Dakshin Gujarat

ગણેશ-સિસોદ્રા ગામમાં પૌવામીલની ટ્રાન્સપોર્ટ ઓફિસમાં તસ્કરો ત્રાટક્યા

નવસારી : ગણેશ-સિસોદ્રા ગામે પૌવામીલની ટ્રાન્સપોર્ટ ઓફિસમાંથી (Transport Office) કોઈ અજાણ્યો ચોર (Thief) રોકડા 10 હજાર રૂપિયાની ચોરી (Stealing) કરી નાસી ગયાનો બનાવ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે (Police Station) નોંધાયો છે. મળતી માહિતી મુજબ, ગણદેવી તાલુકાના અમલસાડ વાસણ ગામે રહેતા ગણેશ ફળીયામાં ધર્મેશભાઈ ભાણાભાઈ પટેલ નેશનલ હાઇવે નં. 48 સર્વિસ રોડ પર ગણેશ સિસોદ્રા ગામે આવેલા હરીઓમ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ (પૌવામિલ) માં આવેલ શ્રદ્ધા કોર્પોરેશનની ઓફિસમાં મેનેજર તરીકે નોકરી કરે છે.

ગત 9મીએ ધર્મેશભાઈ સાંજે ઓફિસનું કામ પતાવી તાળું મારી ઘરે જતા રહ્યા હતા. દરમિયાન મોડી રાત્રે કોઈ અજાણ્યા ચોરે તેમની ઓફીસના દરવાજાને મારેલું તાળું તોડી ઓફિસમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ તે ચોરે ટેબલના ખાનામાં મુકેલા રોકડા 10 હજાર રૂપિયા રોકડા, ટ્રાન્સપોર્ટ ટ્રકોની આર.સી. બુક, પરમીટ અને અન્ય જરૂરી કાગળોની ચોરી કરી નાસી ગયો હતો. બીજા દિવસે પૌવામીલમાં કામ કરતા સુપર વાઈઝર સુરેશભાઈ પાસવાને ધર્મેશભાઈને ફોન કરી પૌવામીલના કમ્પાઉન્ડમાં આવેલી ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ચોરી થઇ હોવાનું જણાવ્યું હતું. જેથી ધર્મેશભાઈ ઓફિસે જતા ઓફિસનો સામાન વેર-વિખેર પડ્યો હતો અને ડ્રોવરો ખુલ્લા હતા. જેથી ધર્મેશભાઈએ ઓફિસમાં તપાસ કરતા રોકડા 10 હજાર રૂપિયા અને જરૂરી કાગળો ચોરી થયા હોવાનું જણાયું હતું. આ બાબતે ધર્મેશભાઈએ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે અજાણ્યા ચોર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ એ.એસ.આઈ. ભાવેશભાઈને સોંપી છે.

અંકલેશ્વરમાં બે ટ્રકમાં 29 પશુનું ગેરકાયદે વહન કરતા 4 ઈસમ ઝડપાયા
અંકલેશ્વર: અંકલેશ્વર શહેર પોલીસમથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન બાતમી મળી હતી કે, અંકલેશ્વર ને.હા. ઉપરથી પશુઓ ભરેલી ટ્રક પસાર થવાની છે, જેવી બાતમીના આધારે શહેર પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ ટ્રક નં.(GJ-01.JT-3075) આવતાં પોલીસે તેને અટકાવી હતી.

પોલીસે ટ્રકમાં તપાસ કરતા ટ્રકમાં ૧૫ પશુ ખોચોખીચ ભરેલા નજરે પડ્યા હતા. પોલીસે પાટણના ડ્રાઈવર મોહિન બલોચ અને મહેસાણાના ક્લીનર અલ્લારખા પરમારને ઝડપી પાડ્યા હતા. તો ત્યાં જ અન્ય એક શંકાસ્પદ ટ્રક નં.(GJ-01.JT-0806) આવતાં પોલીસે તેને અટકાવી હતી. જેમાંથી ૧૩ ભેંસ અને એક પાડો ખીચોખીચ હાલતમાં મળી આવ્યાં હતાં. પોલીસે મહેસાણા ખાતે રહેતા ટ્રકના ડ્રાઈવર નિશાર શેખ તથા ક્લીનર બિસ્મિલ્લા જયમિતખાન દરબારને ઝડપી પાડ્યા હતા. પોલીસે ડ્રાઈવર અને ક્લીનરની પૂછપરછ કરતાં તે ગેરકાયદે ભેંસો મહેસાણાથી મહારાષ્ટ્રના ધુલિયા ખાતે લઇ જતા હોવાનું જણાવ્યું હતું. પોલીસે ૩ મોબાઈલ ફોન, ૨ ટ્રક તથા ૨૯ પશુ મળી કુલ રૂ.૧૮.૭૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તો અન્ય ૩ ઇસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top