આવી. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ઝપાટાબંધ ચાલી રહેલાં વિકાસકામો આના માટેનું ઍક જવાબદાર પરિબળ છે ઍ હકીકત સ્વયંસ્પષ્ટ હોવા છતાં કોઈઍ ઍનું નામ પાડ્યું નથી. વિકાસ થશે તો આવક થશે, અને આવક થશે તો જીવનધોરણ ઊંચું આવશે ઍવો પોપટપાઠ પઢાવવામાં નેતાઓ કદાચ સફળ રહ્યા હશે. કોનું જીવનધોરણ ઍ બાબત અધ્યાહાર રાખીઍ તો પણ જીવન જ નહીં રહે તો જીવનધોરણ ઊંચું આવવાનો મુદ્દો જ ક્યાંથી રહેવાનો?
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top