SURAT

ઈચ્છાપોરમાં જીજેઈપીસીના ડાય ટ્રેડ સેન્ટરમાં ડિબિયર્સ ગ્રુપ દ્વારા ત્રીજીવાર 300 કરોડના રફ ડાયમંડનું પ્રદર્શન

સુરત: સુરતના (Surat) ઇચ્છાપોર સ્થિત જેમ એન્ડ જ્વેલરી પાર્કમાં (Gem and Jewelery Park) તૈયાર કરવામાં આવેલા જીજેઇપીસીના ડાય ટ્રેડ સેન્ટરમાં પ્રથમવાર વિશ્વની સૌથી મોટી રફ ડાયમંડ સપ્લાયર કંપની ડિબિયર્સ દ્વારા સતત ત્રીજીવાર ચાર દિવસ માટે રફ ડાયમંડનું વ્યુઇંગ (પ્રદર્શન) રાખવામાં આવ્યું છે જેનો આજે પ્રારંભ થયો છે. ચાર દિવસના આ પ્રદર્શનમાં વિદેશમાં થતી હીરાની હરાજીના 300 કરોડના હીરા ડાયમંડ કંપનીઓ સુરતમાં જ નિહાળશે.

  • હીરા ઉદ્યોગકારોને દુબઇ, બોત્સવાનાને બદલે ઓક્શનના હીરા સુરતમાં ઘર આંગણે નિહાળવાની ફરી તક મળી
  • ચાર દિવસના પ્રદર્શનમાં માત્ર રજીસ્ટર્ડ કંપનીઓને જ પ્રવેશ : જોકે હીરાની ઓનલાઈન હરાજી વિદેશથી થશે

સામાન્ય રીતે રફ હીરાનું વ્યુઇંગ અને ઓક્શન દુબઇ, બોત્સવાના, એન્ટવર્પમાં થતું હોય છે. પણ તાજેતરમાં ઇચ્છાપોરના ઇન્ટરનેશનલ ડાય ટ્રેડ સેન્ટરને કસ્ટમની મંજૂરીઓ ઉપરાંત સ્ટેટ ઓફ ધ આર્ટ વ્યુહીંગ ફેસિલિટીની સાથો-સાથ અન્ય કોમર્શિયલ તથા સિક્યુરિટી ફેસિલીટીની મંજૂરી મળતાં વિદેશી ડાયમંડ માઇનિંગ કંપનીએ 300 કરોડના રફ ડાયમંડ પ્રદર્શિત કર્યા છે. એટલે કે સુરતમાં હીરાની ખરીદી માટે રૂબરૂ માલ જોયા પછી હવે વિદેશમાં યોજાનારા ઓક્શનમાં ઓન લાઇન હરાજીમાં બોલી લગાવવામાં આવશે. ઇચ્છાપોરના ડાય ટ્રેડ સેન્ટરમાં ચાર દિવસ સુધી ચાલનારા વ્યુઇંગ પ્રદર્શનમાં માત્ર રજીસ્ટર્ડ કંપનીઓને જ પ્રવેશ અપાઇ રહ્યો છે. અગાઉ ડિબિયર્સ ગ્રુપની પેટા કંપની બે વાર ડાય ટ્રેડ સેન્ટરમાં વ્યુંઇંગ યોજી ચૂક્યું છે. એની સફળતા પછી ડિબિયર્સએ પ્રથમવાર પોતાની બ્રાન્ડ સાથે વ્યુંઇંગ કરી રહ્યું છે.

હવે અન્ય ડાયમંડ માઈનિંગ કંપનીઓ રફ હીરાનું વ્યુઇંગ યોજવા સુરત આવી શકશે
ઈચ્છાપોર ખાતે જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઈપીસી) દ્વારા તૈયાર કરાયેલા સુરત ઈન્ટરનેશનલ ડાયટ્રેડ સેન્ટર (એસઆઈડીએસ)ને સ્પેશિયલ નોટીફાઈડ ઝોન(એસએનઝેડ) તરીકેની પરવાનગી અગાઉ કસ્ટમ વિભાગે આપી હતી. ડિબિયર્સ પછી અલરોઝા, રિયો ટીન્ટો જેવી ડાયમંડ માઈનિંગ કંપનીઓ રફ હીરાનું વ્યુઇંગ યોજવા આવી શકશે.
અગાઉ 50,000 સ્કવેર.ફૂટમાં જીજેઈપીસી દ્વારા તૈયાર કરાયેલા સુરત ઈન્ટરનેશનલ ડાયટ્રેડ સેન્ટર ખાતે મધ્યપ્રદેશની પન્ના માઈન્સના દ્વારા જેમ્સ ક્વોલિટીના રફ હીરાનું પ્રર્દશન યોજાયું હતું. સુરતમાં પણ ડાય ટ્રેડ સેન્ટરને ડાયમંડનું ટ્રેડિંગ શરૂ થશે. 31મી ઓક્ટોબર 2015ના રોજ મિનિસ્ટ્રી ઓફ ફાઈનાન્સના સર્ક્યુલર નં. 451/13/2015, પ્રમાણે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્ડાયરેક્ટ ટેક્સિસ અને કસ્ટમની પરવાગની સાથે એસએનઝેડ તરીકે સ્થાપવાની પરવાનગી આપવામાં આવી હતી.

Most Popular

To Top